: ૧૨૪ : આત્મધર્મ: ૧૩૬
પ્રથમ તો જીવને સુખ થાય તે પ્રયોજન છે; તે સુખ વીતરાગવિજ્ઞાનથી જ થાય છે, એટલે
વીતરાગવિજ્ઞાન તે પ્રયોજન થયું. અરિહંતાદિ પંચપરમેષ્ઠી ભગવંતો વીતરાગવિજ્ઞાનસ્વરૂપ છે, વીતરાગવિજ્ઞાન
વડે તેમનામાં મહાનપણું હોવાથી તેઓ પૂજ્ય અને વંદનીક છે. આ પ્રમાણે વીતરાગવિજ્ઞાન સ્વરૂપે જો
પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખે તો પોતામાં પણ સ્વભાવ અને પરભાવનું ભેદજ્ઞાન થઈને વીતરાગવિજ્ઞાનરૂપ
પ્રયોજનની સિદ્ધિ થાય.
અપૂર્વ
જડથી અને જડના કાર્યોથી જુદો, હું જ્ઞાનાનંદસ્વરૂપ છું–એમ પોતાના
સ્વભાવનો નિર્ણય જીવે પૂર્વે એક સેકંડ પણ નથી કર્યો તેથી તે અપૂર્વ છે. એ
સિવાય બીજું બધું પૂર્વે કરી ચૂક્યો છે, પણ તેનાથી ચાર ગતિનું પરિભ્રમણ મટ્યું
નહિ, તે કાંઈ અપૂર્વ નથી. ભગવાન! એક વાર તારા ચૈતન્યતત્ત્વને સાંભળીને
તેનો અપૂર્વ નિર્ણય કર. તારી અંર્તશક્તિમાં સર્વજ્ઞપણું પડેલું છે, તેને ભૂલીને
પોતાને વિકાર જેટલો તુચ્છ માને છે અને હું જડનાં કાર્ય કરું–એવું મિથ્યા
અભિમાન કરે છે તે પાપ છે ને દુઃખનું કારણ છે. અંતર્મુખ થઈને પોતાના પરિપૂર્ણ
ચિદાનંદ સ્વભાવનો અપૂર્વ નિર્ણય કરવો; તે ધર્મ છે ને તે સુખનું કારણ છે.
આનંદનો ઉપાય
આત્મા દુઃખ ટાળીને સુખી થવા માંગે છે એટલે આનંદ લેવા માંગે છે. આનંદ તો આત્માના સ્વભાવમાં
જ છે, પણ અજ્ઞાનને લીધે બહારથી આનંદ લેવા માંગે છે. આત્માનો આનંદ બહારમાં છે જ નહિ. આનંદનો
સાગર અંતરમાં ભર્યો છે પણ તેની સામે કદી જીવે જોયું નથી; ચૈતન્યના આનંદને ચૂકીને, બહારમાં જ આનંદ
માની–માનીને અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે. નાની વયમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?’
અરે જીવો! બહારના ઈન્દ્રિયવિષયોમાં સુખ માનતાં અંતરના સ્વભાવનું અતીન્દ્રિય સુખ ચૂકી જવાય છે.
‘બહારમાં મારું સુખ નથી, મારું સુખ તો મારા અંર્તસ્વભાવમાં જ છે’ એમ વિશ્વાસ કરીને અંતરના
ચિદાનંદતત્ત્વનું મનન કરો. એકવાર આવી ઓળખાણ કરીને આત્મામાં પરમ સત્યનો ભણકાર તો લાવો.
ચૈતન્યતત્ત્વના ભણકાર વિના બહારમાં આનંદ માની–માનીને અનાદિકાળથી જીવ ક્ષણે ક્ષણે ભાવમરણ કરી
રહ્યો છે. જો એક ક્ષણ પણ આત્માનું સત્ય સ્વરૂપ સમજે તો એ ભાવમરણનું ભયંકર દુઃખ મટે ને પરમઆનંદરૂપ
મુક્તદશા પ્રગટે.
‘અહો! મારી ચીજ તો અંતરના જ્ઞાનસ્વભાવથી ભરેલી છે, આનંદનાં નિધાન મારામાં જ ભર્યાં છે, પણ
તેને ચૂકીને અત્યાર સુધી હું બહાર રખડ્યો, છતાં મારાં ચૈતન્યનિધાન એવાં ને એવાં પરિપૂર્ણ છે’–આમ
અંર્તવસ્તુનો સ્વીકાર કરવો ને તેનો મહિમા કરીને સ્વસન્મુખ થવું તે અપૂર્વ આત્મકલ્યાણનું મૂળ છે, તે જ
આનંદની પ્રાપ્તિનો ઉપાય છે અને તે જ ધર્મ છે. (–પ્રવચનમાંથી)