Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
માહ: ૨૪૮૧ : ૧૨૫ :
સમ્યગ્દશન કમ થય?
અને સમકીતિની દ્રષ્ટિ કેવી હોય?
સમયસાર ગા. ૧૮૧ – ૨ – ૩ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
[વર સ. ૨૪૮૦ પષ વદ અમસ: રજકટ]


અનંતકાળમાં પૂર્વે એક સેકંડ પણ જીવને સમ્યગ્દર્શન થયું નથી, તે સમ્યગ્દર્શન કેમ થાય? અને જેને
સમ્યગ્દર્શન થાય તે જીવની કેવી દશા હોય? તેની આ વાત છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું જીવ કદી
સમજયો નથી અને તેનાથી વિપરીત માન્યું છે તેથી તેને આત્માનું સમ્યગ્દર્શન થયું નથી. આત્માનું જેવું સ્વરૂપ
છે તેવું જાણીને તેની પ્રતીત કરે તો અપૂર્વ સમ્યગ્દર્શન થાય. તે સમ્યગ્દર્શન થતાં જીવ એમ જાણે છે કે અહો!
મારો આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે ઉપયોગમાં જ છે, પણ રાગાદિમાં મારો આત્મા નથી. અનાદિથી મેં રાગને
મારું સ્વરૂપ માન્યું તોપણ મારો આત્મા તો રાગથી ભિન્ન સદા ઉપયોગસ્વરૂપ જ રહ્યો છે, મારો ઉપયોગસ્વરૂપ
આત્મા કદી રાગસ્વરૂપ થઈ ગયો નથી. જુઓ આ ધર્મીનું ભેદજ્ઞાન! આત્મામાં આવું ભેદજ્ઞાન પ્રગટ કરવું તે જ
ધર્મનો પાયો છે, આવા ભેદજ્ઞાન વગર કદી ધર્મ થાય નહિ.
અનંતકાળથી અજાણ્યું આત્મતત્વ શું ચીજ છે તેની આ વાત છે. આત્મા ક્યાં રહેતો હશે? શું શરીરમાં
આત્મા રહેતો હશે? ના શરીર તો જડ છે, તેમાં આત્મા નથી. શું રાગમાં આત્મા રહેતો હશે? ના; રાગમાં જ્ઞાન
નથી એટલે રાગમાં આત્મા નથી. આત્મા તો પોતાના ઉપયોગમાં જ રહે છે. આત્મા ઉપયોગસ્વરૂપ છે તે
ઉપયોગમાં જ છે, એટલે અંર્તસ્વભાવમાં એકતાથી જે નિર્મળ જ્ઞાન દર્શન ભાવ પ્રગટ્યો તેમાં આત્મા છે, પણ
વિકારમાં કે જડમાં આત્મા નથી. હું ચિદાનંદસ્વરૂપ આત્મા છું–એવી અંર્તદ્રષ્ટિ કરીને સ્વભાવમાં એકતા કરતાં
આત્મા અનુભવમાં આવે છે, પણ તે દ્રષ્ટિમાં ક્રોધાદિ કે કર્મ અનુભવમાં આવતા નથી; માટે આત્મામાં તે ક્રોધાદિ
નથી. અને ‘હું ક્રોધ છું, હું રાગ છું’ એવી ક્રોધાદિ સાથે એકપણાની દ્રષ્ટિમાં ક્રોધાદિનો અનુભવ થાય છે પણ
તેમાં જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી; માટે તે ક્રોધાદિમાં આત્મા નથી.–આવું અપૂર્વ ભેદજ્ઞાન કરીને
પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ ઉપયોગની એકતા કરવી તે મુક્તિમાર્ગ છે.
આત્મા કેવો છે?–કે આત્મા ત્રિકાળ ઉપયોગસ્વરૂપ છે. વર્તમાનદશામાં તેને જે ક્રોધાદિ વિકાર છે તે તેનું
વાસ્તવિક સ્વરૂપ નથી પણ તેના ગુણની ઊલટી દશા છે. આત્માના ચિદાનંદ સ્વભાવનો અનાદર કરીને
વિકારની રુચિ કરવી તે ક્રોધ છે, તે ક્રોધમાં આત્મા નથી એટલે કે રાગાદિથી લાભ માનીને વિકાર સાથે એકત્વ
બુદ્ધિ કરનારને ચિદાનંદ સ્વરૂપ આત્મા લક્ષમાં આવતો નથી. જેને વિકારની રુચિ છે તેને ભગવાન આત્માની
પ્રીતિ નથી પણ જડ કર્મની પ્રીતિ છે. ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ એવા વિકારની જેને પ્રીતિ છે તે જીવ
ચૈતન્યસ્વભાવના અનંતગુણનો તિરસ્કાર કરે છે, તે અનંતો ક્રોધ છે ને તે જ મોટું પાપ છે. અનાદિકાળના
પરિભ્રમણમાં એક સમય પણ પોતાના ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ જીવે કરી નથી, રાગ અને
આત્માના ભિન્નતા જ લક્ષમાં લીધી નથી. જયાં રાગ અને આત્માની ભિન્નતાનું ભાન થયું ત્યાં ધર્મી જીવને
જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્યસ્વભાવમાં જ આત્મબુદ્ધિ થઈ ને રાગમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ, હવે કોઈ પણ રાગમાં
હિતબુદ્ધિ તે જ્ઞાનીને રહેતી નથી.