Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
અસ્તિત્વ બતાવ્યું. પણ અહીં તો હજી એમ બતાવવું છે કે કર્મરૂપી જે પ્રારબ્ધ છે તેમાં આત્મા નથી અને
આત્મામાં કર્મ નથી. કર્મ ઉપર જેની દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિમાં આત્મા નથી. કર્મના ઉદય પ્રમાણે જીવને વિકાર કરવો
પડે–એમ જે માને છે તે કર્મથી ભિન્ન આત્માને નથી માનતો પણ કર્મને જ આત્મા માને છે. અહીં કર્મના ઉદય
પ્રમાણે વિકાર થાય–એ વાત તો છે જ નહિ, પરંતુ જીવના અપરાધથી જે વિકાર થાય તે પણ ખરેખર જીવ નથી,
જીવનો ઉપયોગસ્વભાવ તે વિકારથી ભિન્ન છે, વિકારમાં ઉપયોગ નથી ને ઉપયોગમાં વિકાર નથી,–એમ અહીં
ભેદજ્ઞાન કરાવવું છે.
કોઈ એમ કહે કે ‘શરીર નીરોગી હોય, પેટમાં ખોરાક બરાબર હોય તો ધર્મ કરવો ઠીક પડે’ – તો આમ
માનનારને ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી પણ નોકર્મ ઉપર દ્રષ્ટિ છે. ભાઈ! તારા ધર્મનું કારણ તારો આત્મા છે
કે જડ શરીર અને રોટલા તારા ધર્મનું કારણ છે? શરીર તે નોકર્મ છે, તે નોકર્મ અનુકૂળ હોય તો મને ધર્મ થાય–
એવી જેની દ્રષ્ટિ છે તેણે નોકર્મ સાથે આત્માની એકતા માની છે, ઉપયોગસ્વરૂપ આત્મા અને નોકર્મનું ભેદજ્ઞાન
તેને નથી. ઉપયોગસ્વરૂપ આત્મા શરીરથી અત્યંત જુદો છે, શરીર સાથે ધર્મનો સંબંધ નથી. કોઈ વાર ધર્માત્માને
પણ શરીરમાં રોગ થાય, અને અધર્મી પાપી જીવનું શરીર પણ નીરોગ હોય. શરીરમાં રોગ થાય તેથી કાંઈ
સાધકને પોતાના ધર્મમાં શંકા નથી પડતી.
કોઈ માણસનો પુત્ર નાની વયમાં મૃત્યુ પામ્યો; જ્યારે તેણે તે સમાચાર સાંભળ્‌યા ત્યારે કહ્યું કે–‘અરે,
અમારો પુત્ર નાની વયમાં મરે જ નહિ કેમકે અમે ધર્મી છીએ.’ જુઓ, સાધારણ લોકોને તો આવો જવાબ
સાંભળીને એમ લાગે કે વાહ! કેવી ધર્મની નિઃશંકતા! પણ જ્ઞાની કહે છે ને તે મોટો મૂઢ છે. શું તારામાં ધર્મ
થાય તેથી દિકરાનું આયુષ્ય વધી જાય? અને દિકરાનું આયુષ્ય ઓછું હોય તો શું આ જીવનો ધર્મ ચાલ્યો જાય?
ધર્મી તો આ શરીરને પણ પોતાથી તદ્ન ભિન્ન જાણે છે, તો પછી બીજાનો સંયોગ લાંબો કાળ રહે કે ઓછો કાળ
રહે––એની સાથે તેના ધર્મનો શું સંબંધ છે? ધર્મી થાય તેના પુત્રનું આયુષ્ય લાંબું જ હોય––એવું નથી અરે! કોઈ
વાર ધર્મીને પોતાને પણ દેહનું આયુષ્ય થોડું હોય. લાંબુ આયુષ્ય હોય તો જ ધર્મી કહેવાય–એમ નથી. આયુષ્ય
ટૂંકું હોય કે લાંબું હોય––પણ જેને આયુષ્ય ઉપર દ્રષ્ટિ છે તેને ધર્મ થતો નથી. ધર્મી તો જાણે છે કે આયુષ્ય મારું
નથી પણ શરીરનું છે, શરીર જડ છે, હું તો ઉપયોગસ્વરૂપ અનાદિઅનંત છું, મારા ઉપયોગના આધારે જ મારે
ધર્મ છે.–આવી દ્રષ્ટિ પ્રગટ કરવી તે ધર્મી થવાનો ઉપાય છે.
આત્માની આરાધનાનો રાહ
ભવભ્રમણથી થાકેલો જિજ્ઞાસુ શિષ્ય આત્માની સાચી સમજણ કરવા માટે શ્રી ગુરુ પાસે આવી ને પૂછે
છે કે: આત્માના ભાન વિના હે પ્રભો! અનંત અવતારમાં રખડી રખડીને હવે તો હું થાક્યો, નાથ! હવે આ
આત્માને સમજીને ભવભ્રમણથી મારો છૂટકારો થાય એવી રીત બતાવો... આત્માનું વાસ્તવિક સ્વરૂપ મને
સમજાવો.
શ્રી ગુરુ કહે છે કે હે ભાઈ! તું આત્માનો ગરજવાન થઈને પૂછવા આવ્યો છે તો અમે તને આત્માનું
સ્વરૂપ બતાવીએ છીએ. આત્માના ધર્મો વડે તેની ઓળખાણ કરતાં આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે. અમે
જે કહીએ છીએ તે ધીરો થઈને સાંભળ. આ વાતની હા પાડીને રુચિ કરતાં તેમાં પરિણમન થયા વિના રહે નહીં.
આત્માને ઓળખીને તેની રુચિ અને એકાગ્રતા કરવી તે આત્માની આરાધનાનો રાહ છે. પણ તે માટે આત્માની
ખરી લગની લાગવી જોઈએ. સાચી લગની લાગે તેને આત્માનું સ્વરૂપ સમજાયા વગર રહે નહીં.