Atmadharma magazine - Ank 138
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૬૪ : આત્મધર્મ ૨૪૮૧: ચૈત્ર :
સિદ્ધાંતમાં પુણ્યના સ્થાને પુરુષાર્થ છે. દૈવનયમાં કે પુરુષાર્થનયમાં બંનેમાં જીવના ‘પુરુષાર્થપૂર્વક’ જ મોક્ષની
પ્રાપ્તિ થઈ છે. પણ તેમાં સ્વભાવ તરફનો પ્રયત્ન છે તે અપેક્ષાએ મોક્ષને યત્નસાધ્ય કહ્યો. અને કર્મ તરફનો
પ્રયત્ન નથી તે અપેક્ષાએ અયત્નસાધ્ય કહ્યો. દૈવનયથી કથન હો કે પુરુષાર્થનયથી કથન હો, તે બંનેમાં આ તો
એક જ પ્રકાર છે કે બંનેને તેવો પુરુષાર્થ છે; સ્વભાવના પુરુષાર્થ વિના બેમાંથી કોઈને મોક્ષ પ્રાપ્ત થાય–એમ
બનતું નથી.
પુરુષાર્થ તેમજ દૈવ બંને ધર્મનો ધરનાર આત્મા તો એક જ છે, એટલે દ્રષ્ટિમાં લેવા જેવો આત્મા તો એક
જ છે. અભેદ ચૈતન્યસ્વભાવને દ્રષ્ટિમાં લેવો તે જ બધાનો સાર છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકીને
એકાગ્ર થતાં પરિણમનનો પ્રવાહ સ્વસન્મુખ વળી જાય છે ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તથા મોક્ષદશા પ્રગટી
જાય છે.
આત્મદ્રવ્ય તે પ્રમાણનો વિષય છે, તેમાં અનંત ધર્મો છે, તે અનંત ધર્મોને જાણનાર અનંત નયો છે.
તેમાં એકેક ધર્મોના લક્ષે પ્રમાણ થતું નથી પણ આખા ધર્મીના લક્ષે પ્રમાણ થાય છે અને તે પ્રમાણપૂર્વક જ નય
હોય છે.
આત્માને કોઈવાર પુરુષાર્થથી મુક્તિ થાય ને કોઈવાર દૈવથી મુક્તિ થાય છે–એવું અનેકાન્તનું સ્વરૂપ
નથી. જેમ કોઈ વાર જીવની મુક્તિ થાય ને કોઈ વાર પુદ્ગલની મુક્તિ થાય–એમ નથી, તેમજ કોઈવાર જીવના
લક્ષે મુક્તિ થાય ને કોઈવાર જડના લક્ષે મુક્તિ થાય–એમ પણ નથી, તેમ કોઈવાર એકલા પુરુષાર્થથી મુક્તિ
થાય ને કોઈવાર એકલા દૈવથી મુક્તિ થાય–એમ પણ નથી. આત્મામાં પુરુષાર્થ અને દૈવ બંને એક સાથે જ છે.
કર્મની પદ્ધતિ સામે જોઈને આત્માના આવા ધર્મની પ્રતીત થતી નથી પણ આત્માની સામે જોઈને જ તેના
ધર્મોની પ્રતીત થાય છે. આત્માના આવા દૈવધર્મને ઓળખવા જાય તો ત્યાં પણ તે ધર્મના આધારભૂત ધર્મીની
(એટલે કે શુદ્ધચૈતન્યમાત્ર આત્મતત્ત્વની) દ્રષ્ટિ કરવાનું આવે છે એટલે તેમાં પણ સ્વભાવદ્રષ્ટિનો પુરુષાર્થ
આવી જાય છે. આત્માના અનંત ધર્મોમાંથી પુરુષાર્થ વગેરે કોઈ એક ધર્મને જુદો પાડીને લક્ષમાં લ્યે તો તેના
લક્ષે મુક્તિ થતી નથી. એકલા પુરુષાર્થ ધર્મના લક્ષે મુક્તિ થતી નથી માટે આત્મા અયત્નસાધ્ય છે. એટલે ભેદની
દ્રષ્ટિ છોડીને અખંડ આત્મસ્વરૂપની દ્રષ્ટિ કરવી તે જ તાત્પર્ય છે. અયત્નસાધ્યધર્મદ્વારા આત્માને જાણે તો તેમાં
પણ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે, કેમકે અયત્નસાધ્યધર્મ તેનાથી જુદો નથી. આ રીતે
અયત્નસાધ્યધર્મને જાણનારનું જ્ઞાન પણ શુદ્ધ સ્વભાવ તરફ વળેલું હોય છે ને તેને જ દૈવનય હોય છે.
આ બધા નયો સાધક આત્માના છે, સાધકના શ્રુતજ્ઞાનમાં જ નય હોય છે. કેવળી ભગવાનને નય હોતા
નથી. તેમ અજ્ઞાનીને પણ નય હોતા નથી. કેવળી ભગવાનને બધા નયોનું જ્ઞાન હોય છે પણ તેમના પોતાના
જ્ઞાનમાં નય હોતા નથી.
કોઈ એમ કહે કે આત્માના કાર્યમાં આત્માનો પ્રયત્ન ચાલે છે માટે પુરુષાર્થનય આત્મામાં લાગુ પાડવો,
અને પરના કાર્યોમાં આત્માનો પ્રયત્ન ચાલતો નથી, બહારના સંયોગ–વિયોગ દૈવ પ્રમાણે થયા કરે છે માટે
દૈવનય બહારમાં લાગુ પાડવો.– તો એ વિવિક્ષા અહીં લાગુ પડતી નથી, કેમકે અહીં તો આત્માના ધર્મોનું વર્ણન
છે એટલે બધા નયો આત્મામાં જ લાગુ પડે છે. અહીં આત્માના મોક્ષ માટે પુરુષાર્થ અને દૈવ બંને એક સાથે
બતાવવા છે; એક આત્મામાં તે બંને ધર્મો એક સાથે રહેલા છે. માટે અહીં જે નયની જે વિવક્ષા છે તે જાણવી
જોઈએ.
૩૩માં દૈવનયથી આત્માનું વર્ણન અહીં પૂર્ણ થયું.