: ૧૫૨ : આત્મધર્મ ૨૪૮૧: ચૈત્ર :
માનસ્તંભ – પ્રતિષ્ઠાનો
અ ધન્ય મહત્સવ!
પરમ પ્રભાવક પૂજ્ય ગુરુદેવના પુનિત પ્રતાપે તીર્થધામ સોનગઢમાં ત્રેસઠ ફૂટ ઊંચો ભવ્ય માનસ્તંભ
થયો, અને બે વર્ષ પહેલાંં, ભવ્ય મહોત્સવપૂર્વક ચૈત્ર સુદ દસમે તેમાં સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા
મહોત્સવની વર્ષગાંઠ પ્રસંગે એ મંગળ મહોત્સવની ઊર્મિઓ તાજી થાય છે.
આ માનસ્તંભની ભવ્યતા નીખરતાં ભક્તજનોને અતિ આનંદ થાય છે અને અંતરમાં એવી ઊર્મિ જાગે
છે કે અહો! જાણે મહાવિદેહના જ માનસ્તંભના દર્શન થયાં! અને વળી આકાશમાં ઊંચે ઊંચે બિરાજમાન
સીમંધર ભગવાનને નીરખતાં, મહાવિદેહમાં વિચરી રહેલા સીમંધર ભગવાનને જ નીરખવા જેવો સંતોષ થાય
છે. આવા આ પાવન માનસ્તંભની છાયામાં આવતાં જ શાંત....શાંત લહરીઓથી હૃદય અત્યંત વિશ્રાંતિ પામે છે.
માનસ્તંભ માટે અનેક ભક્તજનોના અંતરમાં ઘણાં વર્ષોથી જે ભાવના ઘોળાયા કરતી હતી તે આખરે
સફળ થઈ. હજારો ભક્તજનોએ મહાન ઉલ્લાસથી એ માનસ્તંભનો મહોત્સવ ઊજવ્યો. અહો! એ દિવસોમાં
નગરીની શોભા, ભગવાન નેમીનાથ પ્રભુનો ગર્ભકલ્યાણક અને પછી જન્મ; ભવ્ય ગજયાત્રા અને જન્માભિષેક,
પારણાઝૂલન અને રાજસભા, જાન અને પશુઓનો પોકાર, ભગવાનનો વૈરાગ્ય અને રાજીમતીની ભાવના,
આમ્રવનમાં દીક્ષાકલ્યાણક ને ત્યાં ગુરુદેવના પ્રવચનમાં વૈરાગ્યની ધૂન, ભગવાનના આહારદાનનો
અદ્ભુતપ્રસંગ, ને ગુરુદેવના સુહસ્તે અંકન્યાસ વિધાન, કેવળજ્ઞાન કલ્યાણક અને સમવસરણ–ભક્તિ,
નિર્વાણધામ ગીરનારજીનું દ્રશ્ય, છેવટે માનસ્તંભમાં ઉપર–નીચે ચતુર્દિશ સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા અને
અંતિમ ભવ્ય રથયાત્રા;–આ બધાય મંગલ પ્રસંગોની હારમાળા નજર સમક્ષ તરવરતાં આજે ય ભક્તિના
ઉમળકાથી હૃદયમાં હર્ષ થાય છે. ખરેખર–
“કલ્યાણકાળ પ્રત્યક્ષ પ્રભુકો લખેં જે સુરનર ઘને
તિહ સમયકી આનંદ મહિમા કહત કયોં મુખસોં બને?”
પ્રતિષ્ઠા પછી મંચ દ્વારા એ ઊંચા ઊંચા માનસ્તંભની યાત્રા કરતાં પણ ભક્તોને આનંદ થતો
હતો....ઉપરના શાંત–શાંત વાતાવરણમાં જ્યારે પૂ. ગુરુદેવ ભક્તિ ગવડાવતા ત્યારે ચારે કોર ભક્તોનાં હૃદય
થંભી જતાં હતાં.
ભારતમાં અનેક સ્થળોએ માનસ્તંભો છે; પરંતુ સૌરાષ્ટ્રમાં તો અત્યારે આ એક જ માનસ્તંભ છે.
ગુરુદેવના અદ્ભુત પ્રભાવે સ્થપાએલ આ ધર્મસ્તંભ, જૈનધર્મવૈભવના જયગાન દશે દિશામાં પ્રસરાવી રહ્યો છે.
જેનાં દર્શન થતાં જ ભક્તિથી નમ્રીભૂત થઈને હૃદય પોકારી ઊઠે છે કે અહો! ધન્ય એ જિનેન્દ્રવૈભવ!! ધન્ય એ
માનસ્તંભ! ધન્ય એ મહોત્સવ!!