Atmadharma magazine - Ank 138
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
: ચૈત્ર : ૨૪૮૧ આત્મધર્મ : ૧૫૫ :

નહિ, બહારનું કોઈ સાધન છે જ નહિ. ભાઈ, તારો આત્મા તને તારા જ્ઞાનથી જ અનુભવમાં આવે
તેવો છે. આખો આત્મા જ્ઞાનસ્વભાવથી ભરેલો છે ને સંયોગથી ખાલી છે. આવો આત્મા
સ્વાનુભવગમ્ય છે; દેહ – વાણી મનથી કે રાગથી અગમ્ય છે ને માત્ર સ્વાનુભવથી ગમ્ય છે. –આવા
આત્માનો પ્રથમ સત્સમાગમે બરાબર નિર્ણય કરવો જોઈએ.
અંતરમાં સ્વાનુભવથી આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપનું સમ્યક્ ભાન થયા પછી ધર્મી જીવને
તેમજ ધર્મના જિજ્ઞાસુ જીવને વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ–પૂજા–પ્રભાવના વગેરેનો શુભરાગ
થાય છે, પંચપરમેષ્ઠી ભગવાનના પ્રતિમાજી બનાવીને તેમની સ્થાપના કરવાનો તેમજ પ્રતિષ્ઠા
મહોત્સવ વગેરેનો ભાવ પણ આવે છે, તે ભાવ કાંઈ અસ્થાને નથી. તે ભૂમિકામાં તે પ્રકારનો ભાવ
આવે છે. ધર્માત્માને ભગવાનની પૂજા–પ્રતિષ્ઠા વગેરેનો ભાવ આવેજ નહિ–એમ જો કોઈ તેનો
સર્વથા નિષેધ કરે તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને ધર્મની ભૂમિકાની ખબર નથી; તેમજ તે શુભભાવ
આવ્યો તેને જ ધર્મ મનાવી દે અથવા તો તેનાથી પાપ માને તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે, તેને
નવતત્ત્વનું ભાન નથી. ધર્મીને પોતાની સર્વજ્ઞશક્તિનું ભાન થયું છે પણ હજી સર્વજ્ઞતા પ્રગટી નથી
અને રાગ છે ત્યારે, જેમને પૂર્ણ સર્વજ્ઞતા પ્રગટી ગઈ છે એવા કેવળી ભગવાન પ્રત્યે તેમજ તે
સર્વજ્ઞતાના સાધક સંતો પ્રત્યે બહુમાન અને ભક્તિનો ઉલ્લાસ આવ્યા વિના રહેતો નથી. સાક્ષાત્
તીર્થંકર ભગવાન બિરાજતા હોય તેમને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રો આવીને દિવ્ય સમવસરણ
(ધર્મસભા)ની રચના કરે છે, તેમાં બાર સભા હોય છે, અને તેની વચ્ચે ત્રણ પીઠિકાઓ ઉપર
નિરાલંબીપણે ભગવાન બિરાજે છે. તથા સમવસરણની ચાર બાજુ સોનાનાં ને રત્નોનાં ચાર મોટાં
માનસ્તંભ હોય છે. ભગવાનને તો કાંઈ રાગ કે ઈચ્છા નથી; ઈન્દ્ર સમક્તિ છે–એકાવતારી છે, તેને
એવો ભક્તિનો ભાવ આવે છે. સોનગઢમાં એ માનસ્તંભનો નમૂનો છે; માનસ્તંભ તે કીર્તિસ્તંભ
નથી પણ ધર્મસ્તંભ છે, તેને જોતાં જ મિથ્યાદ્રષ્ટિનાં અભિમાન ગળી જાય છે. ભગવાને પુણ્યથી પાર
ચિદાનંદતત્ત્વનું પહેલાંં ભાન કર્યું અને પુણ્યનો નિષેધ કરીને ચિદાનંદસ્વરૂપમાં એકાગ્રતાથી ભગવાન
કેવળજ્ઞાન પામ્યા; ત્યાં પુણ્યનાં ફળ એવાં આવ્યાં કે સમ્યગ્દ્રષ્ટિ એકાવતારી ઈન્દ્રો આવીને તેમના
ચરણની સેવા કરે છે, ને સમવસરણની એવી અદ્ભુત રચના કરે છે કે જોનાર આશ્ચર્યમાં પડી જાય.
ધર્મીને રાગથી પાર પોતાના ચિદાનંદસ્વભાવનું ભાન છે છતાં તેને આવો ભક્તિનો રાગ થયા વિના
રહેતો નથી. ધર્મીને રાગ થાય છે માટે તે રાગથી લાભ માનતા હશે–એમ નથી. રાગ થવા છતાં તે
વખતે ધર્મીને ભાન વર્તે છે કે હું આ રાગથી પાર છું, મારું સ્વરૂપ તો અચિંત્ય જ્ઞાનાનંદમય છે, મારા
ચિદાનંદ આત્માને આ રાગનું અવલંબન નથી. આવા ચૈતન્યતત્ત્વની સમજણ કરવી તે મૂળ વસ્તુ
છે. જ્ઞાનાનંદસ્વભાવે ભરેલો આ ચૈતન્ય ભગવાન રાગથી પાર છે, તેને સ્વસંવેદનજ્ઞાનથી જાણવો તે
અપૂર્વ ધર્મ છે.
પ્રભો! આવો મનુષ્યદેહ અનંતકાળે મળ્‌યો છે, તે વારંવાર નથી મળતો. આવો મનુષ્ય
અવતાર પામીને પણ દેહથી ભિન્ન આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જો લક્ષમાં ન લીધું તો પાછો
નરક–નિગોદના અવતારમાં તારો આત્મા રઝળશે. માટે સત્સમાગમે આત્માના સ્વરૂપનો નિર્ણય કર.
ચૈતન્યસ્વરૂપ આત્માના નિર્ણય વિના જીવ અનાદિ કાળથી સંસારમાં રખડી રહ્યો છે, સંસારમાં