Atmadharma magazine - Ank 139
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 22

background image
: ૧૭૬ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
મૂનિવરો જ મુક્તિસુંદરીને વરવાને લાયક છે. આ સિવાય મિથ્યાદ્રષ્ટિ–ઉદ્ધત જીવો સુંદર મુક્તિરૂપી
વારાંગનાને વરવાને લાયક નથી. મુક્તિસુંદરી કહે છે કે એવા મિથ્યાદ્રષ્ટિને હું વરું નહીં.
શુદ્ધરત્નત્રયના સાધક એવા મુનિવરોને જ હું વરું છું.
એકવાર એક ખાનદાન બાઈના લગ્નનો પ્રસંગ હતો. જાન આવેલી, લગ્નનું ટાણું નજીક આવ્યું;
લગ્નને થોડી વાર હતી ત્યાં વરને એમ થયું કે મારે જેની સાથે લગ્ન કરવાનાં છે તે કન્યાને નજરે
જોઈને હું પસંદ કરી લઉં. આવો વિચાર આવતાં તેણે કન્યાને જોવાની માંગણી કરી. કન્યાના પિતા
ગભરાઈ ગયા, પણ કન્યા મહાસુંદર ને હિંમતવાળી! તેણે કહ્યું–પિતાજી! એ ભલે આવે, એને જોવા
માટે બોલાવો વરને જોવા માટે બોલાવ્યો. કન્યાને જોતાં જ છક થઈ ગયો. કન્યાએ કહ્યું–કેમ કાંઈ
પૂછવું છે? વર કહે–અરે! આમાં શું કહેવાનું હોય! કન્યા કહે–બરાબર પસંદ છે ને! વર કહે.. હા.
એમ કહીને પ્રસન્નતાથી જ્યાં પાછો જવાની તૈયારી કરે છે ત્યાં તો કન્યા કહે– ‘ઊભા રહો’ તે ઊભો
રહ્યો, એટલે કન્યાએ કહ્યું–તમે તો મને પસંદ કરી; પણ હવે હું તમને પસંદ કરું છું કે નહિ–એ વાત
તો મને પૂછો વર કહે–કેમ! એમાં કાંઈ કહેવું છે? કન્યા કહે –હા, સાંભળો! હું તમારા જેવા ઉદ્ધતને
પસંદ કરતી નથી, માટે એમ ને એમ પાછા ચાલ્યા જાવ!!
–તેમ અહીં ઉદ્ધત એટલે અજ્ઞાની મૂઢ જીવ. તે કહે છે કે મારે મુક્તિસુંદરીને વરવું છે, મારે
મુક્તિ જોઈએ છે, હું મુક્તિ માટે જ આ વ્રતાદિ શુભરાગ કરું છું. આ રીતે અજ્ઞાની શુભરાગ વડે
મુક્તિ લેવા ચાહે છે અને કહે છે કે મારે સ્વર્ગાદિ કાંઈ જોઈતું નથી, હું મુક્તિને જ ચાહું છું. પણ જ્ઞાની
કહે છે કે અરે ભાઈ! તું મુક્તિને તો પૂછ, કે એ તને પસંદ કરે છે? મુક્તિસુંદરી તારા લાખ
શુભરાગથી પણ પ્રસન્ન થાય એવી નથી. મુક્તિસુંદરી તો કહે છે કે અરે! આ વ્રતાદિના રાગથી ધર્મ
મનાવનારા તો સર્વજ્ઞ વીતરાગના વિરોધી છે, ઉદ્ધત છે, એને હું પસંદ કરતી નથી. હું તો સમ્યગ્દર્શન
જ્ઞાનપૂર્વક વીતરાગી ખાનદાનીથી શોભતા મુનિવરોને જ પસંદ કરું છું. રાગથી કે વ્યવહારના
આશ્રયથી ધર્મ મનાવનારા મૂઢ જીવોને મુક્તિસુંદરી પસંદ કરતી નથી એટલે કે તેઓ કદી મુક્તિ
પામતા નથી. સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક વીતરાગી મોક્ષમાર્ગે ચાલનારા મુનિવરોને જ મુક્તિસુંદરી ચાહે
છે એટલે કે તેઓ જ મુક્તિસુંદરીના નાથ થાય છે.
• જય હો.મુક્તિસુંદરીના નાથનો! •
આનંદ
અહો! સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્મા સિવાય ક્યાંય સુખ દેખતો નથી, તે સુખને
પોતાના આત્મામાં જ દેખે છે. આથી કદી પણ તેને આત્માનો મહિમા છૂટીને પરનો મહિમા
આવી જતો નથી.
હે ભાઈ! તારો આનંદ તારામાં જ શોધ, તારો આનંદ તારામાં છે, તે બહાર શોધવાથી
નહિ મળે. તારું આખું દ્રવ્ય જ સર્વપ્રદેશે આનંદથી ભરેલું છે; તેને દેખ, તો તને તારા અપૂર્વ
આનંદનો અનુભવ થાય. પોતાનો આનંદ પોતામાં જ છે–એમ જાણીને તું આનંદિત થાય.
–પૂ. ગુરુદેવ.
(–સુખ શક્તિના પ્રવચનમાંથી)