Atmadharma magazine - Ank 139
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 22

background image
: વૈશાખ : ૨૪૮૧ આત્મધર્મ : ૧૭૫ :
રોમેરોમમાં સમાધિ પરિણમી ગઈ છે, આવી મુનિદશામાં સહજપણે સમિતિ હોય છે. ચિદાનંદ
સ્વરૂપમાં લીનતાથી મુનિવરોને એવી સમાધિ થઈ ગઈ છે કે બધા જીવો પ્રત્યે અનુકંપા વર્તે છે,
આત્માના શાંતરસના વેદન આડે દુશ્મન પ્રત્યે પણ દ્વેષની વૃત્તિ ઊઠતી નથી; નિઃશંકાપણે મોક્ષમાર્ગને
સ્થાપે છે, વિપરીતતાનું ખંડન કરે છે, છતાં દ્વેષનો ભાવ નથી, વિરોધ કરનાર પ્રત્યે પણ દ્વેષ નથી.
અંતરમાં ચૈતન્યના આશ્રયે પોતાને આનંદ વર્તે છે, શાંતિના ધોરીમાર્ગે પોતે વિચરે છે.
–આવા મુનિઓ જ્યારે આહાર માટે જાય ત્યારે જો વચ્ચે કોઈ બાલક વગેરેનું રુદન સાંભળે
તો આહારની વૃત્તિ તૂટી જાય છે: અરે! અમે શાંતિના સાધક, ત્યાં વચ્ચે આ અશાંતિની રાડ ક્યાં?
અમે અમારા શાંતરસને પોષનારા, ત્યાં વચ્ચે આવા અશાંતિના પ્રસંગ ન હોય. આવા પ્રસંગ બને
ત્યાં અમારો આહાર ન હોય. આગ લાગી હોય એવા પ્રસંગે પણ મુનિ આહાર ન લ્યે. અરે! અમે તો
શાંતરસ વડે સંસારના દાવાનળને ઓલવનારા, ત્યાં આવા અગ્નિના પ્રસંગે અમારે આહાર ન હોય.
અમે તો આત્માના અતીન્દ્રિયઆનંદનું ભોજન કરનારા! આ રીતે ચૈતન્યના અવલંબનપૂર્વક
આહારની વૃત્તિ છૂટી જાય છે. આવા મુનિવરોને એષણા સમિતિ હોય છે.
જૈનદર્શનના સંતમુનિવરો કેવા હોય છે તેનું આ વર્ણન છે. મોક્ષને સાધનારા મુનિવરો વન
જંગલમાં વિચરનારા ને આત્માના શાંતરસમાં લીન હોય છે, ઈન્દ્રિયો તરફથી વલણ છૂટીને
આત્માના અતીન્દ્રિય આનંદમાં તેમનું વલણ નમી ગયું છે, માતાએ જન્મેલા નાનકડા બાળક જેવી
નિર્દોષ તેમની આકૃતિ છે. આવા મુનિ જંગલમાંથી આહાર માટે ગામમાં પધારતા હોય, –ત્યાં જાણે કે
સિદ્ધભગવાન ગામમાં પેસતા હોય!! જેમ આત્માના ભાન વગરના જીવોને ‘ચલ શબ’ –ચાલતાં
મડદાં કહ્યાં છે, તેમ ચૈતન્યને સાધનારા સંતો જાણે કે ‘ચાલતા સિદ્ધ’ છે; તેઓ પગલાં ભરતા હોય
ત્યાં જાણે કે પોતાની સિદ્ધદશા લેવા માટે ચાલ્યા જતા હોય! આવો વીતરાગી મુનિઓનો માર્ગ છે.
વીતરાગમાર્ગમાં મુનિવરોની આવી અદ્ભુતદશા હોય છે.
આવા મુનિવરો, ભક્તોના હાથે વિધિપૂર્વક દેવામાં આવેલો નિર્દોષ આહાર જ લ્યે છે, પ્રાણ
જાય તો પણ આહારાદિની યાચના કરતા નથી. યાચના કરવી એ મુનિઓનો માર્ગ નથી પણ એ તો
ભીખારીઓનો માર્ગ છે. મુનિઓ તો સિંહ વૃત્તિવાળા હોય છે. જેમ સિંહ સામાને પૂછતો નથી કે ‘તને
મારું? ’ તેમ વીતરાગમાર્ગના મુનિવરો આહાર માટે કદી યાચના કરતા નથી. નિસ્પૃહ મુનિવરો કદી
માંગે નહિ પણ ભક્તો ઘણા બહુમાનપૂર્વક વિધિથી આહાર આપે. ભરતચક્રી જેવા પણ ભોજન
સમયે મુનિવરોને આહારદાન માટે પ્રતીક્ષા કરતા કે અહો! કોઈ મુનિરાજ પધારે! તો મારા આંગણે
આહાર માટે પડગાહન કરું! આમ ભક્તો દ્વારા ભક્તિપૂર્વક હાથમાં દેવામાં આવેલો નિર્દોષ આહાર
જ મુનિઓ લ્યે છે.
આહારની શુભવૃત્તિ ઊઠે તેની કાંઈ મુનિઓને મુખ્યતા નથી, પરંતુ આહારની વૃત્તિ ઉપરાંત
આત્માનું ધ્યાન વર્તે છે; જ્ઞાનપ્રકાશી આત્માનું ધ્યાન વર્તે છે તે જ ખરેખર તપ છે. ચૈતન્યસૂર્યના
ધ્યાનરૂપ જે તપ, તેના વડે તપસ્વી મુનિરાજ દેદીપ્યમાન એવી મુક્તિવારાંગનાને પ્રાપ્ત કરે છે.
પૂર્ણ જ્ઞાનપ્રકાશી આત્માનું વારંવાર નિર્વિકલ્પઆનંદમય ધ્યાન મુનિવરોને વર્તે છે. આવા