: ૧૯૪ : આત્મધર્મ : ૧૪૦
શ્રુતવત્સલસંત ત્રિપુટી દ્વારા જળવાઈ
રહેલો તીર્થંકરદેવનો દિવ્ય વારસો
શ્રુતપંચમીનો મહોત્સવ
બે સફેદ ઉજ્વળ વૃષભ ચાલ્યા આવે છે..ને જાણે કે આવીને પ્રદક્ષિણા દઈને ચરણોમાં ભક્તિપૂર્વક
નમી રહ્યા છે... કોઈ શુભઘડીએ આવું મંગલ સ્વપ્ન દેખાઈ રહ્યું છે.
એ સ્વપ્નદ્રષ્ટા છે મહામુનિરાજ ધરસેનાચાર્યદેવ.
અલ્પનિદ્રામાં એ મંગલસૂચક દ્રશ્ય દેખીને તેઓ સંતુષ્ટ થાય છે.
‘જય હો શ્રુતદેવતાનો...’ એવા આશીર્વાદ એ શ્રુતવત્સલસંતના શ્રીમુખેથી સરી પડે છે.
આજથી અનેક સૈકાઓ પહેલાંનો એ પાવન પ્રસંગ છે.
એ પાવન પ્રસંગની જન્મભૂમિ હતી–સૌરાષ્ટ્રના ગીરનારધામની ચંદ્રગૂફા!
બીજે દિવસે સવારમાં ધર્મધુરાનું વહન કરવામાં સમર્થ એવા બે મુનિવરો આવે છે...તેઓ ભક્તિ
અને વિનયપૂર્વક મહામુનિરાજ ધરસેનાચાર્યદેવના ચરણોમાં નમે છે.
ત્રણ દિવસ બાદ પરીક્ષા કરીને, તેમના ઉત્તમ બુદ્ધિ અને ઉત્તમધૈર્યથી પ્રસન્ન થઈને, તેઓને મહાવીર
ભગવાનની પરંપરાથી આવેલું દિવ્ય શ્રુતજ્ઞાન ભણાવે છે. સર્વજ્ઞદેવના શ્રીમુખથી વહેલો ધોધ એ
મુનિવરોના નિર્મળ હૃદયમાં ઠાલવી રહ્યા છે.
એ રીતે ભગવાન ધરસેનાચાર્ય દ્વારા પુષ્પદંત અને ભૂતબલિ મુનિવરોને અષાડ સુદ ૧૧ ના રોજ
પૂરું જ્ઞાન અપાઈ રહે છે..ને દેવો આવીને એ ‘શ્રુતધરો’નું પૂજન કરે છે.
ત્યારબાદ, તીર્થંકર ભગવાન તરફથી પરંપરા મળેલા જ્ઞાનનિધાનનો એ અપૂર્વ વારસો કાયમ
જળવાઈ રહે તે માટે પુષ્પદંત અને ભૂતબલિ એ બંને આચાર્યભગવંતો તે જ્ઞાનને षट्खंडागम ની રચના
વડે શાસ્ત્રારૂઢ કરે છે, અને તેને ઉપકરણ માનીને અંકલેશ્વરમાં ચતુર્વિધ સંઘસહિત મોટા મહોત્સવ પૂર્વક
એ શ્રુતનું પૂજન કરે છે.
જ્યારથી એ પુનિત પ્રસંગ બન્યો, ત્યારથી તે દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે પ્રસિદ્ધ છે; ને આજે પણ
જૈનોમાં એ દિવસ ઉલ્લાસપૂર્વક ઊજવીને શ્રુતપ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવામાં આવે છે.
તીર્થંકર ભગવાનો વારસો આપનાર એ ‘શ્રુતવત્સલસંતત્રિપુટી’નો જય હો.