: ૨૧૮ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
શરણ લેવા જેવું છે. તે એક જ મૃત્યુથી બચવાનો ને મુક્તિ પામવાનો ઉપાય છે.
અપૂર્વ સમ્યગ્દર્શન થયા પછી પણ આત્મામાં લીન થઈને ચારિત્રદશા પ્રગટ કરવી તે મોક્ષનું
સાક્ષાત્ કારણ છે. તેથી આચાર્યભગવાન કહે છે કે–(પ્રવચનસાર શ્લોક ૧૨)
હે ધર્મી જીવો! હે મોક્ષાર્થી જીવો! જો આત્માની શાંતિ જોઈતી હોય ને ભવના ફેરાથી છૂટવું
હોય તો શુદ્ધદ્રવ્યનો આશ્રય કરીને મોક્ષમાર્ગમાં આરોહણ કરો. ચારિત્ર દ્રવ્યાનુસાર હોય છે એટલે ક
જેટલું જોર કરીને દ્રવ્યમાં લીન થાય તેટલું ચારિત્ર હોય છે; જેટલો દ્રવ્યનો આશ્રય કરે તેટલી શાંતિ
પ્રગટે છે. માટે પહેલાં શુદ્ધદ્રવ્યને ઓળખીને તેના જ આશ્રયે લીનતા કરો. પહેલાં શુદ્ધદ્રવ્યની
ઓળખાણ તો હોવી જ જોઈએ. શુદ્ધદ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દર્શન તે
ચારિત્રનું મૂળ છે, ચૈતન્યચિંતામણીરૂપ શુદ્ધ આત્મામાં દ્રષ્ટિ અને લીનતા કરીને તેની જેટલી ભાવના
કરે તેટલું ફળ પ્રગટે...ભગવાન ચૈતન્ય ચિંતામણી અનાદિ અનંત પરિપૂર્ણ છે તેની ભાવના કરવાથી
સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર ને મોક્ષ થઈ જાય છે.
આ દેહાદિનો સંયોગ તો અનંતવાર આવ્યો ને ગયો, તે કાંઈ આત્માની ચીજ નથી; વળી
પુણ્યપાપ પણ અનાદિથી કર્યા પણ તે–રૂપ આત્મા થઈ ગયો નથી. જો પુણ્ય વખતે પુણ્યરૂપ જ થઈ
ગયો હોય તો તે પાછું પાપ કયાંથી આવ્યું? અને પાપ વખતે જો પાપરૂપ જ થઈ ગયો હોય તો તે
પાપ પલટીને પાછું કયાંથી આવ્યું? પાપ–પુણ્ય બંનેનો નાશ થવા છતાં આત્મા એવો ને એવો અખંડ
ચૈતન્યમૂર્તિ રહે છે. આવા શુદ્ધ–ચૈતન્યદ્રવ્યનો આશ્રય કરવાથી ચારિત્ર પ્રગટે છે; અને જેટલી
વીતરાગી ચારિત્રદશા પ્રગટી તેમાં દ્રવ્ય અભેદપણું પામે છે. જેટલો અંતરનો આશ્રય કરે તેટલું
ચારિત્ર પ્રગટે, ને જેટલું ચારિત્ર તેટલી દ્રવ્યની શુદ્ધતા પ્રગટે. માટે હે મુમુક્ષુઓ! કાંતો શુદ્ધદ્રવ્યનો
આશ્રય કરીને, અથવા તો વીતરાગી ચારિત્રનો આશ્રય કરીને મોક્ષમાર્ગમાં આરોહણ કરો.
જેમણે પોતાના ચેતન્યતત્ત્વને જાણ્યું છે ને પોતાના જ્ઞાનને ચૈતન્યતત્ત્વની ભાવનામાં લીન
કર્યું છે એવા સંતો–મુનિવરો અંર્તસ્વભાવના સંયમમાં સાવધાન છે, અને તેમનો તે વીતરાગી
સંયમ, દુઃખમય એવા મરણના નાશનું કારણ છે. યાતનાશીલ જે યમ તેનો સંયમ નાશ કરે છે, એટલે
કે મુનિવરોનો સંયમ મરણને મારી નાંખનાર છે, ને જન્મમરણ રહિત એવી સિદ્ધદશાનું કારણ છે.
જેને સંયમ પ્રગટે તેના જન્મમરણનો નાશ થઈ જાય છે. માટે હે જીવ! જો તારે શાંતિ જોઈતી હોય,
જન્મ–મરણની યાતનાથી છૂટવું હોય તો આવી મુનિદશા પ્રગટ કર્યે છૂટકો છે. યતિ–મુનિવરો પોતાના
સંયમમાં યત્નશીલ વર્તતા થકા યાતનામય યમનો નાશ કરે છે. જેઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચૈતન્યના
શરણે વીતરાગી સંયમ પ્રગટ કરે છે તેમને ફરીને બીજી માતાના પેટે અવતાર થતો નથી, તેમને
દુઃખમય મરણનો નાશ થઈને મુક્તિ થઈ જાય છે. માટે–
હે જીવો!
જો મરણથી બચવું હોય...ને આત્માની શાંતિ જોઈતી હોય તો ચૈતન્યનું શરણ કરો.
(–શ્રી નિયમસાર ગા. ૧૦૩ના શ્લોકો ઉપરના પ્રવચનમાંથી. વીર સં. ૨૪૭૮, માગસર વદ ૭.)