Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 23

background image
: ૨૨૦ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
સમ્યક્ત્વાદિ ગુણો હોવા જોઈએ. ગુરુ પાસે ગુણ હોય તો શિષ્ય ગ્રહણ કરે ને? માટે ગુરુ પણ સમ્યગ્દર્શન વગેરે
ગુણો સહિત જ્ઞાની જ હોવા જોઈએ, અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિ કુગુરુ પાસે તો સમ્યગ્દર્શનાદિ કોઈ પણ ગુણ હોય નહિ
એટલે તેની પાસેથી ગુણનું ગ્રહણ ક્યાંથી થાય? અજ્ઞાની પાસેથી પણ કંઈક ગુણગ્રહણ કરવાનું જે માને છે તેણે
ખરેખર ગુણને ઓળખ્યા નથી અને આત્માના ગુણગ્રાહીસ્વરૂપને પણ ઓળખ્યું નથી; એવા જીવને ગુણગ્રાહીનય
હોતો નથી. જેણે સમ્યગ્દર્શનાદિ કાંઈક ગુણોનું ગ્રહણ કર્યું હોય તે નિમિત્તમાં આરોપ કરીને એમ કહી શકે કે
‘અહો! મારા ગુરુ પાસેથી મેં ગુણનું ગ્રહણ કર્યું, મારા ગુરુએ મને સમ્યગ્દર્શન આપ્યું’ –અને તેને ગુણગ્રાહીનય
હોય. પણ જેણે હજી સાચા ગુરુને જ જાણ્યા નથી, ગુણનું ગ્રહણ કર્યું નથી, તેને તો ‘ગુરુએ ગુણ આપ્યા’ એમ
કહેવાનું ઉપચારથી પણ નથી એટલે તેને ગુણગ્રાહીનય હોતો નથી.
જુઓ, અહીં એમ પણ કહ્યું છે કે શ્રીગુરુ જે કાંઈ સમજાવે તે બધું સમજીને ગ્રહણ કરવાની આત્માની
તાકાત છે. ‘ઘણી સૂક્ષ્મ વાત હોય તે આત્મા ગ્રહણ ન કરી શકે’ –એમ નથી કહ્યું. એટલે ગમે તેવી સૂક્ષ્મ વાત
હોય તે સમજવાની આત્માની તાકાત છે, –સમ્યગ્દર્શનથી માંડીને ઠેઠ કેવળજ્ઞાન સુધીના ગુણને ગ્રહણ કરી શકે
એવો આત્માનો ધર્મ છે.
વળી, આત્મા ‘ગુણગ્રાહી’ છે એટલે ગુણને ગ્રહણ કરવાનો તેનો સ્વભાવ છે, પણ દોષને કે પરને ગ્રહણ
કરે એવો આત્માનો સ્વભાવ નથી. દોષને કે નિમિત્તને જાણે છે ખરો પણ તેને ગ્રહણ કરતો નથી, સમ્યગ્દર્શનાદિ
ગુણને જ ગ્રહણ કરે છે. હવે તે ગુણોનું ગ્રહણ તો સ્વભાવના આશ્રયે જ થાય છે, તેથી આ ગુણીનયમાં પણ
શુદ્ધચૈતન્યસ્વભાવના આશ્રયનો જ અભિપ્રાય છે.
નિમિત્ત તરીકે ગુરુ પાસેથી ગુણનું ગ્રહણ કરે છે, –તેમાં પણ એ વાત આવી કે ગુરુ જેવું સમજાવે છે તેવું
જ પોતે સમજી જાય છે, જ્ઞાની ગુરુના અભિપ્રાયથી જરાય વિપરીત ગ્રહણ કરતો નથી. ગુરુ કહે કાંઈક અને
શિષ્ય ગ્રહણ કરે બીજું–એમ નથી, પણ જેવું ગુરુ કહે તેવું જ શિષ્ય ગ્રહણ કરે–એવો તેનો ગુણગ્રાહી ધર્મ છે.
શ્રીગુરુ આત્માના શુદ્ધસ્વભાવ ઉપર જોર દેવા માંગે છે ને શિષ્ય પણ એવું જ સમજીને ગુણગ્રહણ કરે છે. શ્રીગુરુ
કહે છે કે હે જીવ! તેં તારી ભૂલથી અનંત ભવો કર્યા છે છતાં એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લેવાની તારા
આત્માની તાકાત છે, –આવા તારા સ્વભાવનો તું વિશ્વાસ કર તો તેમાં તારું ભવભ્રમણ મટે. ગુરુની આવી
શિક્ષા ઝીલીને તે પ્રમાણે કરવાની શિષ્યની તાકાત છે. જેમ શાહી પડી હોય તેને ચૂસી લેવાનો બ્લોટિંગપેપરનો
સ્વભાવ છે, અથવા કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જેમ તે ઘડો પાણીને ચૂસી લ્યે છે, તેમ શ્રીગુરુ જેવું કહે
છે તેવું ઝીલીને શિષ્ય ચૂસી લ્યે છે ને પોતામાં ગુણ પ્રગટ કરે છે. –આવો ગુણગ્રાહી આત્મા છે.
પોતાના ગુણમાં જે નિમિત્ત હોય તે ગુરુનું જ્ઞાન કરે, ત્યાં એમ પણ કહેવાય કે આ ગુરુએ મને
ચૈતન્યવિદ્યા આપી. ગુરુએ વિદ્યા શીખવી, પણ તે ગ્રહણ કરી કોણે? ગુરુએ જે શીખવ્યું તે ગ્રહણ કરવાનો
સ્વભાવ તો આત્માનો છે, કાંઈ ગુરુ પરાણે ગ્રહણ કરાવી દેતા નથી. ગુણને ગ્રહણ કરે એવો ગુણગ્રાહીધર્મ
આત્માનો પોતાનો છે. આ રીતે ગુણીનયનું વજન પર નિમિત્ત ઉપર નથી, –જેવું નિમિત્ત હોય તેવું જ્ઞાન થાય
એમ નથી, પણ ગુણગ્રાહીધર્મનું ધારક અંતરમાં શુદ્ધ સ્વાધીન ચૈતન્યદ્રવ્ય છે તેને દેખવું તે આ ગુણનયનું
તાત્પર્ય છે.
નય છે તે ધર્મને જુએ છે; ધર્મ એકલો રહેતો નથી પણ અનંત ધર્મના પિંડ એવા ધર્મીના આધારે ધર્મ
રહે છે, એટલે ધર્મીની (ચૈતન્યદ્રવ્યની) દ્રષ્ટિ રાખીને તેના એકેક ધર્મને જાણે છે તે જ સાચો નય છે. ગુણીનયથી
એમ કહેવાય કે આત્મા ગુરુ પાસેથી ગુણનું ગ્રહણ કરે એવો ગુણગ્રાહી છે. પરંતુ ત્યાં ધર્મી જાણે છે કે આવો
ગુણગ્રાહીધર્મ પણ મારા આત્મદ્રવ્યનો છે, મારો ધર્મ કાંઈ ગુરુના આધારે નથી; તેથી મારે મારા આત્મા સામે જ
જોવાનું છે. આ પ્રમાણે ધર્મી જીવ નયના બધાં પડખાંને સ્વ તરફ વાળીને અંતરમાં પોતાના આત્માને
શુદ્ધચૈતન્યસ્વરૂપે દેખે છે. શુદ્ધચૈતન્યમાત્ર આત્મા ઉપર દ્રષ્ટિ કરે તેને જ આ નયોનું જ્ઞાન સાચું થાય છે.
જેમ ઉષ્ણતા અગ્નિને બતાવે છે કેમ કે તે તેનો સ્વભાવ છે; તેમ આ ગુણગ્રાહીધર્મ કઈ વસ્તુને બતાવે છે?