Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 23

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૨૧ :
એ ધર્મ નિમિત્તને નથી બતાવતો કેમકે તે ધર્મ નિમિત્તનો નથી; તે ધર્મ તો ધર્મી એવા આત્મદ્રવ્યને જ બતાવે છે
કે ‘આ ધર્મ આ આત્માનો છે’ . આ રીતે નયનું ધ્યેય પણ શુદ્ધઆત્માને જ લક્ષમાં લેવાનું છે; આ એકેય નયમાં
પરાશ્રય કરાવવાનું ધ્યેય નથી.
આત્મા ગુણગ્રાહી છે–એમ કહ્યું તેનો અર્થ એવો નથી કે જ્યાં–ત્યાં પરમાંથી ગુણગ્રહણ કરવા. પરમાં
આત્માનો કોઈ ગુણ છે જ નહિ. પરમાંથી મારા ગુણ આવશે–એમ માનીને પર સામે જ જોયા કરે તો તેને કદી
સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટે નહિ. વળી કેટલાક લોકો એમ કહે છે કે ‘સામો જીવ ભલે મિથ્યાદ્રષ્ટિ કે ગમે તેવો
હોય, પણ આપણે કોઈને ખોટા ન કહેવા, આપણે તો બધામાંથી ગુણ ગ્રહણ કરવા.’ –તો આનું નામ કાંઈ
ગુણગ્રાહીપણું નથી, એ તો ચોકખો વિનયમિથ્યાદ્રષ્ટિ છે, સાચા ખોટાનો પણ તેને વિવેક નથી. શ્રીગુરુએ જે રીતે
કહ્યું તે રીતે સમજીને પોતાના સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરવા તેનું નામ ગુણગ્રાહીપણું છે.
‘હે પ્રભો! અમે કાંઈ જાણતા ન હતા, અમે બાળક હતા, આપે સૂક્ષ્મ ચૈતન્યતત્ત્વની કેળવણી આપી–
આપીને અમારો ઉદ્ધાર કર્યો, આપે જ અમને આત્મવિદ્યા શીખવી’ –આમ ગુણીનયથી શિષ્ય કહે છે, પણ તે
ગુણને ગ્રહણ કરવાનો સ્વભાવ તો મારો છે–એમ જો સ્વાશ્રયની દ્રષ્ટિ રાખીને કહે તો તેને ગુણીનય સાચો છે.
અહીં તો ચારે પડખાથી સ્વાશ્રયનું જ પોષણ છે. અહો! યથાર્થદ્રષ્ટિ રાખીને કોઈપણ પડખેથી જુઓ તો
આત્મામાં કેવળજ્ઞાનનો કંદ ઊભો થાય છે. આત્માને જોનારું જે શ્રુતજ્ઞાન છે તે અનંતનયોવાળું છે, તેમાંથી
કોઈપણ નય વડે આત્માને જુઓ તો આત્મા અનંતગુણનો પિંડ શુદ્ધચૈતન્યમૂર્તિ જ દેખાય છે.
વિનયી શિષ્ય ગુણીનયથી એમ કહે છે કે હે પ્રભો! અમે ક્યાં ઊભા હતા ને હળવે હળવે ઉપાડીને આપે
અમને ઠેઠ ક્યાં લાવી દીધા? અમારું આખું ચક્ર ફેરવી નાંખ્યું? આપ ન મલ્યા હોત તો અમે ધર્મ કેમ પામત?
દર્શનસારમાં દેવસેનાચાર્યે પણ કહ્યું છે કે “શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે
અર્થાત્ શ્રી કુંદકુંદાચાર્યદેવે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?” આવા ગુણીનય
વખતે ધર્મીને અંતરમાં ભાન છે કે ગુણોનું ગ્રહણ કરે એવો ધર્મ તો મારો પોતાનો છે. ધર્મને જોનાર નય તે
વર્તમાન જ્ઞાન છે, વર્તમાન દ્વારા ત્રિકાળીસ્વભાવને જોવો, ધર્મ દ્વારા ધર્મીને લક્ષમાં લેવો, તે નયનું ફળ છે. મૂળ
ધ્યેય તો અખંડાનંદ ધુ્રવ ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્મા છે, તેના જ અવલંબને સમ્યગ્દર્શન છે, તેના જ અવલંબને
સમ્યગ્જ્ઞાન છે, તેના જ અવલંબને સમ્યક્ચારિત્ર છે, તેના જ અવલંબને પૂર્ણ વીતરાગતા ને કેવળજ્ઞાન છે. ગમે
તે નયથી ગમે તે ધર્મનું વર્ણન હોય, પણ આ મૂળ ધ્યેયને લક્ષમાં રાખીને જ બધી વાત છે.
ગુણીનયથી એમ કહ્યું કે ગુરુ પાસેથી ગુણને ગ્રહણ કરે એવો ગુણગ્રાહી–ધર્મ છે, –પણ તે ધર્મ કોનો?
ગુરુનો કે આ આત્માનો? તે ધર્મ આ આત્માનો જ છે, એટલે તેમાં પણ આત્મા સાથે જ જોવાનું આવ્યું. કથન
ભલે નિમિત્તથી હોય, પણ દ્રષ્ટિમાં તો શુદ્ધચૈતન્યદ્રવ્યનો જ આશ્રય ધર્મીને હોય છે. ગુણીનયના દ્રષ્ટાંતમાં શિક્ષક
વડે કુમારને કેળવણી આપવાનું કહ્યું, પણ તે કેળવણી લેનાર તો કુમાર છે ને? કુમારમાં તે ગ્રહણ કરવાની
તાકાત છે; તેમ સિદ્ધાંતમાં પણ સમજવું કે–ગુરુ શિખવે છે ને શિષ્ય તે પ્રમાણે ગુણનું ગ્રહણ કરે છે, ત્યાં ગુણનું
ગ્રહણ કરવાનો ધર્મ શિષ્યનો છે. શિષ્ય જ પોતાની તાકાતથી ગુરુનો ઉપદેશ ઝીલીને ગુણનું ગ્રહણ કરે છે. કોઈ
પણ નયથી આત્માના ધર્મને જુએ તો ત્યાં એક ધર્મને જુદો પાડીને જોવાનું ધ્યેય નથી પણ શુદ્ધચૈતન્યસ્વરૂપ
નિજ આત્મા દેખાય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની જેવી કેળવણી શ્રીગુરુ આપે તેવું શીખીને ગ્રહણ કરે એવો આત્માનો એક
ધર્મ છે; તે ધર્મ જોનારને પણ ધર્મી એવા આત્મદ્રવ્યની સન્મુખ જોવાનું રહે છે. નિમિત્તનું ભેદ જ્ઞાન કરાવ્યું છે
પણ તે ધર્મ તો આત્માનો પોતાનો જ છે.
વિકલ્પ વખતે ગુણીનયથી શિષ્ય એમ કહે છે કે આ ગુરુ પાસેથી ગુણગ્રહણ કર્યા. હવે આવા વિકલ્પ
વખતે પણ તે વિકલ્પને કે નિમિત્તને ગ્રહણ કરતો નથી, પણ તે વખતેય વિકલ્પ અને નિમિત્ત બંનેના સાક્ષીપણે
રહેવાનો ધર્મ જીવમાં છે, તેનું વર્ણન હવે ‘અગુણીનય’ થી કહે છે.
–૩૬મા ગુણીનયથી આત્માનું વર્ણન અહીં પૂરું થયું.