Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 23

background image
: ૨૨૪ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
બીજી અવસ્થાપણે બદલી જાય છે. સિદ્ધના આત્માને પણ આનંદનો અનુભવ સમયે સમયે બદલ્યા કરે છે;
આનંદ ભલે એવો ને એવો જ રહે છે, પણ પહેલાં સમયનો જે આનંદ હતો તે જ બીજા સમયે નથી રહેતો, બીજા
સમયે આનંદની નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે, ને પહેલી અવસ્થાનો વ્યય થાય છે, તથા આનંદ ગુણની તો
સળંગપણે ધુ્રવતા રહે છે. આ રીતે પર્યાય ઉત્પાદવ્યયથી ક્રમવર્તી છે, ને ગુણો ધુ્રવપણે અક્રમવર્તી છે. આવો
વસ્તુનો સ્વભાવ છે.
उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ એવું સૂત્રનું વચન છે, એટલે કે દરેક વસ્તુ ઉત્પાદ–વ્યય–ધુ્રવતા સહિત છે.
દરેક સમયે નવી પર્યાયની ઉત્પત્તિ, જુની પર્યાયનો નાશ, અને દ્રવ્ય–ગુણનું ટકવાપણું બધી વસ્તુઓમાં હોય છે.
તેમાં ઉત્પાદ–વ્યયરૂપ પર્યાયો ક્રમવર્તી છે, એક સાથે બધી પર્યાયો નથી વર્તતી, પણ એક પછી એક વર્તે છે; ને
ધુ્રવરૂપ ગુણો અક્રમવર્તી છે, બધા ગુણો ત્રણે કાળ એક સાથે જ વર્તે છે.
જુઓ, આ વસ્તુસ્વરૂપ! પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવ પોતાથી જ છે. આત્મા પોતે પોતાના સ્વભાવથી જ
એક અવસ્થા બદલીને બીજી અવસ્થારૂપે થાય છે. આ વાત સમજે તો, મારી અવસ્થા બીજો કોઈ પલટાવી દેશે–
એવી પરાશ્રયબુદ્ધિ છૂટી જાય, ને પોતામાં ધુ્રવસ્વભાવ તરફ વલણ થઈ જાય; ધુ્રવ સાથે પર્યાયની એકતા થતાં
નિર્મળ પર્યાયરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે.
જે સમયે અપૂર્વ સિદ્ધદશાનો ઉત્પાદ, તે જ સમયે સંસારદશાનો વ્યય, ને આત્મદ્રવ્યની ધુ્રવતા; જે સમયે
સમ્યગ્દર્શનનો ઉત્પાદ, તે જ સમયે મિથ્યાત્વદશાનો વ્યય, ને શ્રદ્ધાગુણની ધુ્રવતા; આમ એક જ સમયમાં ઉત્પાદ–
વ્યય–ધુ્રવપણું છે. આવું ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું વસ્તુમાં ત્રિકાળ છે, પણ જ્યારે તેનું ભાન કરીને સ્વાશ્રયે પરિણમે
ત્યારે નિર્મળતાનો ઉત્પાદ ને મલિનતાનો વ્યય થાય છે.
આત્માના ઉત્પાદ–વ્યય–પોતાથી જ છે, માટે વિકાર પણ પોતાથી જ થાય છે;–એ તો ખરું. પણ પોતાની
પર્યાયમાં જેણે એકલા વિકારની જ ઉત્પત્તિ ભાસે છે તેણે આત્માના સ્વભાવને ખરેખર જાણ્યો જ નથી. ‘મારા
ઉત્પાદ–વ્યય–ધુ્રવ મારાથી જ છે’ એમ જેણે નક્કી કર્યું–તેણે કોની સામે જોઈને તે નક્કી કર્યું? મારા સ્વભાવથી જ
મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે–એમ નક્કી કરનારની દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ ઉપર આવી, એટલે એકલા વિકારની
ઉત્પત્તિ તેને રહે જ નહિ, તેને તો સ્વભાવદ્રષ્ટિમાં નિર્મળ પર્યાય પ્રગટીને સાધકદશા શરૂ થઈ જાય. જેને આવી
સાધકદશા થાય તેને જ પર્યાયના વિકારનું યથાર્થ જ્ઞાન થાય. આ મૂળભૂત ન્યાય છે.
પોતાના કારણે ક્રમબદ્ધ ‘વિકાર’ થાય છે–એમ એકલા વિકાર ઉપર દ્રષ્ટિવાળાને ખરેખર ક્રમબદ્ધપર્યાયની
કે ઉત્પાદ–વ્યય–ધુ્રવત્ત્વશક્તિની પ્રતીત નથી; કેમકે જો શક્તિની પ્રતીત થાય તો શક્તિવાનના અવલંબને નિર્મળ
પરિણમન શરૂ થયા વિના રહે નહિ. ત્રિકાળી ગુણી સાથે અભેદ થઈને પર્યાયનું પરિણમન થાય તે ધર્મ છે.
‘સર્વજ્ઞ ભગવાને ક્રમબદ્ધપર્યાયમાં જોયું છે માટે મારામાં મિથ્યાત્વાદિ વિકાર થાય છે’ –એમ એકલા
વિકારના ક્રમને જ દેખનારની દ્રષ્ટિ ઘણી ઊંધી છે. આચાર્યદેવ કહે છે કે અરે મૂઢ! તું સર્વજ્ઞનું નામ ન લે, તેં
સર્વજ્ઞદેવને માન્યા જ નથી. તું સર્વજ્ઞને નથી દેખતો પણ એકલા વિકારને જ દેખે છે, ક્રમબદ્ધપર્યાયની પણ તને
ખબર નથી. સર્વજ્ઞદેવને પ્રતીતમાં લ્યે તેને તો પોતામાં સાધકદશાનો ક્રમ શરૂ થઈ જાય, એકલો વિકારનો ક્રમ
તેને રહે જ નહિ. જેને સ્વભાવના આશ્રયે અમુક નિર્મળ પરિણમન થયું છે ને બાકી અલ્પ વિકાર રહ્યો છે–એવા
સાધક જીવની આ વાત છે. તેને જ પોતાના ક્રમ–અક્રમસ્વભાવની (–ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ સ્વભાવની) તેમ જ
સર્વજ્ઞદેવની ખરી પ્રતીત થઈ છે. એકલા વિકારના વેગે તણાતો આત્મા સ્વભાવશક્તિની પ્રતીત ક્યાંથી કરે?
વિકારના પ્રવાહમાં તણાઈ રહ્યો છે તે જીવ કોના આધારે સ્વભાવની પ્રતીત કરશે? ને કોના આધારે સર્વજ્ઞને
માનશે? સ્વભાવ તરફ વળેલો જીવ વિકારને પણ જેમ છે તેમ જાણશે, ને તે જ સર્વજ્ઞતાને યથાર્થપણે માનશે.
(૧) જે પ્રમાણે કર્મનો ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય એમ માનનારની માન્યતા ઘણી ઊંધી છે.
(૨) બીજા કોઈ એમ કહે કે સર્વજ્ઞભગવાને આપણી પર્યાયમાં વિકાર થવાનું જ જોયું છે માટે વિકાર
થાય છે, –તો તેની દ્રષ્ટિ પણ ઊંધી છે.