Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 23

background image
વૈરાગ્ય – સમાચાર
* પૂ. શાંતાબેનના માતુશ્રી દીવાળીબા જેઠ સુદ ૧૪ના રોજ મુંબઈ મુકામે ૬૪ વર્ષની વયે
સ્વર્ગવાસ પામ્યા. આ સંબંધી આવેલી સમાચારપત્રિકામાં જણાવે છે કે: દેહ છૂટવા જેવી ગંભીર
માંદગી આવી છતાં તેમને વ્યગ્રતા જણાતી ન હતી; પરમ પૂજ્ય સદ્ગુરુદેવને અને તેઓશ્રીના
પવિત્રબોધને વારંવાર યાદ કરતાં તેમને પ્રસન્નતા થતી; છેલ્લે “અપૂર્વ અવસર...” સંભળાવેલ,
અને પૂજ્ય ગુરુદેવનો ફોટો બતાવતાં પ્રસન્નતાથી... ધ્રૂજતા હાથે વંદન કરીને પ્રમોદ બતાવ્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અવારનવાર સોનગઢ આવીને રહેતા, સોનગઢનું ધાર્મિક વાતાવરણ તેમને
બહુ ગમતું. કાને સાંભળવાની તકલીફ હોવા છતાં પૂ. ગુરુદેવના પ્રવચનોમાં તેઓ હોંસથી લાભ
લેતા, અને પૂ. ગુરુદેવની મુદ્રા તેમજ હાથની ચેષ્ટાઓ ઉપરથી પણ વ્યાખ્યાનની કેટલીક વાતો તેઓ
સમજી લેતા. ભક્તિમાં પણ તેમને બહુ પ્રમોદ આવતો. તેઓ ઘણા માયાળુ અને ભદ્રિક હતા. દેહ
છૂટવાના પ્રસંગે પણ તેમને શાંતિ રહી હતી. અહો! અનેક જીવોના જીવન–આધાર પરમ પૂજ્ય
ગુરુદેવશ્રીએ ભવ્ય જીવોને જન્મમરણથી બચવાનો સંજીવનીમંત્ર આપ્યો છે.... ચૈતન્યમૂર્તિ આત્માનું
દેહથી ભિન્નપણું બતાવીને, આત્માર્થી જીવોની નસેનસમાં આત્માનો અચિંત્ય મહિમા રેડ્યો છે...
જેના બળે મૃત્યુ પ્રસંગે પણ જીવો શાંતિ રાખી શકે છે... એ પૂ. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ‘બા’
ઉપર પૂ. બેનશ્રીને પણ ઘણી કૃપા હતી. પૂ. બેને બાને કહેલ તે મુજબ તેઓ ભુલેશ્વરના જિનમંદિરમાં
જતા અને ત્યાં પ્રભુજીની સન્મુખ એકાગ્રતાથી બેસીને ભગવાન થવાની ભાવના ભાવતા. અહો!
જેમ પારસમણિના સંગે લોઢું પણ સોનું બની જાય છે તેમ ધર્માત્માઓનો સંગ જિજ્ઞાસુ જીવોને
ખરેખર પારસમણિ સમાન છે.
* ઉપરના પ્રસંગથી થોડા દિવસ પહેલાંં–જેઠ સુદ ત્રીજના રોજ–પૂ. શાંતાબેનના બેન
(આફ્રિકાવાળા કાન્તાબેન) ના પુત્રી સૌ. હસુમતીબેન માત્ર વીસ વર્ષની વયે મુંબઈમાં સ્વર્ગવાસ
પામ્યા. નાની વયમાં પણ તત્ત્વ સમજવા માટે તેમને ઘણી ભાવના હતી. દોઢેક વર્ષ પહેલાંં તેઓ
સોનગઢ આવીને રહેલાં, તે વખતે પૂ. ગુરુદેવના અપૂર્વ સત્સમાગમનો જીવનમાં વિશેષ લાભ
લેવાની ભાવના તેમને જાગેલી... પરંતુ ફરીથી સોનગઢ આવવાનું બને તે પહેલાંં તો તેમનો
સ્વર્ગવાસ થઈ ગયો, ને પોતાની અધૂરી ભાવના સાથે લઈને તેઓ ચાલ્યા ગયા.
–જીવનની આવી ક્ષણભંગુરતાના પ્રસંગો દેખીને, બુદ્ધિમાન જીવોએ પ્રમાદ છોડીને સર્વ
પ્રકારના ઉદ્યમથી આત્મહિતનો પ્રયત્ન કરવા જેવું છે. અરે! બાલ–યુવાન કે વૃદ્ધ કોઈપણ અવસ્થાના
નિયમ વિના જેમાં અનિત્યતા લાગુ પડી જાય છે એવો આ ક્ષણભંગુર દેહ જીવને શરણભૂત કેમ
હોય? પૂ. ગુરુદેવે બતાવેલું દેહથી ભિન્ન કેવળ ચૈતન્યસ્વરૂપ–કે જે ‘જ્ઞાનાનંદે... પૂરણ... પાવન’ ...
છે તે જ એક સર્વ પ્રસંગોમાં સર્વે જીવોને શરણભૂત છે.
* શ્રી. જીવણલાલજી મહારાજને શરીરમાં વ્યાદ્યિ થતાં હાલ જીથરીની ઈસ્પિતાલમાં સારવાર
ચાલી રહી છે. વચમાં તેમના વ્યાદ્યિએ ગંભીર સ્વરૂપ પકડ્યું હતું, પણ હાલમાં ધીમે ધીમે સુધારો
થતો જાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ હમેશાં ઈસ્પિતાલે પધારે છે. પૂ. ગુરુદેવ પધારતાં જીવણલાલજી
મહારાજને ઘણો ઉલ્લાસ આવે છે, ને ઈસ્પિતાલનું વાતાવરણ ભૂલાઈ જઈને “જ્ઞાનાનંદે પૂરણ
પાવનો...’ નું ઉલ્લાસભર્યું વાતાવરણ ફેલાઈ જાય છે. પૂ. ગુરુદેવની અપૂર્વવાણી દેહના રોગોનું લક્ષ
ભૂલાવીને આત્માનું લક્ષ કરાવે છે. રોગની ગંભીર પીડા વખતે પણ શ્રી જીવણલાલજી મહારાજે
હિંમતપૂર્વક શાંતિ જાળવી છે તે પૂ. ગુરુદેવે બતાવેલા લક્ષને વારંવાર ઘૂંટ્યું છે, તે પ્રશંસનીય છે.