: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૩ :
આગમપદ્ધતિ અને અધ્યાત્મપદ્ધતિ એ બંનેમાં પરિણામની એટલે કે પર્યાયની વાત છે. તે બંને સંસાર
અવસ્થા વિષે ત્રિકાળવર્તી છે, પણ તેમાં એટલો ફેર છે કે અધ્યાત્મપદ્ધતિરૂપ શુદ્ધચેતનાપરિણતિ તો સંસારમાં
તેમજ મોક્ષમાં પણ અનાદિઅનંત એકરૂપ વર્તે છે; ને આગમપદ્ધતિના પરિણામ સંસારઅવસ્થામાં જ હોય છે તે
એકરૂપ નથી. બધા જીવોને આ બંને પ્રકારના ભાવો સંસારમાં સદાય વર્તે છે.
પ્રશ્ન:– મોક્ષમાર્ગની નિર્મળપર્યાય શેમાં આવી?
ઉત્તર:– અહીં આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવો આત્મદ્રવ્યના ‘જાણવા’ તથા સંસારઅવસ્થામાં તેને
ત્રિકાળવર્તી ‘માનવા’ એમ કહ્યું, તેમાં જાણવા અને માનવારૂપ જે નિર્મળપર્યાય છે તે મોક્ષમાર્ગ છે, ને તેનું ફળ
મોક્ષ છે. અધ્યાત્મપદ્ધતિ અને આગમપદ્ધતિ એ બંનેને જાણતાં, જીવના શુદ્ધસ્વભાવરૂપભાવ અને ક્ષણિક
વિભાવરૂપ ભાવ એ બંનેનું ભેદજ્ઞાન થઈને મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે; આ મોક્ષમાર્ગની પર્યાય તો નવી અપૂર્વ
પ્રગટે છે; ને આગમપદ્ધતિ તથા અધ્યાત્મપદ્ધતિ તો જ્ઞાની કે અજ્ઞાની બધા જીવોને અનાદિથી સંસારમાં વર્તે જ છે.
આ વસ્તુ તદ્ન અંતરના વિષયની છે. આ વસ્તુ સમજાશે તો અમુકને.... પણ બધાએ ધ્યાન રાખીને
સાંભળવું. આ વાત કાને પડવી પણ બહુ મોંઘી છે, તો સમજે તેની તો શું વાત!
અનાદિ સંસારથી બધા જીવોને આગમ તેમજ અધ્યાત્મરૂપ ભાવ વર્તી રહ્યા છે. તેમાં–
આગમરૂપ કર્મપદ્ધતિ છે, અને અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે.
(૧) જડ કર્મ અને તે કર્મ તરફનો વિકારીભાવ એ બંનેની પરંપરા અનાદિથી ચાલી આવે છે તે બંને
કર્મપદ્ધતિમાં જાય છે, તે આગમરૂપ છે.
(૨) અને તેની સાથે જ શુદ્ધચેતનાપરિણામની પરંપરા પણ અનાદિથી ચાલી જ આવે છે, તે
શુદ્ધચેતનાપદ્ધતિ છે, તે અધ્યાત્મરૂપ છે.
હવે આ કર્મપદ્ધતિ તથા તથા શુદ્ધચેતનાપદ્ધતિ એ બંનેનું વિવેચન કરે છે. તેમાં પ્રથમ કર્મપદ્ધતિનું
વિવેચન–
(૧) “કર્મપદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. તેમાં દ્રવ્યરૂપ તો પુદ્ગલના પરિણામ છે, ને
ભાવરૂપ પુદ્ગલાકાર આત્માની અશુદ્ધપરિણતિરૂપ પરિણામ છે. તે બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યાં.”
પુદ્ગલમાં અનાદિપ્રવાહથી કર્મરૂપ અવસ્થા ચાલી આવે છે તે દ્રવ્યરૂપ કર્મપદ્ધતિ છે. તેમજ જીવમાં પણ
મૂળસ્વભાવમાં અશુદ્ધતા ન હોવા છતાં, પર્યાયમાં અનાદિથી અશુદ્ધતાની પરંપરા ચાલી આવે છે તે ભાવરૂપ કર્મપદ્ધતિ
છે. જીવની અશુદ્ધ પરિણતિ પુદ્ગલકર્મના આશ્રયે થાય છે તેથી તે અશુદ્ધતાને ‘પુદ્ગલાકાર’ કહી છે. પુદ્ગલમાં આઠ
કર્મરૂપ અવસ્થા તે દ્રવ્ય કર્મપદ્ધતિ છે ને તેના નિમિત્તે થતી જીવની અશુદ્ધપરિણતિ તે ભાવરૂપ કર્મપદ્ધતિ છે. અહીં એ
વાત ધ્યાનમાં રાખજો કે જેમ આ કર્મપદ્ધતિ તે પરિણામરૂપ છે, તેમ શુદ્ધચેતનાપદ્ધતિ પણ પરિણામરૂપ લેશે.
પ્રશ્ન:– ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં વિકાર ન હોવા છતાં પર્યાયમાં કેમ વિકાર થાય છે? શું દ્રવ્યગુણમાંથી તે
વિકાર આવ્યો?
ઉત્તર:– ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં વિકાર ન હોવા છતાં પર્યાયમાં વિકાર થાય છે, ત્યાં એવો જ કર્મપદ્ધતિનો
સ્વભાવ છે, એટલે કે તે તે પર્યાયનો જ એવો અહેતુક સ્વભાવ છે. તે વિકાર દ્રવ્ય–ગુણમાંથી પણ નથી આવ્યો,
તેમ બીજા દ્રવ્યમાંથી પણ નથી આવ્યો, પણ તે પર્યાય જ તેવા વિકારીભાવરૂપે થઈ છે–એવો જ તે પર્યાયનો
સ્વભાવ છે. જુઓ, પુદ્ગલ પરમાણુઓમાં પણ એવો કોઈ ત્રિકાળીગુણ નથી કે કર્મરૂપે પરિણમે, છતાં તેઓ
કર્મઅવસ્થા થાય છે, તે ક્યાંથી આવી? કે એવી જ તે પર્યાયની પદ્ધતિ છે. એ જ રીતે જીવમાં પણ એવી કોઈ
ત્રિકાળી શક્તિ નથી કે વિકારને ઉપજાવે, છતાં તેની અવસ્થામાં વિકાર થાય છે, તે ક્યાંથી આવ્યો? કે એવી જ
તે પર્યાયની પદ્ધતિ છે, એવો જ તે પર્યાયનો અહેતુકસ્વભાવ છે.
‘ચિદ્દવિલાસ’ માં પણ આ બાબત કહ્યું છે કે જેમ પુદ્ગલ વસ્તુ વિષે સ્કંધ–કર્મ–વિકાર થાય એવો કોઈ ગુણ
તો નથી પરંતુ તે પુદ્ગલવસ્તુના પરિણામ તે સ્કંધવિકારભાવરૂપ સ્વાંગ ધરીને પરિણમે છે, બીજા કોઈ દ્રવ્યના