: આસો: ૨૪૮૧ : ૩૦૩ :
તેમ જ તેનો તદ્ન નાશ પણ થઈ જતો નથી; પોતે સ્વયંસિદ્ધ સત્ છે, કોઈ તેનો કર્તા કે હર્તા નથી. હવે,
સ્વયંસિદ્ધ પદાર્થ કાયમ રહીને તેમાં ક્ષણે ક્ષણે નવી હાલત થયા કરે છે,–દરેક પદાર્થ પોતાના સ્વભાવથી જ નવી
નવી હાલતરૂપે થયા કરે છે. તેમાં બીજો પદાર્થ કાંઈ કરી દ્યે–એમ બનતું નથી.
જુઓ, આ પદાર્થવિજ્ઞાન. પદાર્થોનો જેવો સ્વયંસિદ્ધ સ્વભાવ છે તેવો જ્ઞાનથી જાણવો તે જ ખરું
પદાર્થવિજ્ઞાન છે. પદાર્થના સ્વભાવની જેને ખબર ન હોય તેને પદાર્થ વિજ્ઞાન કહેવાય નહીં.
પદાર્થનો કેવો સ્વભાવ છે–તે અહીં બતાવે છે. જગતના બધા પદાર્થોની આ વાત છે. પદાર્થ પોતે કાયમ
પોતાપણે ટકીને ક્ષણે ક્ષણે નવી નવી પર્યાયપણે પ્રણમ્યા કરે છે. ક્ષણે ક્ષણે અવસ્થા પલટવા છતાં પોતાના મૂળ
સ્વભાવપણે પદાર્થ કાયમ ટકી રહે છે, મૂળસ્વભાવ કદી નાશ થઈ જતો નથી.–આમ જાણે તો, પરમાં હું કાંઈ કરું કે
પરથી મારામાં કાંઈ થાય–એવી મિથ્યાબુદ્ધિ છૂટી જાય. મારા દ્રવ્ય–ગુણ–પર્યાય મારામાં, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાય
પરમાં,–એમ ભેદજ્ઞાન કરીને પોતે પોતાના સ્વભાવસન્મુખ પરિણમતાં શાંતિ ને આનંદનો અનુભવ થાય છે.
પરથી તો મારા દ્રવ્ય–ગુણ–પર્યાય નહિ, એમ નિર્ણય કર્યો એટલે પરના આશ્રયથી તો બુદ્ધિ ન રહી; અને
હવે પોતામાં પણ એક ક્ષણિક રાગ કે ક્ષણિક જ્ઞાનપર્યાયના અંશ જેટલો જ આખો આત્મા નથી,–પણ પર્યાય
પલટવા છતાં સળંગપણે (અન્વયપણે) આખું દ્રવ્ય વર્તે છે–એમ નક્કી કર્યું ત્યાં એકલી અંશબુદ્ધિ ન રહી–
પર્યાયબુદ્ધિ ન રહી, પણ ધુ્રવદ્રવ્યનો આશ્રય કરીને, ધુ્રવ સાથે પર્યાયની અભેદતા થઈ, તે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મ છે. આ સિવાય બહારમાં બીજી કોઈ રીતે ધર્મ કે શાંતિ નથી.
જુઓ ભાઈ, જગતમાં ચેતન પદાર્થો છે, ને જડ–અચેતન પદાર્થો પણ છે, તે બધા સત્ છે. તે સત સદાય
ટકીને ક્ષણે ક્ષણે નવી પર્યાય રૂપે પરિણમે છે, એટલે કે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ છે. પલટવાં છતાં કોઈ પદાર્થ
પોતાના મૂળસ્વભાવને છોડતા નથી.
ચેતનદ્રવ્ય પલટીને કદી જડરૂપે થઈ જતું નથી;
જડદ્રવ્ય પલટીને કદી ચેતનરૂપે થઈ જતું નથી.
ચેતન સદા ચેતનરૂપે બદલે છે;
જડ સદા જડરૂપે બદલે છે.
વળી કોઈપણ પદાર્થ બદલ્યા વિના પણ રહેતો નથી, ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા બદલ્યા જ કરે–આવો જ
વસ્તુનો સ્વભાવ છે.
હવે વસ્તુની અવસ્થા બદલે છે તે પોતાના દ્રવ્યગુણ સાથે સંબંધ રાખીને જ બદલે છે, પણ પરની સાથે
સંબંધ રાખીને પદાર્થની અવસ્થા બદલતી નથી. આવા સ્વતંત્ર સ્વભાવને જાણવો તે વીતરાગી વિજ્ઞાન છે.
પદાર્થની પર્યાયો પોતાના દ્રવ્ય–ગુણ સાથે જ એકતા રાખીને બદલે છે; પણ અજ્ઞાની એમ માને છે કે
નિમિત્તને લીધે પર્યાયો બદલે છે, –એ પરાધીન મિથ્યાદ્રષ્ટિ છે. અહો! મારી પર્યાયનો સંબંધ તો મારા ત્રિકાળી
દ્રવ્ય–ગુણની સાથે છે,–આમ અંતરમાં દ્રવ્ય–ગુણ સાથે પર્યાયની એકતા થતાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન–આનંદની
ઉત્પત્તિ થાય છે.
આત્માની અવસ્થામાં શ્રદ્ધા–જ્ઞાન–આનંદ પ્રગટે તેનો સબંધ પોતાના દ્રવ્ય–ગુણ–સ્વભાવ સાથે છે, પર
સાથે તેનો સબંધ નથી; ત્રિકાળી દ્રવ્ય–ગુણને પામીને પર્યાયો પરિણમે છે, પણ દ્રવ્ય–ગુણને છોડીને પર્યાય
પરિણમતી નથી.
એ જ પ્રમાણે જડ–પુદ્ગલની અવસ્થામાં જે સ્પર્શ–રસ–ગંધ–રૂપ પલટે છે તે અવસ્થા પણ તે જડના
દ્રવ્યગુણ સાથે જ સંબંધ રાખીને પલટે છે, જીવના કારણે નહીં. જે પર્યાયો પલટે છે તે પર્યાયો પોતાના જ દ્રવ્ય–
ગુણ સાથે સંબંધ ધરાવે છે, આમ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ પદાર્થસ્વભાવ છે; આવા પદાર્થ સ્વભાવનો નિર્ણય કરતાં
જીવ પોતે પોતાના દ્રવ્ય–ગુણના આશ્રયે નિર્મળપર્યાયરૂપે પરિણમે છે. આ જ વીતરાગી વિજ્ઞાનનું ફળ છે. પર
સાથેનો સંબંધ તોડાવીને પોતાના દ્રવ્ય–ગુણસ્વભાવસાથે પર્યાયની એકતા કરાવે છે–એવું આ લોકોત્તર
પદાર્થવિજ્ઞાન છે, એનું ફળ આનંદ અને વીતરાગતા છે. સર્વજ્ઞભગવાને કહેલું આવું પદાર્થનું વિજ્ઞાન જીવે પૂર્વે એક
સેકંડ પણ કર્યું નથી; જો પદાર્થના આવા યથાર્થ સ્વભાવને ઓળખે તો વીતરાગતા ને મોક્ષ થયા વિના રહે નહીં.