Atmadharma magazine - Ank 144
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: આસો: ૨૪૮૧ : ૩૦૫ :
તેમનું ક્રમબદ્ધપણું–નિયમિતપણું બતાવે છે. જો પર્યાયોનો ત્રણેકાળનો ક્રમ નિશ્ચિત ન હોય તો
દિવ્યજ્ઞાન તેમને અક્રમે એકસાથે વર્તમાન જાણી ન શકે; એટલે તે જ્ઞાનની દિવ્યતા જ ન રહે! માટે
ત્રણકાળની પર્યાયોનો નિશ્ચિત ક્રમ જે નથી માનતો તે કેવળજ્ઞાનની દિવ્યતાને જાણતો નથી, –
સર્વજ્ઞને જાણતો નથી, આત્માના જ્ઞાનસ્વભાવને જાણતો નથી.
(૧૨) અહીં આચાર્ય ભગવાન જ્ઞાનની દિવ્યતા ઓળખાવે છે. ભાઈ! શુદ્ધોપયોગના ફળમાં
જે કેવળજ્ઞાન ખીલ્યું તેનું એવું દિવ્ય પ્રભુત્વ છે કે વર્તમાન નહિ વર્તતી એવી ભવીષ્યની પર્યાયોને
પણ વર્તમાન પર્યાયની માફક જ સાક્ષાત્ જાણી લ્યે છે, સમસ્ત પર્યાયો સહિત બધાય પદાર્થો તે
જ્ઞાનમાં જ્ઞેયપણે એક સાથે અર્પાઈ જાય–એવું તે ઉત્કૃષ્ટ જ્ઞાનનું પરમ સામર્થ્ય છે.
(૧૩) “અહો! જ્ઞાનનું આવું સામર્થ્ય!!” –એમ જ્ઞાનનો આવો દિવ્ય મહિમા સમજે તેને
લાંબો સંસાર રહે નહિ; જ્ઞાનના મહિમાના બળે અલ્પકાળમાં સર્વજ્ઞ થઈ જાય, ને તેને ભવ રહે નહિ.
(૧૪) “હે ભગવાન! મારો મોક્ષ ક્યારે થશે!!”–એમ સર્વજ્ઞને જેણે જેણે પ્રશ્ન પૂછ્યો તે
બધાય જીવો નિકટ મોક્ષગામી જ હતા. કેમ કે સર્વજ્ઞદેવને પ્રશ્ન પૂછનારાઓના હૃદયમાં સર્વજ્ઞતાનો
મહિમા વર્તતો હતો. અને જેના હૃદયમાં સર્વજ્ઞતાનો મહિમા વર્તતો હોય તેને વિશેષ ભવ હોય જ
નહિ. સર્વજ્ઞતાનો મહિમા કરનાર જીવ જ્ઞાનસ્વભાવનો આદર કરે છે ને રાગાદિનો આદર છોડે છે
એટલે તેને અલ્પકાળમાં મુક્તિ થઈ જાય છે. સર્વજ્ઞભગવાનને પ્રશ્ન પૂછનારો જીવ, અભવ્ય કે
અનંતસંસારી હોય એવો કોઈ દાખલો છે જ નહીં.
(૧૫) જ્ઞાનમાં ભવ નથી, જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તેને ભવની શંકા રહે નહિ. ‘હું જ્ઞાન
છું’ એમ નિર્ણય કરે અને તેને અનંત ભવમાં રખડવાની શંકા રહે–એમ બને જ નહિ.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરનારને અનંત ભવ હોય જ નહિ, પણ અલ્પકાળે મુક્તિ જ હોય. આવા
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો તે મુક્તિનો ઉપાય છે.
(૧૬) જુઓ, આ દિવ્યજ્ઞાનનો મહિમા! જ્ઞાન તે આત્માનો પરમ સ્વભાવ છે; તે જ્ઞાન–
સ્વભાવ ઈન્દ્રિયોથી ને રાગથી પાર છે. આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને, જ્ઞાનપર્યાય જ્યાં
સ્વસન્મુખ વળી ત્યાં રાગથી જુદો પડીને આનંદનો અનુભવ થાય છે; એ રીતે જ્ઞાનસ્વભાવમાં
લીનતા થઈને જ્યાં કેવળજ્ઞાન ખીલ્યું ત્યાં તે જ્ઞાનને કોઈ વિઘ્ન નથી, તે જ્ઞાનનો દિવ્ય મહિમા ખીલી
નીકળ્‌યો છે, તેનું અચિંત્યસામર્થ્ય પ્રગટી ગયું છે.
(૧૭) તે કેવળજ્ઞાનનો મહિમા કરતાં આચાર્યદેવ કહે છે કે અહો! એ દિવ્યજ્ઞાનનો પ્રતાપ
અખંડ છે, તેની અચિંત્ય પ્રભુતાના જોરથી તે એક સાથે સર્વે જ્ઞેયોને પહોંચી વળે છે, જે પર્યાયો હજી
વ્યક્ત નથી થઈ એને પણ તે જ્ઞાન અત્યારે જાણી લ્યે છે. જો ત્રણકાળના સમસ્ત જ્ઞેયોને એક સાથે
ન જાણી લ્યે તો એ જ્ઞાનની દિવ્યતા શી?
(૧૮) ક્ષાયોપશમિકજ્ઞાન તો જ્ઞેયોને ક્રમે ક્રમે જાણતું હતું અને થોડુંક જ જાણતું હતું, ને આ
અતીન્દ્રિય–ક્ષાયિકજ્ઞાન તો એવું દિવ્ય છે કે એકસાથે જ સર્વજ્ઞેયોને જાણી લે છે, તેમ જ તેમાં
ઈન્દ્રિયોનું અવલંબન નથી, વિઘ્ન નથી, પરાધીનતા નથી, જ્ઞેયોને જાણવાની આકુળતા પણ નથી,
પોતાના સ્વાભાવિક પરમ આનંદમાં તે લીન છે.