Atmadharma magazine - Ank 144
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૨૯૪ : : આસો: ૨૪૮ :
બંધની લાયકાત વખતે આત્મા પોતે કર્મના સદ્ભાવને અનુસરે છે, અને પોતાની પર્યાયમાં મોક્ષની લાયકાત
વખતે આત્મા કર્મના અભાવને અનુસરે છે. પણ કર્મમાં એવો ધર્મ નથી કે તે બળજોરીથી આત્માને અનુસરાવે.
જેટલો કર્મનો ઉદય આવે તેટલા પ્રમાણમાં આત્માએ તેને અનુસરવું જ પડે–એમ નથી. કર્મના ઉદયને ન
અનુસરતાં પોતાના સ્વભાવને અનુસરે તો મોક્ષનું સાધન થાય ને મોક્ષદશા પ્રગટે, તે મોક્ષમાં આત્મા કર્મના
અભાવને અનુસરે છે. સ્વભાવને ન અનુસરતાં કર્મને અનુસરે તો બંધન થાય છે, ને કર્મને ન અનુસરતાં
સ્વભાવને અનુસારે અર્થાત્ કર્મના અભાવને અનુસરે–તો મોક્ષ થાય છે. આ રીતે બંધમાં કર્મના સદ્ભાવનું
નિમિત્ત છે ને મોક્ષમાં કર્મના અભાવનું નિમિત્ત છે, એમ જાણવું જોઈએ. બંધ કે મોક્ષની અવસ્થારૂપ પરિણમન
તો આત્મા પોતે એકલો જ કરે છે, માત્ર તેમાં કર્મના સદ્ભાવ કે અભાવરૂપ નિમિત્તની અપેક્ષા આવે છે, તેથી
વ્યવહારનયે આત્મા દ્વૈતને અનુસરનાર છે–એમ કહ્યું છે; પરંતુ કર્મ આત્માને બંધ–મોક્ષ કરાવે છે–એવો, એનો
અર્થ નથી. નિશ્ચયથી તો આત્મા રાગ કરે ને વ્યવહારથી કર્મ રાગ કરાવે–એમ પણ નથી. આત્મા પોતે રાગ કરે
ત્યારે કર્મને અનુસરે છે, સ્વભાવને અનુસરીને રાગ ન થાય; માટે રાગમાં કર્મના નિમિત્તની અપેક્ષા છે તેનું
જ્ઞાન કરવું તે વ્યવહારનય છે, પરંતુ કર્મ રાગ કરાવે છે–એમ માનવું તે તો ભ્રમ છે. પ્રવચનસારની ૧૨૬ મી
ગાથામાં આચાર્યદેવે એ વાત સ્પષ્ટ કરી છે કે અજ્ઞાનદશામાં કે જ્ઞાનદશામાં, સંસારમાં કે મોક્ષમાં, આત્મા પોતે
એકલો જ કર્તા છે.
પ્રશ્ન:– એક જીવને ક્ષાયિક સમ્યકત્વ થયું, રાગ–દ્વેષ આત્માનો સ્વભાવ નથી, આત્મા રાગ–દ્વેષ રહિત
જ્ઞાયક–સ્વભાવ છે–એવું ભાન થયું, છતાં તેને પણ રાગ–દ્વેષ કેમ થાય છે? કર્મ જ તેને રાગ–દ્વેષ કરાવે છે, કેમકે
રાગ–દ્વેષ કરવાની તેની ભાવના તો નથી?
ઉત્તર:– ક્ષાયિક સમ્યકત્વ થયું હોવા છતાં, અને રાગ–દ્વેષ રહિત ચિદાનંદસ્વભાવનું ભાન થયું હોવા છતાં,
તે જીવને જે રાગ–દ્વેષ થાય છે તે કર્મ નથી કરાવતું પરંતુ તે આત્મા પોતે કર્મને અનુસરે છે તેથી રાગ–દ્વેષ થાય
છે; કર્મનો ઉદય તેને પરાણે રાગદ્વેષ કરાવે છે–એમ નથી. રાગ–દ્વેષ કરવાની ધર્મીને ભાવના નથી, ભાવના તો
સ્વભાવને જ અનુસરવાની છે, પરંતુ અસ્થિરતાથી હજી રાગ–દ્વેષ થાય છે તે કર્મને અનુસરીને થાય છે,–એમ તે
જાણે છે, ને સ્વભાવની દ્રષ્ટિના જોરે ક્ષણે ક્ષણે તેને કર્મનું અવલંબન તૂટતું જાય છે ને સ્વભાવનું અવલંબન
વધતું જાય છે, એ રીતે સ્વભાવનું પૂર્ણ અવલંબન થતાં મોક્ષ થશે, ત્યારે આત્મા કર્મના અભાવને અનુસરશે.
આ રીતે વ્યવહારે બંધ તેમ જ મોક્ષમાં આત્મા દ્વૈતને અનુસરે છે.
અહીં આ નયો સાધકના છે; સાધકની વાત છે, એકલા રખડનારની આ વાત નથી. જેની દ્રષ્ટિમાં એકલા
કર્મનું જ અવલંબન છે, સ્વભાવનું અવલંબન જરાપણ નથી તેને તો આ વ્યવહારનય પણ હોતો નથી. જ્ઞાનીને
દ્રષ્ટિમાં તો નિરપેક્ષ જ્ઞાયકસ્વભાવનું અવલંબન વર્તે છે ને હજી સાધક દશામાં કંઈક રાગ–દ્વેષ થાય છે તેટલું
કર્મનું અવલંબન છે. જેટલો રાગ છે તેટલું કર્મનું નિમિત્ત છે એમ તે જાણે છે અને સ્વભાવના અવલંબને કર્મના
નિમિત્તનો અભાવ થતો જાય છે તેને પણ તે જાણે છે. અહીં બંધ અને મોક્ષમાં આત્મા સિવાય બીજાની અપેક્ષા
આવી માટે તેમાં વ્યવહારે દ્વૈત કહ્યું.
સમયસારમાં દ્રષ્ટિપ્રધાન કથનમાં સમકીતિસંતને ચોથા ગુણસ્થાને પણ અબંધ કહ્યો, તેને બંધન થતું જ
નથી–એમ દ્રષ્ટિના જોરે કહ્યું; પરંતુ, ચોથે–પાંચમે–છઠ્ઠે ગુણસ્થાને હજી ચારિત્રની અસ્થિરતાથી જેટલા રાગ–દ્વેષ
થાય છે તેટલું બંધન છે, અને તે બંધનમાં કર્મના નિમિત્તની અપેક્ષા આવે છે, તેને સાધક વ્યવહારનયથી જાણે
છે; અબંધ સ્વભાવની દ્રષ્ટિ રાખીને બંધનને અને તેના નિમિત્તને તે જાણે છે. અબંધસ્વભાવની દ્રષ્ટિ વિના
અજ્ઞાનીને તો બંધનનું જ્ઞાન પણ સાચું થતું નથી.
જેમ એક પરમાણુ ‘બંધાયો કે છૂટો થયો’ એમ લક્ષમાં લેતાં તેમાં બીજા પરમાણુની અપેક્ષા આવે છે, –
‘આની સાથે બંધાયો અથવા તો આનાથી છૂટો થયો’ એમ બીજા પરમાણુની અપેક્ષા આવે છે તેથી તે પરમાણુ
બંધમાં ને મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે; બીજા પરમાણુની અપેક્ષા વગર તેને બંધ–મોક્ષ કહી શકાય નહિ, તેમ
આત્માના બંધ કે મોક્ષને લક્ષમાં લેતાં તેમાં કર્મની અપેક્ષા આવે છે, બંધ અને મોક્ષ તો આત્મા પોતે સ્વતંત્રપણે
કરે છે પણ તેમાં કર્મના સદ્ભાવની કે અભાવની અપેક્ષા આવે છે તેથી વ્યવહારનયે આત્મા બંધ–મોક્ષમાં