Atmadharma magazine - Ank 144
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૨૯૬ : : આસો: ૨૪૮ :
સ્વભાવનું યથાર્થ જ્ઞાન થાય. એકલા પુદ્ગલનું જ સામર્થ્ય છે ને પુદ્ગલ જ જીવની શક્તિને રોકે છે–એમ જે
માને તેની તો દ્રષ્ટિ જ ઊંધી છે, તેણે તો જીવ–પુદ્ગલની ભિન્નતા પણ નથી માની, તો જીવની શક્તિ શું ને
પુદ્ગલની શક્તિ શું તેની તેને ખબર પડે નહિ. પુદ્ગલની શક્તિ પુદ્ગલમાં છે ને જીવનો ધર્મ જીવમાં સ્વતંત્ર છે;
પુદ્ગલને અનુસરવું કે પોતાના ચિદાનંદસ્વભાવને અનુસરવું તેમાં જીવ પોતે સ્વતંત્ર છે. વ્યવહારનયથી જીવના
ધર્મનું વર્ણન હોય કે નિશ્ચયનયથી વર્ણન હોય, તેમાં સર્વત્ર જીવના દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા રાખીને તે
વર્ણન છે એમ સમજવું જોઈએ, અને એમ સમજવું તે જ સર્વજ્ઞભગવાનના અનેકાન્તશાસનનું રહસ્ય છે. જીવ
પોતે કેવળજ્ઞાનરૂપે ન પરિણમતાં અલ્પજ્ઞરૂપે પરિણમે છે ત્યારે તે કેવળજ્ઞાનાવરણીયકર્મને અનુસરે છે. ત્યાં
કેવળજ્ઞાનાવરણીયકર્મે જીવની કેવળજ્ઞાન શક્તિને રોકી એમ કહેવું તે તો ફક્ત નિમિત્તના ઉપચારનું કથન છે.
ભગવાન! ‘કેવળજ્ઞાનાવરણીય કર્મ છે માટે આત્માએ તેને અનુસરવું પડે છે’ એમ ઊંધુંં ન લે, પણ બંધભાવ
વખતે કર્મને અનુસરે એવો તારો પોતાનો ધર્મ છે–એમ આત્મા તરફથી સવળું લે; તો તને આત્માના ધર્મ દ્વારા
આત્મદ્રવ્યની ઓળખાણ થાય અને તારો વ્યવહારનય સાચો થાય.
ત્રિકાળી સ્વભાવને લક્ષમાં લઈને જુઓ તો આત્મા શુદ્ધ એકરૂપ છે, તેની પર્યાય વિકારીભાવમાં અટકે
તે ભાવબંધ છે અને તે ભાવબંધમાં કર્મસંયોગરૂપ નિમિત્ત તે બીજું છે, એ રીતે બંધમાં દ્વૈત છે. તેમ જ
સ્વભાવમાં લીન થઈને મોક્ષપર્યાય પ્રગટ કરે તેમાં પણ કર્મના નાશની અપેક્ષા હોવાથી દ્વૈત છે. આ રીતે પરની
અપેક્ષા સહિત બંધ–મોક્ષ પર્યાયનું કથન કરવું તે વ્યવહારનયનો વિષય છે. વ્યવહારનયથી આત્મા બંધ અને
મોક્ષ બન્નેમાં દ્વૈતની અપેક્ષા રાખનાર છે. અહીં, એકરૂપ આત્મામાં બંધ અને મોક્ષ એવા બે પ્રકાર પડ્યા માટે
વ્યવહાર–એમ નથી, પરંતુ બંધ અને મોક્ષ એ બન્ને પર્યાયમાં પરની અપેક્ષારૂપ દ્વૈત હોવાથી તેને વ્યવહાર કહ્યો
છે. અને કર્મની અપેક્ષા ન લેતાં, આત્મા એકલો જ બંધ–મોક્ષદશારૂપ થાય છે–એમ લક્ષમાં લેવું તેને નિશ્ચય
કહેશે. આ રીતે અહીં બંધ–મોક્ષ પર્યાયનું કથન નિમિત્તની અપેક્ષા સહિત કરવું તે વ્યવહાર છે ને એકલા પોતાથી
બંધ–મોક્ષપર્યાયનું વર્ણન કરવું તે નિશ્ચય છે. જ્યાં જે અપેક્ષાથી નિશ્ચય–વ્યવહાર કહેવામાં આવ્યા હોય ત્યાં તે
પ્રકારથી સમજવું જોઈએ.
પુદ્ગલકર્મ જીવને ભાવબંધ કરાવે છે એમ નથી પરંતુ જીવનો એક એવો ધર્મ છે કે પોતાના ભાવબંધમાં
તે પુદ્ગલકર્મને અનુસરે છે; આત્મા પોતે નિમિત્તને અનુસરે છે, પરંતુ નિમિત્તમાં એવો ધર્મ નથી કે તે આત્માને
પરાણે અનુસરણ કરાવે! આ ધર્મને સમજે તો તેમાં પણ આત્માની સ્વતંત્રતા સમજાય છે. આ ધર્મો કહેવાય છે
તે બધા ધર્મોવાળું તો આત્મદ્રવ્ય છે, માટે અનંત ધર્મસ્વરૂપ આત્મદ્રવ્યના લક્ષપૂર્વક જ્ઞાની પોતાના ધર્મને જાણે
છે. પર્યાયમાં હજી બંધભાવ છે તેટલો આત્મા કર્મને અનુસરે છે, ક્ષણિક પર્યાયમાં તેવો ધર્મ છે; કર્મને
અનુસરવાનો ત્રિકાળી સ્વભાવ નથી પરંતુ કર્મના અભાવને અનુસરવાનો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે.–
આવા સ્વભાવની પ્રતીતિમાં ધર્મીને અવસ્થામાંથી કર્મનું અનુસરણ છૂટતું જાય છે ને કર્મના અભાવનું અનુસરણ
થતું જાય છે. આ રીતે વ્યવહારનયે બંધમાં તેમ જ મોક્ષમાં આત્મા દ્વૈતને અનુસરનાર છે.
પુદ્ગલકર્મમાં કાંઈ એવો ધર્મ નથી કે તે આત્માના બંધ–મોક્ષને કરે; આત્મા પોતે જ પોતાના બંધ–મોક્ષને
કરે છે, ને પોતે દ્વૈતને અનુસરે છે. બંધ અને મોક્ષ તો ક્રમે છે, બંધદશા વખતે મોક્ષદશા ન હોય ને મોક્ષદશા
વખતે બંધદશા ન હોય; પણ તે બંધ અને મોક્ષ બંને દશામાં દ્વૈતને અનુસરવા રૂપ ધર્મ આત્મામાં છે. બંધ વખતે
દ્વૈતને અનુસરવારૂપ જુદો ધર્મ, ને મોક્ષ વખત દ્વૈતને અનુસરવારૂપ જુદો ધર્મ–એમ જુદા જુદા બે ધર્મ નથી
લીધા, પણ દ્વૈતને અનુસરવારૂપ એક ધર્મ છે, તે ધર્મથી આત્મા બંધ વખતે તેમ જ મોક્ષ વખતે દ્વૈતને અનુસરે છે,
એટલે કે તેની બંધ–મોક્ષપર્યાયમાં બીજા નિમિત્તની અપેક્ષા પણ આવે છે.
મોક્ષપર્યાયમાં પણ આત્મા દ્વૈતને અનુસરે છે એમ વ્યવહારે કહ્યું, તેથી કાંઈ તેમાં પરનું અવલંબન નથી.
પોતાની મોક્ષપર્યાયની લાયકાત વખતે આત્મા પોતે કર્મના અભાવને અનુસરે છે, એટલે એક પોતે ને બીજું
કર્મના અભાવરૂપ નિમિત્ત,–એ રીતે આત્મા દ્વૈતને અનુસરે છે.