આત્મધર્મ
તેરમા વર્ષના પ્રારંભે......
* ભગવાનશ્રી સીમંધર–મહાવીર આદિ પંચપરમેષ્ઠી ભગવંતોને, પરમ ઉપકારી ગુરુદેવને તેમ
જ સર્વે આરાધક સંતોને, તથા શ્રી જિનવાણીદેવીને, નુતનવર્ષના મંગલાચરણમાં અતિશય ભક્તિપૂર્વક
અભિવંદના કરીએ છીએ. તેમ જ સર્વે આત્માર્થી–મુમુક્ષુ સાધર્મીજનોને વાત્સલ્યપૂર્વક અભિનંદન કરીએ
છીએ.
* આજે આપણું ‘આત્મધર્મ’ બાર વર્ષ પૂરા કરીને તેરમા વર્ષમાં પ્રવેશ કરે છે. આત્મધર્મ
દ્વારા પણ અનેક ભવ્ય જિજ્ઞાસુ જીવો પૂ. ગુરુદેવની અમૃતરસઝરતી વાણીનું હોંસેહોંસે પાન કરે છે.
આપણું આત્મધર્મ ‘માસીક’ છે, એટલે એ તો સહેજે સમજી શકાય એવું છે કે, પૂ. ગુરુદેવની નિત્ય
વરસતી વાણીમાં જેટલું આવે તે બધુંય તો આત્મધર્મમાં સમાવિષ્ટ ન જ થઈ શકે, એટલે અમુક ખાસ
ખાસ વિષયો ચૂંટીને ‘આત્મધર્મ’ માં અપાય છે. પરંતુ વિશાળ વાંચકવર્ગને લક્ષમાં રાખીને, આત્માર્થી
અને જિજ્ઞાસુ જીવોને જે ખૂબ જ ઉપયોગી હિતકારી હોય એવા જ વિષયો ચૂંટીચૂંટીને આપવામાં આવે
છે. આમ છતાં વાંચકવર્ગને સંપાદન શૈલિમાં કાંઈ નવીન ફેરફાર કરવા જેવી સૂચના કરવી હોય તો
સંપાદક પર મોકલી આપે.
* જિજ્ઞાસુ વાંચકો જાણે જ છે કે આ આત્મધર્મ શુદ્ધ આધ્યાત્મિક જન પત્ર છે....અને તે
જિજ્ઞાસુ પાઠકોને જગતના કિલષ્ટ વાતાવરણથી દૂર લઈ જઈને આત્મિક–શાંતિના માર્ગ તરફ આંગળી
ચીંધે છે. સંસારમાં ચારે તરફ જ્યારે અત્યંત કિલષ્ટ અને હળહળતું વાતાવરણ ઘૂઘવાટ કરી રહ્યું છે
ત્યારે પણ, આત્માને જગતથી જુદો પાડીને આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો અપૂર્વ કલ્યાણકારી રાહ
પરમપૂજ્ય ગુરુદેવ આપણને બતાવી રહ્યા છે–તે આપણું મહાન સૌભાગ્ય છે. હે સાધર્મી બંધુઓ! પૂજ્ય
ગુરુદેવે બતાવેલા આ પાવન પંથને ઓળખો અને સંસારના હળહળતા વાતાવરણથી છૂટીને આત્મિક
શાંતિ પ્રાપ્ત કરવા માટે તે પંથને અનુસરો.
–સંચાલકો.
ॐ