Atmadharma magazine - Ank 145
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
શ્રી પ્રવચનસાર ગા. ૧૦૭ ઉપર પૂ. ગુરુદેવના
પ્રવચનમાંથી આનંદસ્વભાવની અદ્ભુત વાત!
(વીર સં. ૨૪૮૧ અધિક ભાદરવા વદ બીજ)
આત્માના દ્રવ્ય–ગુણમાં ત્રિકાળ આનંદ ભર્યો છે; પણ તેનું વેદન તો પર્યાયમાં થાય છે;
પર્યાયમાં જેને આનંદનું વેદન નથી તેને દ્રવ્ય–ગુણના આનંદની પણ ખબર નથી–પ્રતીત નથી.
પર્યાયમાં વ્યક્ત આનંદના વેદનપૂર્વક જ દ્રવ્ય–ગુણમાં રહેલા આનંદસ્વભાવની પ્રતીત થાય છે.
હવે પર્યાયમાં આનંદનું વેદન કયારે થાય? જેમાં આનંદસ્વભાવ ભર્યો છે તેની સન્મુખ વળીને એકાગ્રતા કરે
તો આનંદનું વેદન થાય.
પર્યાય પોતાના આનંદસ્વભાવ તરફ ન વળતાં પર તરફ વળે છે–પરમાં આનંદ માને છે તેથી તેનો
આનંદગુણ પર્યાયમાં યથાર્થપણે નથી વ્યાપતો, પણ વિપરીતપણે વ્યાપે છે, તે દુઃખ છે.
દ્રવ્ય–ગુણમાં આનંદસ્વભાવ ભર્યો છે તે વ્યક્ત થઇને પર્યાયમાં કયારે વ્યાપે?
–કે આનંદસ્વભાવી દ્રવ્ય–ગુણ સાથે પર્યાયની એકતા થાય ત્યારે તે આનંદગુણનું પરિણમન પર્યાયમાં પણ
ઉલ્લસે છે.
અહો! આનંદ તો મારો સ્વભાવ છે. મારો આત્મા આનંદવાન પદાર્થ છે. મારો આત્મા આનંદનો ધરનાર છે.
ને તે આનંદ દ્રવ્યમાં–ગુણમાં અને પર્યાયમાં ત્રણેમાં વ્યાપે એવો સ્વભાવ છે.–આમ જ્યાં પ્રતીત કરીને સ્વતરફ
પર્યાય વળી ત્યાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની એકતા થઈ ને ત્રણેમાં આનંદ વ્યાપી ગયો. દ્રવ્યમાં ને ગુણમાં તો આનંદ
સદાય વ્યાપેલો હતો જ, પણ જ્યારે પર્યાયમાં આનંદ વ્યાપ્યો–આનંદનો અનુભવ થયો ત્યારે દ્રવ્ય–ગુણમાં ભરેલા
આનંદનું ભાન થયું,–કે અહો! મારો આત્મા જ આવા આનંદસ્વભાવથી ભરેલો છે.
એકલા દ્રવ્ય–ગુણમાં જ આનંદની વાત કરે, ને પર્યાયમાં આનંદ ન ભાસે, તો તેણે ખરેખર દ્રવ્ય–ગુણના
આનંદસ્વભાવનો સ્વીકાર કર્યો જ નથી. અહો! મારા દ્રવ્ય–ગુણ ત્રિકાળ આનંદસ્વભાવથી ભરેલા છે,–એમ સ્વીકાર્યું
કોણે?–
સ્વીકાર્યું તો પર્યાયે.
પર્યાયે કોની સામે જોઈને તે સ્વીકાર્યું?–અંતર્મુખ થઈને આનંદસ્વભાવી દ્રવ્ય–ગુણ સાથે અભેદ થયેલી
પર્યાયે તે સ્વીકાર્યું છે, અને તે પર્યાય પણ આનંદથી ભરેલી છે.
પહેલાં અનાદિથી, પોતાના આનંદવાન આત્મા સામે ન જોતાં, પરની જ સામે જોતો હતો–ત્યાં જ આનંદ
માનતો હતો, ત્યારે પર્યાયમાં આનંદને બદલે તેની વિકૃતિરૂપ દુઃખ વ્યાપતું હતું; હવે જ્યાં પર્યાયને અંતરમાં વાળીને
દ્રવ્ય–ગુણ સાથે એકાકાર કરી ત્યાં તે પર્યાય પણ આનંદરૂપ થઈ. આ રીતે આનંદસ્વભાવનો આશ્રય કરતાં પર્યાય
દુઃખ ટળીને સુખરૂપ થઈ–આનંદરૂપ થઈ. આ રીતે જ આનંદગુણ –દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે.
અહીં આનંદગુણની જે ‘અદ્ભૂત’ વાત કરી, તે પ્રમાણે સમ્યક્ત્વગુણ, જ્ઞાનગુણ, ચારિત્રગુણ વગેરેમાં પણ
સમજવું. એકેક ગુણ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેયમાં વ્યાપક છે.–પણ કઈ રીતે? કે તે ગુણસ્વભાવી આત્માનો આશ્રય
કરતાં પર્યાયમાં તેનું નિર્મળ પરિણમન થઈ જાય છે, ને એ રીતે તે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં સરખી રીતે
(નિર્મળપણે) વ્યાપી જાય છે.