Atmadharma magazine - Ank 148
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૬૭ :
સ્વરૂપનો નિર્ણય કરીને તેનું જ ધ્યાન કરજે, અને ધ્યાનમાં ન રહેવાય ત્યારે એવા પરમાત્મસ્વરૂપની સન્મુખ
થવાનું બતાવનારાં વીતરાગી શાસ્ત્રોનું અધ્યયન કરજે. મોક્ષનો ઉપાય તો રાગ રહિત થઈને અંતરમાં
પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવું તે જ છે.
આત્માની પૂર્ણ શુદ્ધદશારૂપ જે મોક્ષ તેની તેને ભાવના હોય તેણે શું કરવું–તે વાત ચાલે છે. હું તો
શુદ્ધચિદ્રૂપ છું, દેહ–મન–વાણી હું નથી, હું તો શુદ્ધ ચિદાનંદ પરમાત્મા છું, મારો આત્મા જ પરમાત્મા છે–એમ
અંતરમાં પોતાના પરમાત્મસ્વભાવને ઓળખીને તેનું ધ્યાન કરવું તે જ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.
અનંતચતુષ્ટયની શક્તિથી ભરેલો હું જ કારણપરમાત્મા છું–એમ કારણના ધ્યાનથી કાર્ય પ્રગટી જાય છે. કારણ–
પરમાત્માની ભાવનાથી આત્મા પોતે પરમાત્મા બની જાય છે. શાસ્ત્રોનો નીચોડ આ છે કે તારો આત્મા જ
પરમાત્મા છે એમ તું લક્ષમાં લે. તારી પરમાત્મદશા ક્યાંય બહારથી નહિ આવે, તારા આત્મામાં જ પરમાત્મા
થવાની તાકાત ભરી છે, તેના ધ્યાન વડે તેને ખોલ તો પરમાત્મદશા પ્રગટે. અતીન્દ્રિય આનંદરસ તારામાં જ
ભર્યો છે... પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય ને પૂર્ણ આનંદથી તું ભરેલો છે... તેમાં અંતર ડુબકી માર તો તેમાંથી
પૂર્ણજ્ઞાન–દર્શન–વીર્ય ને આનંદરૂપ પરમાત્મદશા ખીલી જશે. જો અંતરમાં નહીં હોય તો ક્યાંથી આવશે? માટે
અંતરમાં સ્વભાવ ભર્યો છે તેને લક્ષમાં લે... તારા સ્વભાવનું અંતર–અવલોકન કર, તે જ પરમાત્મા થવાનો
ઉપાય છે. ને એ જ સર્વે શાસ્ત્રોનો સાર છે. શાસ્ત્રો ભણી ભણીને શું કરવું? કે “અંતરમાં હું શુદ્ધચિદાનંદ
આનંદકંદ પરમાત્મા છું” એમ પોતાના આત્માને લક્ષમાં લઈને તેને ધ્યાવવો.
હું દેહ, હું મન, હું વાણી, હું કર્મ, હું રાગ–એવી જેની દ્રષ્ટિ છે તે તો મૂઢ બહિરાત્મા છે, શાસ્ત્રોના રહસ્યની
તેને ખબર નથી. દેહથી પાર, મનથી પાર, વાણીથી પાર, કર્મથી પાર ને રાગથી પાર, જ્ઞાન ને આનંદ ભરેલો
ભગવાન હું છું–એમ પોતાના આત્માને શુદ્ધ ચિદાનંદસ્વરૂપે ઓળખીને અનુભવમાં લેવો તે સર્વે શાસ્ત્રોનો
નીચોડ છે... તે જ સર્વજ્ઞભગવાનની આજ્ઞા છે... તે જ મુક્તિનો માર્ગ છે.
અહો, અંતરમાં તારો આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની વિભૂતિથી ભરેલો છે... તારા આત્માની
વિભૂતિને તો દેખ. આ દેહાદિ તો જડ છે, તેમાં ક્યાંય તારો અધિકાર નથી. તારું ચૈતન્યતત્ત્વ દેહથી પાર,
અચિંત્ય જ્ઞાનઆનંદના વૈભવથી ભરેલું છે, તે વૈભવમાંથી પરમાત્મપદ પ્રાપ્ત થશે. પ્રભુ! એકવાર તારી પ્રભુતાને
દેખ! સર્વજ્ઞ ભગવંતોએ તારી પ્રભુતાનાં જ ગાણાં ગાયાં છે... શાસ્ત્રોએ પણ તારી પ્રભુતાનો જ મહિમા ગાયો
છે. પ્રભુતાની તાકાત તારા આત્મામાં ભરી લે–તેનો એકવાર ઉલ્લાસ તો લાવ. તારી પ્રભુતાને ઓળખીને તેની
આરાધના કર... તે જ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.
ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને તેના ધ્યાન વડે જે જીવ રત્નત્રયને આરાધે છે તે આરાધક છે, અને તે
આરાધનાનું ફળ કેવળજ્ઞાન છે–એમ હવે કહે છે.
અંતર્મુખ થઈને, મારો આત્મા જ પરમાત્મા છે–એવી નિર્વિકલ્પ પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શનની
આરાધના છે. અંતર્મુખ થઈને આત્માનું સ્વસંવેદનજ્ઞાન કરવું તે સમ્યગ્જ્ઞાનની આરાધના છે; અને
પરમાત્મસ્વરૂપના અતીંદ્રિય આનંદના અનુભવમાં લીનતા કરવી તે સમ્યક્ચારિત્રની આરાધના છે. આ રીતે જે
જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કરે છે તે આરાધક છે, ને તેની આરાધનાનું ફળ
કેવળજ્ઞાન છે.
જુઓ, આ આત્માની સેવા કરવાની રીત!! આત્મા પોતે પરમાત્મશક્તિથી ભરેલો છે, તેની સન્મુખ
થઈને તેની રુચિરૂપી ગંધ આત્મામાં જેણે પ્રગટાવી તેણે તે સુગંધરૂપી અગરબત્તી વડે પરમાત્માનું પૂજન કર્યું...
ને તેમાં લીન થઈને આનંદરસના અનુભવમાં એકાગ્ર થયો તેણે આનંદરૂપી જળમાં આત્માનો અભિષેક કર્યો.
આ રીતે પોતાના પરમાત્મસ્વરૂપની રુચિ કરીને તેના અનુભવમાં લીન થવું તે જ પરમાત્માની સાચી ઉપાસના
છે, તે આરાધના છે, તે જ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.
ભગવાન! તારા સ્વરૂપનું સેવન કરવાની આ રીત તો એકવાર સૂણ!