: ૬૮ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
વિધવિધ પ્રશ્નોત્તર
કર્મનું ફળ
પ્ર: ‘કર્મનું ફળ ધર્મ’ એમ હોય?
ઉ: હા.
પ્ર: કઈ રીતે?
ઉ: આત્માનું જે શુદ્ધ જ્ઞાનચેતનારૂપ કર્મ છે તેનું ફળ ધર્મ છે.
(પ્રવચનસાર ગા. ૧૨૬ના પ્રવચનમાંથી)
ધર્મની ક્રિયા અફળ!
પ્ર: ‘પરમધર્મ’ રૂપ ક્રિયા અફળ છે કે સફળ?
ઉ: અફળ.
પ્ર: કઈ રીતે?
ઉ: તે પરમધર્મરૂપ ક્રિયા ચાર ગતિરૂપ ફળ નથી આપતી તેથી તે
અફળ છે. દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે ‘પરમધર્મ’
નામથી ઓળખાતી તે ક્રિયાને મોહ સાથે મિલનનો નાશ થયો
હોવાથી તે મનુષ્યાદિ કાર્યને ઊપજાવતી નથી, તેથી તે અફળ જ
છે.
પ્ર: તો કઈ ક્રિયા સફળ છે?
ઉ: ચેતન પરિણામસ્વરૂપ જે ક્રિયા મોહની સાથે મિલિત છે તે જ ક્રિયા
મનુષ્યાદિ કાર્યની નિષ્પાદક હોવાથી સફળ છે; અર્થાત્ જીવની
મોહ સહિત ક્રિયા ચાર ગતિરૂપ ફળને આપતી હોવાથી તે સફળ
છે.
આત્માની ‘પરમધર્મ’ રૂપ જે ક્રિયા છે તે મોક્ષને માટે સફળ છે, ને
સંસારને માટે અફળ છે.
અને મોહ સાથે મિલનરૂપ જે ક્રિયા છે તે સંસારમાં રખડવા માટે
સફળ છે, ને મોક્ષને માટે અફળ છે.
(–પ્રવચનસાર ગા. ૧૧૬ના વ્યાખ્યાનમાંથી.)