Atmadharma magazine - Ank 148
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૭૧ :
જ્ઞાનને વાળતો નથી તેથી આત્માના કાર્યને માટે તે આંધળો છે ને રાગમાં જ જાગતો છે. અજ્ઞાની
કહે છે કે “પહેલાંં વ્યવહાર તો જોઈએ ને! વ્યવહાર તે સાધન છે” ... તો અહીં આચાર્યભગવાન
સ્પષ્ટ કહે છે કે વ્યવહારમાં જે ઊંઘે છે તે જ પરમાર્થ–આત્મહિતને સાધે છે; અને વ્યવહારમાં જે જાગે
છે તે તો સ્વકાર્યમાં ઊંઘે છે.
સાવધાની ક્યાં કરવી? તેની આ વાત છે. આમ (અંતરમાં) સ્વભાવ છે, ને આમ રાગ છે;
તેમાંથી જે જીવ સ્વભાવમાં જાગૃત છે–સ્વભાવમાં સાવધાન છે તે જીવ સ્વકાર્યને સાધે છે, ને જે જીવ
રાગમાં સાવધાન છે તે જીવ સ્વકાર્યને સાધી શકતો નથી. જેને ચૈતન્યસ્વભાવને સાધવાની દરકાર
નથી, ચૈતન્યના કાર્યમાં જાગૃતિ નથી, ને રાગમાં જ જાગૃત છે–બહારના આરંભ–પરિગ્રહમા જ
સાવધાન થઈને વર્તે છે તે સાધુ કેવો? તે તો પાખંડી છે.
બહારનો સંસારી વ્યવહાર–કુટુંબ કબીલાનાં કામ કે પૈસાની લેવડદેવડ વગેરે તો મુનિને હોતા
જ નથી, એટલે એવા કાર્યમાં જે તત્પર છે ને મુનિપણાનું નામ ધરાવે છે તે તો મુનિ નથી પણ દંભી
છે, અને મુનિદશામાં હોય એવા પ્રકારનો પંચમહાવ્રતાદિ વ્યવહાર, ગુરુની સેવા વગેરેનો ભાવ આવે,
–પરંતુ મુનિ તેમાં પણ તત્પર નથી, મુનિ તો સ્વભાવની સાધનામાં જ તત્પર છે, વારંવાર રાગને
તોડીને નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરે છે. વ્યવહારનો રાગ આવે છે છતાં તેને મોક્ષમાર્ગ માનતા
નથી તેથી તેમાં તે તત્પર નથી, સ્વભાવના ધ્યાનને જ મોક્ષનું સાધન માનીને તેમાં તે તત્પર છે.
સમકિતીને ચોથા ગુણસ્થાને પણ આ જ પ્રકારની માન્યતા હોય છે, શ્રદ્ધા–અપેક્ષાએ તો
સમકિતી પણ આત્મકાર્યમાં જ તત્પર વર્તે છે, રાગમાં તે તત્પર નથી, રાગને સ્વપ્નેય મોક્ષનું કારણ
તે માનતા નથી. હું મારા ચિદાનંદસ્વરૂપમાં ઠરું એ જ મારા મોક્ષનું કારણ છે–એમ જાણીને તે
સ્વરૂપને સાધવામાં જ તત્પર છે. વ્યવહારને–શુભરાગને જે હિતનું કારણ માનતા હોય તેને આ
ગાથાનો આધાર આપીને પં. ટોડરમલ્લજી મોક્ષમાર્ગપ્રકાશકમાં કહે છે કે–“જે વ્યવહારમાં સૂતા છે તે
યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે; માટે
વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી, નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યને, વા
તેમના ભાવોને, વા કારણકાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરુપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી
મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરુપણ કરે છે તથા કોઈને
કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું.”
(પૃ. ૨૫૫–૨૫૬)
આત્માનો જે શુદ્ધચિદાનંદસ્વભાવ છે તેની સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરવી તથા તે
સ્વભાવમાં ઉપયોગની જાગૃતિ રાખવી તે મોક્ષનું કારણ છે. તેથી જ્ઞાની ધર્માત્મા તો પોતાના
શુદ્ધસ્વભાવને જ સાધવામાં તત્પર છે–તેમાં જ ઉદ્યમી છે–તેમાં જ જાગૃત છે; વચ્ચે રાગ આવે પણ
તેમાં તત્પર નથી તે વ્યવહારમાં સૂતેલા (અતત્પર) છે. માટે જીવ! તું પણ વ્યવહારની તત્પરતા
છોડ ને આત્મસ્વભાવમાં તત્પર થા!