Atmadharma magazine - Ank 149
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
સંસારના કામ કરવા માટે તને ઉત્સાહ આવે છે, ને આત્માના ધ્યાનને માટે તને ઉત્સાહ આવતો નથી; તારો
અભિપ્રાય જ મિથ્યા છે. રાગરહિત ચૈતન્યની શ્રદ્ધા પણ તું કરતો નથી. આચાર્ય નામ ધરાવે, મુનિ નામ ધરાવે ને
કહે કે આ કાળે સમ્યગ્દર્શન થઈ ન શકે? તો કુંદકુંદઆચાર્યદેવ કહે છે કે તે જીવ સ્વભાવથી અત્યંત ભ્રષ્ટ છે.
સમ્યગ્દર્શન જ તને નથી તો પછી મુનિપણું કે આચાર્યપણું કયાંથી આવ્યું? સમ્યગ્દર્શનની ના પાડવી ને વળી પોતાને
મુનિપણું મનાવવું–તે તો મૂઢતા છે. આ કાળે સમ્યગ્દર્શન નથી–તો એનો અર્થ એમ થયો–કે આ કાળે ધર્મ જ નથી;
એમ માનનાર તો મૂઢ બહિરાત્મા છે. અનુભવપ્રકાશમાં પણ પં. દીપચંદજી કહે છે કે સ્વરૂપની સમજણ આ કાળે કઠણ
છે–એમ કહીને જેઓ સ્વરૂપનો ઉદ્યમ કરતા નથી તેઓ સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. “આ પંચમકાળ છે
માટે આ કાળે સ્વરૂપનો અનુભવ ન થાય, આ કાળે આત્માનું ધ્યાન ન થાય–આ કાળે સમ્યગ્દર્શન ન થાય,
સ્વરૂપની સમજણ કઠણ છે”–આમ કહેનાર જીવ આત્માની સમજણ કરતો નથી, એટલે તે બહિરાત્મા છે. અહો,
ધ્યેયસ્વભાવ આત્મા છે. તેને લક્ષમાં લીધા વગર ધર્મ થતો નથી. આત્માના સ્વભાવ તરફ આ કાળે ન જઈ શકાય
એમ કહેનારને વિષયો તરફ જવું છે એટલે તે તેને સહેલા લાગે છે. ચૈતન્યસ્વભાવ તો સુગમ છે–સહજ છે, અંતરમાં
પ્રીતિ કરીને ઉદ્યમ કરે તો તેની પ્રાપ્તિ થાય છે.
ભાઈ, તું નક્કી કર કે તારું સુખ બહારમાં છે કે અંતરમાં છે? સુખ તો તારા અંર્તસ્વભાવમાં જ છે. તે
અંર્તસ્વભાવમાં તું જો......દ્રષ્ટિ બહારમાં છે તેને બદલે અંતરમાં વાળ! આ તારાથી થઈ શકે તેવું જ સંતો કહે છે. જેમ
અભવ્યને કદી ચૈતન્યનું ધ્યાન હોતું નથી, તેમ જે જીવ એમ કહે છે કે ‘ચૈતન્યનું ધ્યાન આ કાળે ન થઈ શકે–તો તે
પણ અભવ્ય જેવો છે. સાતમી નરકના સંયોગમાં પડેલો જીવ પણ અંતરમાં ચૈતન્યના ધ્યાન વડે સમ્યગ્દર્શન પામી જાય
છે, ને તું મનુષ્ય અવતાર પામીને કહે છે કે અમારાથી ન થઈ શકે! તો તારી રુચિ જ ચૈતન્ય તરફ નથી. ચૈતન્યના
ધ્યાનનો ઉપદેશ સાંભળતાં તેની જેને હોંસ તો આવતી નથી ને તેનો નકાર કરે છે તો તને અભવ્ય કહ્યો છે. આ તરફ
પોતાને ચૈતન્યના ધ્યાનની ઉગ્રતાનું જોર છે એટલે તેનો નિષેધ કરનારને માટે આચાર્યદેવ કહે છે કે તે અભવ્ય છે. જેમ
પ્રવચનસારમાં કેવળીભગવાનના ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખનું ઘણું વર્ણન કરીને પછી કહ્યું કે કેવળી– ભગવાનનું સુખ સૌ
સુખમાં ઉત્કૃષ્ટ છે એમ જે શ્રદ્ધા કરતો નથી તે અભવ્ય છે. તેમ અહીં પણ કહે છે કે અહો! ચૈતન્યનું ધ્યાન ન થઈ શકે
એમ કહીને વિષય–કષાયોમાં રત વર્તે છે તે અભવ્ય છે, મોક્ષના ઉપાયની તેને પ્રીતિ નથી. અરે! આત્માના સ્વભાવની
શ્રદ્ધા કરવાની પણ જે ના પાડે છે તેના આત્મામાં મોક્ષના ભણકાર આવતા નથી. ધર્મ ન થઈ શકે ને રાગ થઈ શકે–એ
વાત જ પુરુષાર્થહીન મૂઢ જીવની છે; આત્માની સમજણ કરવાનું તું અશક્ય કહે છે, ને વિષયોમાં વર્તવું તને સુગમ
લાગે છે તો તારા પગલાં જ ઊંધા છે. ચૈતન્યસ્વભાવની સમ્યક્શ્રદ્ધા ને સમ્યગ્જ્ઞાન આ કાળે પણ થાય છે. જેને
આત્માનું અંતરસુખ વહાલું છે તે તો અંતર્મુખ થઈને ધ્યાન વડે તેનો પત્તો મેળવે છે. પણ જેને સંસારસુખ વહાલું છે તે
એમ કહે છે કે આ કાળે આત્માનો પત્તો ન લાગે,–એમ કહીને વિષય સુખમાં જ રત વર્તે છે ને આત્માના
અતીન્દ્રિયસુખના અનુભવનો ઉદ્યમ કરતો નથી તે જીવ સમ્યગ્દર્શનાદિથી રહિત છે, તે પણ મોક્ષ પામતો નથી; તેથી
આચાર્યદેવ કહે છે કે તે અભવ્ય છે. જ્યાં ચૈતન્યની શ્રદ્ધા પણ નથી કરતો ત્યાં મોક્ષની લાયકાત કેવી?
ચૈતન્યશક્તિનો પિંડ આત્મા છે તેની શ્રદ્ધા કરીને તેમાં એકાગ્ર થતાં મુનિદશા પ્રગટે છે, ને ત્યાં સમિતિ–
ગુપ્તિ તથા મહાવ્રત હોય છે. પરંતુ જે જીવ ચૈતન્યના ધ્યાનની જ ના પાડે છે ને વ્રત–સમિતિ–મહાવ્રત હોવાનું માને
છે, તો તેને વ્રતાદિના સ્વરૂપની જ ખબર નથી. ચૈતન્યની એકાગ્રતા વગર મહાવ્રત પાળવાનું માને છે, સમ્યગ્દર્શનાદિ
વગર વ્યવહારચારિત્ર હોવાનું માને છે તો તેને ખરેખર ચારિત્રના સ્વરૂપની ખબર નથી. નિશ્ચય–સમ્યગ્દર્શન વગર
મુનિદશાનું ચારિત્ર હોય જ નહીં. ને નિશ્ચયસમ્યગ્દર્શન ચૈતન્યના ધ્યાન વગર હોય જ નહીં. માટે ચૈતન્યના ધ્યાનની
જ જે ના પાડે છે તેને તો સમ્યગ્દર્શન પણ હોતું નથી, કો મુનિદશા કેવી? ને મુનિદશા
ફાગણઃ ૨૪૮૨ ઃ ૮૩ઃ