Atmadharma magazine - Ank 149
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
જ્ઞાન અને આનંદથી ભરેલો મોટો ચૈતન્યસમુદ્ર છે; પણ શરીર તે હું ને રાગ જેટલો જ હું એવી ભ્રમણાને લીધે
અજ્ઞાનીને તે ચૈતન્યસમુદ્ર દેખાતો નથી. જો જ્ઞાનચક્ષુ ઉઘાડીને અંતરમાં દેખે તો ભગવાનઆત્મા દેહથી ને રાગથી
પાર, જ્ઞાન અને આનંદથી ભરેલો ચૈતન્યસમુદ્ર ઊછળી રહ્યો છે–તે દેખાય. પોતાની ચૈતન્યશક્તિનું અવલંબન લીધા
સિવાય, ભવદુઃખથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
હે ભાઈ, જો તારે અનંતકાળના આ પરિભ્રમણનો અંત લાવવો હોય,......ને આત્માની અતીન્દ્રિય શાંતિનો
અનુભવ કરવો હોય તો તેની આ રીત છે કે સત્સમાર્ગે વારંવાર આત્મસ્વભાવનું શ્રવણ–મનન કરીને, અંતરંગ
રુચિથી તેનો નિર્ણય કર, તેનો પરમ મહિમા લક્ષમાં લે....તેની જ ભાવના ભાવ. તારા જ્ઞાનાનંદસ્વરૂપની તેં કદી
સંભાળ નથી કરી તેથી તને કઠણ લાગે છે, પણ જો સત્સમાગમે તેનો યથાર્થ પ્રયત્ન કર તો આત્માની અપૂર્વ
ઓળખાણ થયા વિના રહે નહિ, પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી તો સુગમ છે.
આત્માના સ્વભાવનું વારંવાર શ્રવણ–મનન કરવું તેમાં કાંઈ પુનરુક્તિદોષ નથી. જેને જેની રુચિ હોય તે તેની
વારંવાર ભાવના ભાવે છે. ‘ભાવનાથી ભવન થાય છે’ એટલે કે શુદ્ધઆત્મસ્વભાવની વારંવાર ભાવના કરવાથી
ભવન–પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે
વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ–મનન અને ભાવના કર્યા જ કરવી. આત્માની પ્રભુતા પોતામાં જ ભરી છે, પણ પોતે
પોતાના સ્વભાવસન્મુખ થઈને તેની દ્રષ્ટિ કરતો નથી તેથી ભવભ્રમણ થાય છે. જો અંર્તદ્રષ્ટિ કરીને આત્માની પ્રભુતાનું
અવલોકન કરે તો અલ્પકાળમાં ભવભ્રમણનો નાશ થઈ જાય છે–આ ભવભ્રમણના નાશની રીત છે.
– પૂ. ગુરુદેવના વિહારના પ્રવચનોમાંથી
‘આત્માનું શરીર!’
આ બાહ્ય શરીર અને કર્મ તે તો દ્રવ્ય શરીર છે તે જડ છે. અંદરમાં “ દેહ તે હું, રાગ તે
હું” એવો ભાવ તે વિકારરૂપી ભાવશરીર છે. અને દેહથી પાર–રાગથી પાર જ્ઞાનાનંદસ્વભાવ છે
તે આત્માનું કાયમી અતીન્દ્રિય આનંદશરીર છે.
ચૈતન્યમય આનંદશરીર અનાદિઅનંત ટકનાર છે, તે આનંદશરીરને લક્ષમાં લઈને જ્યાં
લીન થયો ત્યાં, વિકારીભાવરૂપી ભાવશરીર તેમજ જડના સંયોગરૂપી અચેતનશરીર–એ બંને
શરીરનો સંબંધ છૂટીને આત્મા અતીન્દ્રિય સિદ્ધ પરમાત્મા બની જાય છે. ત્યાં જ્ઞાન–અને
અતીન્દ્રિય આનંદરૂપી શરીર રહી જાય છે......તે જ આત્માનું ખરું શરીર છે. આત્માનું શરીર
કહેવાય કે જે કદી આત્માથી જુદું ન પડે. આત્મામાં જે કેવળજ્ઞાન ને પૂર્ણ આનંદ પ્રગટયા તે કદી
આત્માથી જુદા નથી પડતા, તેથી તે જ્ઞાન ને આનંદ જ આત્માનું ખરું શરીર છે. આ બહારના
જડ શરીરનો સંયોગ તો અનંતવાર આવ્યો ને અનંતવાર છૂટયો. તે શરીર આત્માનું છે જ નહિ,
ને અંદર રાગાદિ ભાવરૂપ શરીર પણ છૂટી જાય છે, તે પણ આત્માનું ખરું શરીર નથી. અસંખ્ય
પ્રદેશે જ્ઞાન ને આનંદસ્વભાવથી ભરેલું આત્માનું શરીર છે...માટે હે ભાઈ, આ જડ શરીર સાથેની
ને રાગાદિ સાથેની એકતાબુદ્ધિ છોડ, ને અંતરમાં તારું જ્ઞાન–આનંદમય શરીર છે તેની સાથે
એકતા કર, જેથી આ જડ દેહનો સંબંધ છૂટી જાય.....ને કદી ન છૂટે એવા અતીન્દ્રિય કેવળજ્ઞાનમય
ચૈતન્ય દેહની પ્રાપ્તિ થાય.
(–વ્યાખ્યાનમાંથી)
ઃ ૮૮ઃ આત્મધર્મઃ ૧૪૯