Atmadharma magazine - Ank 149
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
પુણ્ય વડે જૈનધર્મનો મહિમા નથી. શુદ્ધચિદાનંદ સ્વભાવનો આશ્રય કરાવીને મિથ્યાત્વનો તેમજ
રાગાદિનો નાશ કરાવે ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રદ્વારા મોક્ષપદ આપે અને ભવનો નાશ કરી
નાંખે–તે જૈનધર્મનો મહિમા છે.
જેમ ચંદનનો મહિમા શું? કે તાપ હરીને શીતળતા આપે, તેમ જૈનધર્મનો મહિમા શું? કે
ભવના તાપનો નાશ કરીને મોક્ષની પરમ શીતળતા આપે તે જૈનધર્મનો મહિમા છે. રાગમાં તો
આકુળતા છે તે જૈનધર્મ નથી.
પ્રશ્નઃ– સમકિતી ધર્માત્માને પણ રાગ તો થાય છે?
ઉત્તરઃ– સમકિતીને પણ જે રાગ છે તે કાંઈ જૈનધર્મ નથી, તેને રાગથી પાર ચિદાનંદ તત્ત્વની
દ્રષ્ટિમાં જેટલી શુદ્ધતા પ્રગટી છે તે જ જૈનધર્મ છે. મોક્ષમાર્ગની પૂર્ણતા ન થઈ હોય ત્યાં સાધક
ધર્માત્માને શુદ્ધતાની સાથે રાગ પણ હોય, પરંતુ ત્યાં ધર્મ તો શુદ્ધતા થઈ છે તે જ છે, રાગ રહ્યો તેને
ધર્માત્મા ધર્મ માનતા નથી. અને રાગને જે ધર્મ માને છે તેને તો ધર્મનો અંશ પણ હોતો નથી.
રાગ રહે, પુણ્ય બંધાય ને સ્વર્ગાદિનો ભવ મળે તે જૈનધર્મ નથી. તેમ જ તેનાથી
જૈનધર્મની મહત્તા નથી, પરંતુ ચારે ગતિના ભવનો નાશ થઈને સિદ્ધપદ જેનાથી પ્રગટે તે જૈનધર્મ
છે, ને એનાથી જ જૈનધર્મની મહત્તા છે.
આ ‘ભાવ–પ્રાભૃત’ છે, તેમાં આચાર્યદેવ એ બતાવે છે કે આત્માનો ક્યો ભાવ તે ધર્મ
છે? અથવા આત્માના કયા ભાવથી જૈનધર્મનો મહિમા છે? સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વીતરાગી શુદ્ધભાવ તે ધર્મ છે, તેના વડે ભવનો નાશ થઈ જાય છે, ને તેનાથી જ જિનશાસનનો
મહિમા છે.
ધર્મી જાણે છે કે મારો ચિદાનંદસ્વભાવ ભવરહિત છે, ભવના કારણરૂપ વિકાર મારા
મૂળસ્વભાવમાં છે જ નહિ; ભવરહિત એવો જે મારો ચિદાનંદસ્વભાવ, તેમાં એકતા કરતાં
શુદ્ધભાવ પ્રગટીને ભવનો અભાવ થઈ જાય–તે મારે ધર્મ છે, –તે જ જૈનધર્મ છે, ને આ રીતે જ
જૈનધર્મનો મહિમા છે. ભૂમિકા અનુસાર રાગ હોય ભલે, પણ જૈનધર્મનો મહિમા તેનાથી નથી.
જૈનધર્મ તો વીતરાગભાવરૂપ છે, અને રાગ તો વીતરાગભાવનો સાધક નથી, પણ બાધક છે,
એટલે તે ધર્મ નથી.
ધર્માત્મા સમકિતીને સાધક અને બાધક બંને ભાવો એક સાથે હોય છે, પણ તેમાં
સાધકભાવ તે જ ધર્મ છે, ને બાધકભાવ તે ધર્મ નથી, રાગ તે બાધકભાવ છે, તે ધર્મ નથી.
ધર્મી–સમકિતીને ય શુભરાગ થાય છે–માટે તે ધર્મ છે–એમ જો કહો, તો તો પછી
સમકિતીને ક્યારેક અશુભરાગ પણ થાય છે–તો તે શું ધર્મ છે?–નહિ. જેમ અશુભરાગ સમકિતીને
હોવા છતાં તે ધર્મ નથી તેમ શુભરાગ તે પણ ધર્મ નથી. ધર્મ તો વીતરાગભાવરૂપ એક જ પ્રકારનો
છે.–આવા ધર્મને ઓળખીને તેની ભાવના–આરાધના કરવી તે મોક્ષનું કારણ છે.
ફાગણઃ ૨૪૮૨ ઃ ૮૧ઃ