Atmadharma magazine - Ank 150
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 22

background image
તેના વડે જન્મ–મરણનો અંત થતો નથી. માટે અહીં કહે છે કે જે ભાવિ–ભવનું મથન કરી નાંખે એટલે કે જેનાથી
ભવિષ્યમાં ભવ ન મળે પણ મોક્ષ મળે એવો આત્માનો ભાવ તે ધર્મ છે, ને એવો ભાવ તો શુદ્ધ સમ્યગ્દર્શન–
જ્ઞાનચારિત્ર છે. પુણ્યથી સ્વર્ગ–મનુષ્યનો ભવ મળે, કે પાપથી તિર્યંચ–નરકનો ભવ મળે, તે કાંઈ ધર્મ નથી, તેમાં
દુઃખનો અંત નથી. ચારે ગતિના ભવના દુઃખનો જેનાથી અંત આવે એવો શુદ્ધ વીતરાગભાવ તે ધર્મ છે. આ સિવાય
બીજા ભાવને કે બીજી રીતે ધર્મ કહેવો તે તો નામ માત્ર છે, તેનાથી કાંઈ ભવનો નાશ થતો નથી. માટે ભવનો નાશ
કરનાર એવા શુદ્ધ સમ્યગ્દર્શનાદિ ભાવોની જેમાં પ્રાપ્તિ થાય છે એવો જિનધર્મ જ ઉત્તમ છે,–એમ જાણીને હે ભવ્ય!
તું તેને અંગીકાર કર. તું ભવનો નાશ કરવા માટે આવા ધર્મની રુચિ કર ને રાગની રુચિ છોડ. આ વીતરાગી ધર્મની
ભાવનાથી તારા ભવનો નાશ થશે, માટે આવા ધર્મની ભાવના કર.–એમ સંતોનો ઉપદેશ છે.
જુઓ, આ જૈનધર્મનું સ્વરૂપ, અને જૈનધર્મને ઉત્તમ કહ્યો તેનું કારણ! ભવનો નાશ કરી નાંખે તે જ
જૈનધર્મ, અને એનાથી જ તેની ઉત્તમત્તા. જૈનધર્મની એટલે કે આત્માના જ્ઞાનાનંદસ્વભાવની ભાવના કર, તેની
ભાવના વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ પ્રગટશે ને ભવનો નાશ થઈને સિદ્ધપદ પ્રાપ્ત થશે.
આત્મા પોતે શું ચીજ છે તે જાણ્યા વિના ધર્મ કયાંથી આવશે? આ દેહ તો અચેતન જડ પરમાણુનું ઢીંગલું
છે, આવા દેહ તો અનંતવાર આવ્યા ને છૂટી ગયા, તેમાં કયાંય આત્માનો ધર્મ નથી. તેમજ રાગ–દ્વેષ–મોહાદિ ભાવ
થાય તે પણ ધર્મ નથી. પુણ્યનો શુભભાવ થાય તેને સામાન્ય લોકો (જેને હવેની ગાથાના ભાવાર્થમાં ‘લૌકિકજનો’
કહ્યા છે તેઓ) ધર્મ કહે છે, પણ તે કાંઈ ધર્મ નથી, તે તો રાગ છે,–તેનાથી કાંઈ ભવનો અંત આવતો નથી. જૈનધર્મ
તો વીતરાગભાવરૂપ છે ને ભવના નાશનું કારણ છે. અહો, અનંત શરીરો સંયોગરૂપે આવ્યા ને ચાલ્યા ગયા, અનેક
પ્રકારના રાગાદિ આવ્યા ને છૂટી ગયા, છતાં આ આત્મા તો તેનો તે જ છે,–તો દેહથી ને રાગથી પાર તેનું શું સ્વરૂપ
છે–એને ઓળખવું જોઈએ. જ્ઞાનસ્વભાવી તત્ત્વને જ્યાં સુધી અનુભવમાં ન લ્યે ત્યાં સુધી આ શરમ ભરેલા જન્મ–
મરણથી છૂટકારો ન થાય. માટે હે ભાઈ! તારા શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ જિનધર્મને અંગીકાર કર–
જેથી તારા આ જન્મમરણનો અંત આવે.
આ શરીર–વાણી–પૈસા વગેરે તો જડ છે, તે તો અચેતન ભાવથી ભરેલા છે, ને ચૈતન્યસ્વરૂપી જીવથી
અત્યંત ભિન્ન છે, તેથી તેની તો અહીં વાત નથી. અહીં તો જીવના ભાવની વાત છે. જીવના કયા ભાવથી ધર્મ થાય
છે તે અહીં બતાવે છે. જીવના ભાવ ત્રણ પ્રકારના છે– (૧) શુદ્ધભાવ (૨) શુભભાવ અને (૩) અશુભભાવ; તેમાં
શુભ તેમજ અશુભ એ બંનેથી રહિત, જે નિશ્ચય–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ છે તે જ ધર્મ છે, અને તેના
વડે જ જૈનશાસનની શોભા છે. કેમકે આ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ થાય છે
ને તેનાથી જ ભવનો નાશ થાય છે. આવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી જિનધર્મની આરાધના વિના
શુભ–અશુભ ભાવ કરીને જીવ અનંતકાળથી ચાર ગતિમાં રખડયો છે, પુણ્ય વડે સ્વર્ગના ભવ પણ અનંતવાર કર્યા,
છતાં હજી ભવનો અંત ન આવ્યો, માટે હે જીવ! તું સમજ કે પુણ્ય તે ધર્મ નથી, તેમ જ તે કરતાં કરતાં ભવનો અંત
આવતો નથી. લૌકિકજનો પુણ્યને ધર્મ માને છે પણ તે ધર્મ છે નહીં. લૌકિકજન એટલે મિથ્યાદ્રષ્ટિ. પુણ્યથી ધર્મ
થાય–એમ માનનાર ખરેખર જૈનમતી છે જ નહિ પણ અન્યમતિ જેવો લૌકિકજન છે. મોહ–રાગ–દ્વેષ તે તો ભાવિ–
ભવનું કારણ છે, રાગની ભાવના તો ભવનું કારણ છે, માટે હે ભવ્ય! તું તેની ભાવના છોડ, રાગરહિત એવા
ચૈતન્યસ્વભાવની ભાવના ભાવ.
પાપ જુદી ચીજ છે, પુણ્ય જુદી ચીજ છે, ને ધર્મ તે ત્રીજી ચીજ છે. દેહાદિ જડની ક્રિયા તો જીવથી અત્યંત જુદી
છે તેથી તેની તો વાત નથી. હિંસાદિ પાપ ભાવોને તો અધર્મ સામાન્યપણે લોકો માને જ છે, પણ લોકોનો મોટો ભાગ
પુણ્યને જ ધર્મ માનીને મિથ્યાત્વમાં અટકી ગયો છે તેથી અહીં તે વાત સ્પષ્ટ સમજાવે છે કે અરે જીવ! શું તેં પુણ્ય
અનાદિકાળમાં નથી કર્યાં? ભાઈ! પુણ્ય પણ તું અનંતવાર કરી ચૂક્યો, અનંતવાર પુણ્ય કરીને સ્વર્ગનો મોટો દેવ થયો,
છતાં તારું આ ભવભ્રમણ તો એમ ને એમ ઊભું જ રહ્યું! માટે સમજ કે ધર્મ ચીજ કાંઈક જુદી છે કે જેનું તેં કદી એક
ચૈત્રઃ ૨૪૮૨
ઃ ૧૦૩ઃ