Atmadharma magazine - Ank 151
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૩૦ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
–એવો જ તેનો સ્વભાવ છે. ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એ ત્રણ જુદી જુદી સત્તા નથી પણ ત્રણે સ્વરૂપ એક સત્તા છે.
જો વસ્તુ ટકીને બદલે તો જ નવું કાર્ય થાય. જો ટકે જ નહિ તો તેનો નાશ થઈ જાય, અને જો બદલે જ નહિ તો
કાર્ય ન થાય. જેમ કે–લાકડાના રજકણો બદલે તો તે બળીને રાખ થાય; જો તે બદલે જ નહિ તો રાખ થાય નહિ.
એ પ્રમાણે દરેક ચીજનો ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવ છે.
જેમ ૧૦ તોલા સોનું છે, તેની હાર અવસ્થા છે, તે પલટીને બંગડી થઈ; ત્યાં સોનું દસેદસ તોલા ટકીને
હારમાંથી બંગડી અવસ્થારૂપે બદલ્યું છે, એટલે તે સોનું ટકયું પણ છે ને બદલ્યું પણ છે. એ રીતે દરેક વસ્તુ
ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ પરિણામસ્વભાવવાળી છે. અહીં વસ્તુનો સૂક્ષ્મસ્વભાવ સમજાવવા માટે સોનાનો સ્થૂળ
દાખલો છે. આત્મા તો સ્વાભાવિક ચીજ છે, સોનું તે કાંઈ મૂળ–સ્વાભાવિક ચીજ નથી, તે તો સંયોગી ચીજ છે;
તે સંયોગની વાત સ્વભાવમાં પૂરી લાગુ ન પડે. સોનામાં ભાગ કરતાં કરતાં જેના કોઈ પ્રકારથી બે ભાગ ન
પડી શકે એવો જે છેલ્લો પોઈન્ટ (–પરમાણુ) રહે તે મૂળ વસ્તુ છે. સોનું તો નાશ પણ પામે, પણ પરમાણુનો
નાશ કદી થતો નથી. અહીં તો દ્રષ્ટાંત તરીકે સમજાવવા સોનાને મૂળ વસ્તુ ગણવામાં આવે છે. જેમ આકાર
બદલવા છતાં સોનું તે સોનું જ રહે છે, લાકડું થઈ જતું નથી; અને સોનારૂપે ધુ્રવ રહેવા છતાં તેના વિધવિધ
આકારો બદલે છે; સોનું તો સંયોગી ચીજ હોવાથી થોડો કાળ ટકે છે, તે થોડા કાળના દ્રષ્ટાંત ઉપરથી ત્રિકાળી
વસ્તુનો સ્વભાવ સમજી લેવો. આત્મામાં મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–કેવળજ્ઞાન વગેરે અવસ્થાઓ પલટે છે અને
જ્ઞાનસ્વભાવપણે આત્મા એવો ને એવો રહે છે. અહીં તો એ વિશેષ બતાવવું છે કે ટકીને અવસ્થા બદલે છે તે
પોતાના સ્વભાવભૂત છે. કોઈ બીજાને લીધે આત્મા ટકતો નથી, ને કોઈ બીજાને લીધે તેની અવસ્થા થતી નથી.
એ જ પ્રમાણે બીજા પદાર્થોમાં પણ સૌ સૌના સ્વભાવથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવતા વર્તે છે.
જુઓ, આવા વસ્તુસ્વભાવની પ્રતીત તે વીતરાગતાનું કારણ છે. કોઈ બીજાને કારણે સુખ–દુઃખ થાય એ
વાત રહેતી નથી. જગતમાં જે જીવો દુઃખી છે તેઓ પોતાની પર્યાયના જ તેવા ઉત્પાદથી દુઃખી છે, અને તેની
દુઃખપર્યાય પલટીને સુખપર્યાયનો ઉત્પાદ તે પોતે કરે તો થાય, બીજો જીવ તેની પર્યાય કરી શકે નહિ. આત્મા
પોતે અનંત શક્તિનો પિંડ છે પણ તેની સંભાળ ન કરતાં શરીર ઉપર લક્ષ કરીને ‘શરીર તે જ હું’ એમ માને છે,
ને શરીરમાં કાંઈક થતાં મને થયું એમ માનીને પોતાની ભિન્ન સત્તાને ભૂલી જાય છે તેથી જ જીવ દુઃખી છે.
જ્યાંસુધી દેહથી ભિન્ન ચૈતન્યસત્તાની પોતે સંભાળ ન કરે ત્યાં સુધી તેનું દુઃખ ટળે નહિ. આ એક સિદ્ધાંત છે કે,
દુઃખ કોઈ બહારના સંયોગના કારણે થયું નથી તેથી બહારના સંયોગવડે દુઃખ મટતું નથી, પણ પોતે ઊંધા
ભાવથી દુઃખ ઊભું કરે છે તે પોતાના સવળા ભાવથી મટે છે. બીજો કોઈ દુઃખ આપી શકે નહિ ને મટાડી શકે
પણ નહિ.
જુઓ, ‘હું દુઃખ ટાળું’ એમ વિચાર આવે છે, પણ ‘હું આત્માનો જ નાશ કરી નાંખું’ એમ વિચાર
આવતો નથી, એટલે કે પોતે કાયમ ટકીને દુઃખઅવસ્થા પલટીને સુખઅવસ્થા કરવા માંગે છે. આ રીતે, ‘મારે
દુઃખ ટાળીને સુખી થવું છે.’– એમાં જ ઉત્પાદ–વ્યય–ધ્રુવનો ધ્વનિ આવી જાય છે. આત્મા ત્રિકાળ છે ને દુઃખ
ક્ષણિક છે, તે દુઃખ ટળી શકે છે. દુઃખ કોણ ટાળે? –જેણે ઉત્પન્ન કર્યું છે તે; બીજા જોનારે કાંઈ તે દુઃખ ઉત્પન્ન
કર્યું નથી એટલે તે તેને ટાળી ન શકે. શરીરમાં રોગ થતાં, પોતાનું અસ્તિત્વ તેનાથી ભિન્ન હોવા છતાં પોતાના
ભિન્ન અસ્તિત્વને ચૂકીને ‘આ મને રોગ થયો’ એવી મિથ્યા કલ્પનાથી પોતે દુઃખી થાય છે. હું તો ચૈતન્ય છું,
દેહના ઉત્પાદ–વ્યય–ધુ્રવથી મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવ તદ્ન જુદા છે, મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં મારી અનંત
શક્તિઓ પરિણમી રહી છે–એમ સ્વશક્તિની સંભાળ કરે તો તેમાં ક્યાંય દુઃખ છે જ નહિ.
હું પરનું દુઃખ ટાળી શકતો નથી–એમ જ્ઞાનીને ભાન હોવા છતાં, રાગની ભૂમિકામાં દુઃખી જીવો પ્રત્યે (તે
પ્રસંગને કારણે નહિ પણ પોતાના રાગને કારણે) કરુણા વગેરેનો ભાવ થઈ આવે છે, કેવળી ભગવાન વગેરે
વીતરાગી જીવોને એવો રાગ થતો નથી. ધર્મીને કોઈવાર રોગ થાય ને દવા કરવાનો રાગ પણ થાય, પણ ત્યાં