Atmadharma magazine - Ank 151
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૩૧ :
વિવેક વર્તે છે કે રોગને કારણે રાગ નથી ને રાગને કારણે દવા વગેરેની કે રોગ મટવાની ક્રિયા થતી નથી; તેમજ
રાગ કે દવા તે કાંઈ દુઃખ મટવાનો ઉપાય નથી. મારી સહનશીલતાની નબળાઈથી રાગ થાય છે, તે રાગ પણ
મારા ચિદાનંદસ્વરૂપમાં નથી, ચિદાનંદસ્વરૂપના આશ્રયે રાગ ટાળવો તે દુઃખ ટાળવાનો ઉપાય છે–આ રીતે
યથાર્થ ઉપાયને જ્ઞાની જાણે છે, એટલે રાગ તરફ તેના અભિપ્રાયનું જોર જતું નથી, તેથી તેનો રાગ અત્યંત મંદ
છે; અજ્ઞાની તો બધું ઊંધુંં માને છે–રોગને કારણે રાગ માને છે, ને રાગવડે દવા વગેરેનો સંયોગ મેળવવો તેને તે
દુઃખ ટાળવાનો ઉપાય માને છે, એટલે તેનું જોર એકલા રાગ તરફ જ જાય છે, તેથી તેનો રાગ અનંતા જોરવાળો
છે. આ રીતે રાગ પાછળ બંનેના અભિપ્રાયની દિશામાં મોટો ફેર છે.
અજ્ઞાની અનુકૂળ સંયોગથી સુખ અને પ્રતિકૂળ સંયોગથી દુઃખ એમ માને છે, એટલે દુઃખ ટાળીને સુખ
કરવા માટે તે સંયોગ તરફ જ જોયા કરે છે, પણ સંયોગથી ભિન્ન પોતાના આત્મા તરફ જોવાનું તેને બનતું
નથી, તેથી તેને સંયોગના આશ્રયે રાગ–દ્વેષ જ થયા કરે છે, વીતરાગી શાંતિનો અનુભવ થતો નથી. જ્ઞાની
સંયોગોથી પોતાને સુખ–દુઃખ માનતા નથી, સુખ પોતાના સ્વભાવમાં જ છે એમ તેને અનુભવ છે અને બર્હિમુખ
વલણ જાય તેટલું દુઃખ છે–એમ તે જાણે છે; એટલે દુઃખ ટાળવા માટે તે પર તરફ નથી જોતા પણ પોતાના
સ્વભાવના આનંદના અનુભવ તરફ વળે છે. અહીં આત્માની શક્તિઓ બતાવીને સ્વદ્રવ્ય તરફ વળવાનું
આચાર્યદેવ બતાવે છે.
જગતા બધા દ્રવ્યો સત્ છે, ને તેનું બદલાપણું તેના સ્વભાવથી જ છે; તેને બદલે અજ્ઞાની તેની સત્તાનો
ઈન્કાર કરીને કહે છે કે હું તેને બદલાવી દઉં–એટલે ખરેખર તે પોતાની ચૈતન્યસત્તાને પરથી ભિન્ન સ્વીકારતો
નથી, ઊંધા અભિપ્રાય વડે પોતે પોતાની સત્તાનો જ ઘાત કરે છે, –તેનું નામ આત્મઘાત છે, ને તે આત્મઘાતને
મહાપાપ કહ્યું છે. મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવ મારી સત્તામાં જ છે, ને પરના ઉત્પાદ–વ્યય–ધ્રુવ પરની સત્તામાં જ છે,–
બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે, તેથી એકના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં બીજાનો કાંઈ હાથ નથી. –આમ જાણીને પોતે
પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં અંગીકાર કરવી ને પરસત્તાને પોતાથી ભિન્ન જેમ છે તેમ
જાણવી–આવું ભેદજ્ઞાન તે આત્માને જીવતો રાખે છે–આત્માને પ્રસિદ્ધ કરે છે, તેમાં આત્મા જેવો છે તેવા સ્વભાવે
પ્રસિદ્ધ થઈને મુક્તિ થાય છે.
“હું” અને “તે” આવા બે ભેદ પડે છે તે જ બતાવે છે કે સ્વ અને પર વસ્તુની સત્તા ભિન્ન ભિન્ન છે; જો
ભિન્ન સત્તા ન હોય તો ‘આ હું’ અને ‘આ તે’ એવા બે ભેદ પડે નહિ. સ્વ–પરની સત્તા ભિન્ન ભિન્ન હોવા
છતાં, પર વસ્તુના કાર્યો મારાથી થાય એમ જે માને છે તે પરવસ્તુની સ્વતંત્ર સત્તાના અધિકાર ઉપર તરાપ
મારે છે, પરને પોતાને આધીન માનીને તેની સ્વાધીનતા હણવા માંગે છે; પરંતુ પર ચીજ તો કાંઈ તેને આધીન
થઈને પરિણમતી નથી તેથી તે અજ્ઞાની પરના આશ્રયે પરિણમતો થકો આકુળ–વ્યાકુળ થઈને પોતે પોતાની
સ્વાધીનતાને હણે છે. જેમ એક રાજાની સત્તા ઉપર બીજો રાજા અધિકાર જમાવવા જાય તો ત્યાં લડાઈ થાય છે,
તેમ ચૈતન્ય અને જડ બંને પદાર્થો પોતપોતાની સ્વતંત્ર સત્તાના રાજા છે, છતાં આત્મા પરને પોતાનું માનીને
તેની સત્તામાં ઘાલમેલ કરવા જાય તો ત્યાં વિસંવાદ ઊભો થાય છે એટલે કે આત્માની પર્યાયમાં શુદ્ધતા હણાઈને
અશુદ્ધતા થાય છે–દુઃખ થાય છે–સંસાર થાય છે. પરથી અત્યંત વિભક્ત અને પોતાના જ્ઞાનાદિ અનંતગુણોથી
એકત્વ એવી પોતાની ચૈતન્યસત્તાને જાણીને–શ્રદ્ધા કરીને તેમાં સ્થિર રહેતાં શુદ્ધતા થાય છે–સુખ થાય છે–મુક્તિ
થાય છે, ને સ્વભાવઆશ્રિત સ્વતંત્રતાથી આત્મા શોભે છે.
[આ લેખનો બાકીનો સુંદર ભાગ આવતા અંકમાં વાંચો]