Atmadharma magazine - Ank 152
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
જેઠ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૪૩ :
ભવભ્રમણથી છૂટવા માટે
જ્ઞાનાનંદ–સ્વરૂપ આત્માને
પ્રાપ્ત કરવાનો ઉપદેશ
–પ્રવચનસાર–પરિશિષ્ટ ઉપર
વૈશાખ સુદ ૧૦–૧૪ના પ્રવચનોમાંથી
શિષ્યને શ્રીગુરુએ જે કહ્યું તેની ધૂન લાગી છે, નિરંતર
તેની ઝંખના લાગી છે, ચોવીસે કલાક વારંવાર તેનું ચિંતવન
કરે છે, આત્માને પ્રાપ્ત કરવાની ધૂન થઈ ગઈ છે, તેની જ ચાહ
છે... અને તે જરૂર આત્માને પ્રાપ્ત કરે છે.


આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય તે વાત ચાલે છે. અનાદિથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ વગર
સંસાર પરિભ્રમણ કરે છે. આત્માના સ્વભાવ સાથે એકતા ન કરતાં, સંયોગ સાથે એકતા કરીને
મોહભાવનાથી આત્માની પરિણતિ ચકરાવો ખાય છે, સ્થિર ન રહેતાં પુણ્ય–પાપમાં ચક્કર ખાય છે, તેથી તે
પોતાની પર્યાયમાં ક્ષુબ્ધ થાય છે, અને તેથી તેને આત્માની પ્રાપ્તિ દૂર છે. આ રીતે અનાદિથી આત્માની પ્રાપ્તિ
કેમ ન થઈ તે બતાવ્યું.
આત્મા તો જ્ઞાનસ્વભાવ છે, તે જ્ઞાનસ્વભાવ સાથે જ તેને એકતા છે; તેને બદલે પરજ્ઞેયો સાથે મિત્રતા
કરે છે એટલે કે તેમની સાથે જ્ઞાનની એકતા કરે છે, તે જ અનાદિકાળથી સંસારભ્રમણનું કારણ છે. અજ્ઞાનીને
પરથી ભિન્ન પોતાનું જ્ઞાન તો ભાસતું નથી, ને જ્ઞાનના જ્ઞેયભૂત પરપદાર્થો જ ભાસે છે એટલે તે બહિર્મુખપણે
પરજ્ઞેયોમાં જ વર્તે છે; ભિન્નભિન્નજ્ઞેયોને જાણવા છતાં હું તો એકાકાર જ્ઞાન જ છું, જ્ઞાન સાથે જ મારી એકતા
છે–એવી જ્ઞાનસ્વભાવની ભાવના વડે આત્માની પ્રાપ્તિ થાય છે. પણ જ્ઞાન તે હું એવી ભાવના ન ભાવતાં, જે
પરજ્ઞેયોને જાણે છે તે જ્ઞેયો સાથે જ એકતાબુદ્ધિથી તેમની ભાવના ભાવે છે, એટલે પર તરફના ઝૂકાવથી તેની
દ્રષ્ટિ છૂટતી નથી, પર સાથેનો સંબંધ તોડીને સ્વજ્ઞેય તરફ વળતો નથી–એ જ સંસાર છે. જેને પોતાનું માને તેની
સાથેનો સંબંધ કેમ તોડે? જેનાથી લાભ માને તેની સાથેનો સંબંધ કેમ છોડે? અજ્ઞાની પરજ્ઞેયને પોતાનું માને છે
ને તેનાથી લાભ માને છે એટલે તેનાથી જુદો પડીને સ્વમાં આવતો નથી; તેથી તે અજ્ઞાનીને આત્માની પ્રાપ્તિ
થતી નથી, આત્માના આનંદસ્વરૂપનો તેને અનુભવ થતો નથી.
હવે તે જ આત્મા જ્યારે એમ જાણે કે હું તો સમસ્ત પરજ્ઞેયોથી અત્યંત ભિન્ન છું, મોહથી ભિન્ન
જ્ઞાનસ્વરૂપ છું; એમ સમસ્ત પરજ્ઞેયોથી આત્માને ભિન્ન જાણીને કેવળ આત્માની ભાવનામાં એકાગ્ર થાય અને
તેમાં જ સ્થિર રહે ત્યારે પરથી અત્યંત ભિન્ન થઈને પોતાના જ્ઞાન–આનંદસ્વરૂપનો અનુભવ થાય છે. આ રીતે
અંતર્મુખ એકાગ્રતા વડે આત્માની પ્રાપ્તિ થાય છે.