Atmadharma magazine - Ank 152
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
જેઠ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૪૧ :
તેમાં તારી ફરજ નથી. હવે અંદર શુભરાગ થાય તે તો ફરજ છે ને? –તો કહે છે કે ના; રાગ તે પણ ખરેખર
ફરજ નથી. રાગ કરે છે પોતે, પણ તે ફરજ નથી–કર્તવ્ય નથી, કેમ કે તેમાં પોતાનું હિત નથી. જેમાં પોતાનું
હિત ન હોય તેને ફરજ કેમ કહેવાય? અંતરમાં ચૈતન્યમૂર્તિ આનંદથી ભરપૂર પોતાના આત્માને ઓળખીને
તેના આશ્રયે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવા, ને એ રીતે આત્માને ભવદુઃખથી છોડાવવો તે દરેક
જીવની ફરજ છે.
આ દેહ તારો નથી; દેહમાં તારી કંઈ ફરજ નથી, ને દેહ તને શરણ નથી.
તારી અનંત શક્તિમાં રાગ નથી, રાગ તે તારી ફરજ નથી, ને રાગ તને શરણ નથી.
તારો આત્મા અનંતશક્તિસંપન્ન છે, તે જ તારું સ્વરૂપ છે,
તે શક્તિની સંભાળ કરીને તેમાંથી સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવા તે તારી ફરજ છે, અને તે
શક્તિ જ તને શરણભૂત છે,
માટે તેને ઓળખીને તેનું શરણ કર, ને તારી ફરજ બજાવ. હું પરનું કરી દઉં–એવી માન્યતામાં જે રોકાય
છે તે પોતાની વાસ્તવિક ફરજ ચૂકી જય છે. માટે હે ભવ્ય! પરનું કરવાની બુદ્ધિ તું છોડ, ને આત્મહિતમાં તારી
બુદ્ધિ જોડ. આત્માની સંભાળ કર, તેનું શરણ કર, ને તેના શરણે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને તારા
આત્માને ભવભ્રમણથી છોડાવ...... ને એ રીતે તારી ફરજ બજાવ. આ મનુષ્યપણું પામીને આત્માને હવે ભવ–
દુઃખથી છોડાવવો તે જ, હે જીવ! તારી ફરજ છે.
આત્મા પોતાની અનંત શક્તિથી પરિપૂર્ણ છે; તેનામાં કોઈ શક્તિ ઓછી નથી કે બીજા પાસેથી લ્યે! ને
આત્માની કોઈ શક્તિ વધારાની નથી કે બીજાને આપે! આત્મા પોતાની શક્તિ બીજાને આપતો નથી ને બીજા
પાસેથી પોતાની શક્તિ લેતો નથી. પરની શક્તિ પરમાં, ને પોતાની શક્તિ પોતામાં. દરેક દ્રવ્ય પોતપોતાની
શક્તિઓથી પરિપૂર્ણ છે. પોતાના આવા સ્વભાવનો નિર્ણય કરે તો ક્યાંય પરમાંથી લાભ લેવાની પરાશ્રય–બુદ્ધિ
છૂટી જાય ને અંતરના સ્વભાવના આશ્રય તરફ વલણ થઈ જાય. –માટે હે ભાઈ! તું જરાક વિચાર તો કર કે
તારા ગુણ ક્યાંથી આવે છે? તારા ગુણોનું ટકવાપણું, કે દોષ ટળીને નિર્મળ પર્યાયનું ઉત્પન્ન થવાપણું કોઈ
બીજાના કારણે નથી, પણ તારા આત્માના પરિણામસ્વભાવથી જ છે. કોઈના આધારે તારા ગુણ–પર્યાયનો
નીભાવ નથી, ને તું આધાર થઈને કોઈ બીજાના ગુણ–પર્યાયને નીભાવી દેતો નથી; માટે કોઈ બીજાથી તું રાજી
થા કે તું કોઈ પરને રાજી કર–એવો તારો સ્વભાવ નથી; તારા આત્માનું અવલંબન કરીને તું પોતે રાજી થા
(એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદરૂપ થા) એવો તારો સ્વભાવ છે. માટે તારા આત્માની નિજશક્તિને
સંભાળીને તું પ્રસન્ન થા! તારા નિજવૈભવનું અંર્તઅવલોકન કરીને તું આનંદિત થા! ‘અહો! મારો આત્મા
આવો પરિપૂર્ણ શક્તિવાળો........ આવા આનંદવાળો! ’ –એમ આત્માને જાણીને તું રાજી થા... ખુશી થા...
આનંદિત થા!! જે આત્માને યથાર્થપણે ઓળખે તેને અપૂર્વ આનંદનો અનુભવ થાય જ. માટે આચાર્યદેવ
આત્માની અનેક શક્તિઓનું વર્ણન કરીને કહે છે કે હે ભવ્ય! આવા આત્માને જાણીને તું આનંદિત થા!
–ઓગણીસમી પરિણામશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
સમ્યક્ત્વના મહિમાસૂચક પ્રશ્નોત્તર
પ્રશ્ન:– કોને ધન્ય છે?
ઉત્તર:– ધન્ય અહો! ભગવંત બુધ જે ત્યાગે પરભાવ;
લોકાલોક પ્રકાશકર જાણે વિમલસ્વભાવ.
–અહો! તે ભગવાન્ જ્ઞાનીઓને ધન્ય છે કે જેઓ પરભાવનો ત્યાગ કરે
છે અને લોકાલોકપ્રકાશક એવા નિર્મળ આત્માને જાણે છે. (યોગસાર ૬૪)