જિનશાસનનો મહિમા [પ]
(શ્રી ભાવપ્રાભૃત ગા. ૮૩ ઉપરનાં ખાસ પ્રવચનો)
અહો! એક સમયસારની પંદરમી ગાથા અને બીજી આ ભાવપ્રાભૃતની
૮૩ મી ગાથા,–એમાં આચાર્યદેવે આખા જૈનશાસનનો નીચોડ ભરી દીધો છે.
આ બે ગાથાનું રહસ્ય (ગુરુગમે) સમજે તો બધા પ્રશ્નોનો નીકાલ થઈ જાય.
ભગવાનની વાણી જીવોના હિતને માટે જ છે. જિજ્ઞાસુ–આત્માર્થી તો
એમ વિચારે છે કે અહો, ‘પુણ્ય તે ધર્મ નથી.’ એમ કહીને ભગવાન મને
રાગથી પણ પાર મારો ચૈતન્યસ્વભાવ બતાવીને તેનો અનુભવ કરાવવા
માંગે છે. આ રીતે સ્વભાવ સન્મુખ થઈને તે પોતાનું હિત સાધે છે.
– પૂ. ગુરુદેવ.
આ ભાવપ્રાભૃત વંચાય છે. ૮૨ મી ગાથામાં જૈનધર્મની શ્રેષ્ઠતા બતાવીને આચાર્યદેવે કહ્યું છે કે હે જીવો!
તમે જિનશાસનમાં કહેલા વીતરાગભાવરૂપ ધર્મને જાણીને, ભવના અભાવ માટે તેની જ ભાવના કરો. આવા
જિનધર્મને જ ઉત્તમ અને હિતકારી જાણીને તેનું સેવન કરો.....ને રાગની રુચિ છોડો..... પુણ્યની રુચિ છોડો.....જેથી
તમારા ભવનો અંત આવે ને મોક્ષ થાય.
જૈનધર્મને જ શ્રેષ્ઠ કહ્યો, તે જૈનધર્મ કેવો છે?
–કે ભાવિ–ભવનો નાશ કરીને મુક્તિ આપનાર છે. આત્માના એવા પરિણામ કે જેનાથી સંસારનો નાશ
થાય, તેનું નામ જૈનધર્મ છે, અને તે શ્રેષ્ઠ–ઉત્તમ છે. તેથી ભાવિ–ભવને મથી નાંખવા માટે હે જીવ! તું આવા
જૈનધર્મની રુચિ કર.....આત્મસ્વભાવના આશ્રયે શુદ્ધ ભાવ પ્રગટ કર.
જિનશાસનમાં ધર્મનું સ્વરૂપ
હવે જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે પ્રભો! આપે જૈનધર્મને ઉત્તમ કહ્યો અને તેની ભાવના કરવાનું કહ્યું, તો તે
ધર્મનું સ્વરૂપ શું છે? જૈનધર્મની શ્રેષ્ઠતા કહી તો તેનું સ્વરૂપ શું છે? જેના અંતરમાં ધર્મનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા
જાગી છે, જેને ધર્મની ધગશ છે–અભિલાષા છે, એવો જીવ વિનયથી પૂછે છે કે હે નાથ! જૈનધર્મનું ખરું સ્વરૂપ શું છે–
તે કૃપા કરીને સમજાવો.
એવા જિજ્ઞાસુ જીવને સમજાવવા આચાર્યદેવ ૮૩ મી ગાથામાં જૈનધર્મનું સ્વરૂપ કહે છે–
पूयादिसु वयसहियं पुप्णं हि जिणेहिं सासणे भणियं ।
मोहक्खोह विहीणो परिणामो अप्पणो धम्मो ।। ८३।।
पूजादिषु व्रतसहितं पुण्यं हि जिनैः शासने भणितम् ।
मोह–क्षोभविहीनः परिणामः आत्मनः धर्मः ।। ८३।।
જિનશાસનમાં જિનેન્દ્રદેવે એમ કહ્યું છે કે પૂજાદિકમાં અને વ્રતસહિત હોય તે તો પુણ્ય છે, અને આત્માના
મોહ–ક્ષોભ રહિત પરિણામ તે ધર્મ છે.
જુઓ, આ ગાથા ઘણી મહત્વની છે. પુણ્ય અને ધર્મ બંનેનું જુદું જુદું સ્વરૂપ બતાવીને આચાર્યદેવે સ્પષ્ટ કર્યું
છે કે શુભરાગ તે જૈનધર્મ નથી, શુભરાગવડે જૈનધર્મનો મહિમા નથી, જિનશાસનમાં વ્રત–પૂજા વગેરેના શુભરાગને
ભગવાને ધર્મ નથી કહ્યો, પણ તેને પુણ્ય કહ્યું છે; અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ પરિણામને જ
જિનશાસનમાં ભગવાને ધર્મ કહ્યો છે, તેનાથી જ જિનશાસનો મહિમા છે.
ઃ ૧૬૬ઃ
આત્મધર્મઃ ૧પ૩