Atmadharma magazine - Ank 155
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 23

background image
: ૨૦૪ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
કે ‘અરે! પૂરું ચૈતન્યસ્વરૂપ ક્યારે પ્રાપ્ત થશે! ક્યારે મુક્તિ થશે!’
(૬) પ્રશ્ન:– ‘હું ક્યારે આ સંસારથી છૂટું ને ક્યારે મુક્તિ પામું!’ એવો આકુળતાનો વિકલ્પ તો ધર્મીનેય
આવે છે?
ઉત્તર:– ધર્મીનેય એવો વિકલ્પ આવે પણ તે જ્ઞાનજ્યોતિથી ભિન્ન છે, જ્ઞાનજ્યોતિમાં તે વિકલ્પ નથી.
ધર્માત્મા તે વિકલ્પને પોતાની જ્ઞાનજ્યોતિના કાર્યપણે સ્વીકારતા નથી એટલે કે વિકલ્પ સાથે જ્ઞાનની એકતા
માનતા નથી. જ્ઞાનજ્યોતિ તો વિકલ્પથી જુદી જ છે, તે તો અંતરમાં ઠરતી જાય છે, ને જેમ જેમ અંતરમાં ઠરતી જાય
છે તેમ તેમ અનાકુળ શાંતિનું વેદન વધતું જાય છે, તે જ જ્ઞાનજ્યોતિનું કાર્ય છે. અહો! માર્ગ તો અંતરની શાંતિનો
છે... આકુળતાવાળો માર્ગ નથી. જ્ઞાન તો શાંત થઈને અંદર ઠરે કે આકુળતા કરે? –આકુળતા તે જ્ઞાનનું કાર્ય નથી.
(૭) પ્રશ્ન:– સમ્યગ્જ્ઞાનજ્યોત ક્યારે પ્રગટી?
ઉત્તર:– પહેલાંં અજ્ઞાનદશામાં જ્ઞાનને અને ક્રોધાધિને ભિન્ન જાણતો ન હતો એટલે ક્રોધાદિમાં તન્મય
થઈને તેને પોતાનું કાર્ય માનતો ને તેના કર્તાપણે પરિણમતો હતો, ત્યારે જીવને જ્ઞાનજ્યોત પ્રગટી ન હતી; પણ
જ્યારે, ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું ને ક્રોધાદિ મારા સ્વરૂપથી ભિન્ન પરભાવો છે, તેમની સાથે મારે એકતા નથી’
–એવું ભેદજ્ઞાન કરીને જીવ પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ એકતાપણે પરિણમ્યો ત્યારે તેને અપૂર્વ જ્ઞાનજ્યોત પ્રગટી.
તે જ્ઞાનજ્યોત ધીર છે, ગંભીર છે, ઉદાર છે, અને તેણે અજ્ઞાનઅંધકારનો નાશ કર્યો છે.
(૮) પ્રશ્ન:– જીવને શરણભૂત કોણ છે?
ઉત્તર:– આ જ્ઞાનજ્યોત જ જગતના જીવોને શરણરૂપ છે. અરે આ સંસારરૂપી રણ–જંગલમાં આમતેમ
ભટકતા જીવોને આ ભેદજ્ઞાનજ્યોતિ સિવાય બીજું કોઈ શરણરૂપ નથી. બહારના શુભાશુભ કાર્યોમાં ઉત્સાહનાં
ક્ષણિક મોજાં તો ક્ષણમાં ઠરી જશે, તેમાં ક્યાંય શરણ નથી. અહો! આ જ્ઞાનજ્યોતિ પરમશાંત અમૃતરસની
ધારાથી ભરેલી છે, તે જ એક આત્માને શરણરૂપ છે.
(૯) પ્રશ્ન:– આ જીવને શું કરવા જેવું છે?
ઉત્તર:– જીવનું સ્વરૂપ જ્ઞાન છે; ને જ્ઞાન જ તેનું કાર્ય છે. તે જ્ઞાનસ્વભાવને ક્રોધાદિ પરભાવોથી ભિન્ન જાણીને
તેમાં જ્ઞાનની એકતા કરવી તે જ કરવા જેવું છે. આ સિવાય દયા–દાનાદિ શુભભાવો કરે તે કાંઈ આત્માનું ખરું કાર્ય નથી,
તેમાં ક્યાંય આત્માને શરણું મળે તેમ નથી. માટે તે રાગાદિથી આત્માનું ભેદજ્ઞાન કરવું તે જ પહેલાંં કરવા જેવું છે.
(૧૦) પ્રશ્ન:– ભેદજ્ઞાનની પ્રવૃત્તિ શું છે?
ઉત્તર:– હું જ્ઞાનસ્વભાવ છું, ને ક્રોધાદિ તે હું નથી એમ જાણીને, જ્ઞાનસ્વભાવમાં જ નિઃશંકપણે પોતાપણે
વર્તવું ને ક્રોધાદિમાં એકપણે–પોતાપણે ન વર્તવું પણ તેનાથી ભિન્નપણે વર્તવું તે ભેદજ્ઞાનની પ્રવૃત્તિ છે.
(૧૧) પ્રશ્ન:– કઈ રીતે ભેદજ્ઞાન થાય છે?
ઉત્તર:– જેમ જ્ઞાન સાથે આત્માને એકતા છે તેમ ક્રોધાદિ સાથે આત્માને એકતા નથી પણ ભિન્તા છે,
માટે તે ક્રોધાદિમાં એકતાબુદ્ધિ છોડવી ને જ્ઞાનસ્વભાવમાં એકતા કરવી. –આ રીતે ભેદજ્ઞાન થાય છે.
(૧૨) પ્રશ્ન:– જીવના સ્વભાવભૂતક્રિયા કઈ છે?
ઉત્તર:– જીવ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનક્રિયા જ તેની સ્વભાવભૂતક્રિયા છે.
(૧૩) પ્રશ્ન:– પરભાવભૂતક્રિયા કઈ છે?
ઉત્તર:– ક્રોધાદિક તે જીવના સ્વભાવરૂપ નહિ હોવાથી ક્રોધાદિક્રિયા તે પરભાવભૂતક્રિયા છે.
(૧૪) પ્રશ્ન:– ભગવાને કઈ ક્રિયાનો નિષેધ નથી કર્યો?
ઉત્તર:– જ્ઞાનક્રિયા તે જીવના સ્વભાવભૂત હોવાથી ભગવાને તે ક્રિયાનો નિષેધ નથી કર્યો; અર્થાત્ ‘હું
જ્ઞાનસ્વરૂપ છું’ એવું ભાન કરીને તેમાં જ્ઞાનની લીનતારૂપ જે જ્ઞાનક્રિયા છે તે ક્રિયા તો મોક્ષનું કારણ છે, તેથી તે
ક્રિયા નિષેધવામાં નથી આવી.
(૧૫) પ્રશ્ન:– તો કઈ ક્રિયા નિષેધવામાં આવી છે?
ઉત્તર:– ક્રોધાદિક્રિયાઓ પરભાવભૂત હોવાથી તે ક્રિયાનો ભગવાને નિષેધ કર્યો છે; અર્થાત્ જ્ઞાનની જેમ
ક્રોધાદિ પરભાવો સાથે પણ એકતા માનીને અજ્ઞાનીજીવ નિઃશંકપણે તે ક્રોધાદિમાં પોતાપણે પ્રવર્તે છે, તે ક્રિયા
સંસારનું કારણ છે તેથી તે ક્રિયા નિષેધવામાં આવી છે.