: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૧૧ :
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ – સોનગઢ
• પ્રથમ શ્રેણીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો •
(છ ઢાળા તથા જૈનસિદ્ધાંત પ્રવેશિકા)
પ્રશ્ન:– (૧) આત્માના ભેદ અને દરેકના પ્રભેદોનું સ્વરૂપ સ્પષ્ટતાથી લખો.
ઉત્તર:– (૧)
આત્માના ત્રણભેદ છે– (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા.
(૧) જે શરીરને જ આત્મા માને છે તથા શરીરની ક્રિયાને પોતાની માને છે તે બહિરાત્મા છે.
(૨) ભેદવિજ્ઞાન દ્વારા આત્માને શરીરાદિથી ભિન્ન જાણે છે તે અંતરાત્મા–સમ્યગ્દ્રષ્ટિ છે. અંતરાત્મા પણ
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના છે. ચોથા ગુણસ્થાનવર્તી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ તે જઘન્ય અંતરાત્મા
છે; સમ્યગ્દર્શન તથા આત્મજ્ઞાન ઉપરાંત વ્રતધારી પંચમગુણસ્થાનવર્તી શ્રાવક, તેમજ બાહ્ય–અંતર પરિગ્રહરહિત
છઠ્ઠા ગુણસ્થાનવર્તી મહાવ્રતધારી મુનિ, તેઓ મધ્યમ અંતરાત્મા છે; અને સાતમા ગુણસ્થાનથી બારમા
ગુણસ્થાન સુધી વર્તતા આત્મધ્યાનમાં લીન શુદ્ધોપયોગી મુનિવરો તે ઉત્તમ અંતરાત્મા છે.
આ ત્રણે પ્રકારના અંતરાત્માઓ મોક્ષમાર્ગે વિચરનારા છે.
(૩) આત્માના પરમ સર્વજ્ઞપદને પામેલા જીવો તે પરમાત્મા છે; તેના બે પ્રકાર છે; એક સકલ
પરમાત્મા, અને બીજા નિકલપરમાત્મા.
શરીરસહિત એવા અરિહંત પરમાત્મા તે સકલ પરમાત્મા છે; તેમને લોકાલોકવર્તી સમસ્ત પદાર્થોને
જાણનારું કેવળજ્ઞાન, તેમ જ કેવળદર્શન અનંતસુખ તથા અનંતવીર્ય એવા ચતુષ્ટય પ્રગટી ગયા છે, તથા
જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિકર્મો ટળી ગયાં છે; ચાર અઘાતિકર્મો બાકી છે. તેઓ કેવળજ્ઞાનાદિ અંતરંગ લક્ષ્મીથી
તથા સમવસરણાદિ બહિરંગ લક્ષ્મીથી સંયુક્ત છે, પરમ ઔદારિક શરીર તેમને હોય છે, પણ ક્ષુધા, તૃષા, રોગ
વગેરે અઢાર મહાદોષો હોતા નથી. તેરમા અને ચૌદમા ગુણસ્થાને વર્તતા આવા અરિહંત ભગવાન તે સકલ
પરમાત્મા છે.
‘ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે,
કૈવલ્ય જ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્હંત છે.’
શરીર રહિત એવા સિદ્ધભગવાન તે નિકલપરમાત્મા છે. તેમને જ્ઞાનાવરણાદિ આઠે કર્મોનો નાશ થઈ
ગયો છે, ને શરીરાદિ નોકર્મ પણ છૂટી ગયા છે. તેઓ લોકાગ્રે શરીરરહિત બિરાજે છે. જ્ઞાન જ તેમનું શરીર છે,
ને સાદિ–અનંત અનંત આત્મિક અતીન્દ્રિયસુખને ભોગવે છે. દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મ રહિત આવા
સિદ્ધપરમાત્મા તે નિકલપરમાત્મા છે.