Atmadharma magazine - Ank 155
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 23

background image
: ૧૯૮ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
નથી; અને અસ્થિરતાનો જે અલ્પરાગ રહે છે તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી માટે તેનો પણ અકર્તા છે. અજ્ઞાની
જીવ પોતાના અકર્તાસ્વભાવને ભૂલીને, પર્યાયની ઊંધાઈથી વિકારના કર્તાપણે પરિણમે છે; પરનું કર્તાપણું તો
અજ્ઞાનીને પણ નથી. પરથી તો આત્મા અત્યંત જુદો છે એટલે તેનું તો કર્તાપણું છે જ નહિ, તેથી પરના
અકર્તાપણાની વાત અહીં નથી લીધી. પણ, અજ્ઞાનદશામાં વિકારનું કર્તાપણું છે તેથી જ્ઞાયકસ્વભાવ બતાવીને તે
વિકારનું અકર્તાપણું આચાર્યદેવ સમજાવે છે. ભાઈ, તારો આત્મા જ્ઞાયકસ્વભાવથી ભરેલો છે, તે કાંઈ વિકારથી
ભરેલો નથી, વિકાર તો તેનાથી બહાર છે, માટે વિકારના અકર્તારૂપ તારો સ્વભાવ છે. –એમ તું સમજ! આવી
અકર્તા–શક્તિને જે સમજે તે વિકારનો કર્તા કેમ થાય? –ક્ષણિક વિકારને જ આત્મા તે કેમ માને? વિકારથી
છૂટીને તેની પર્યાય શુદ્ધજ્ઞાયકસ્વભાવ તરફ વળી જાય છે. અહો! જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં જ્ઞાતા પરિણામ
થઈ ગયા–તે આ શક્તિની ઓળખાણનું ફળ છે.
સ્વભાવદ્રષ્ટિમાં રહેતાં જ્ઞાતાપણે જ પરિણમે છે, અલ્પ વિકાર કહ્યો તેના પણ જ્ઞાતાપણે જ પરિણમે છે,
કર્તાપણે પરિણમતા નથી, તેથી તેને ટાળવાની પણ આકુળતા ધર્મીને નથી, સ્વભાવ તરફના વેદનની મુખ્યતામાં
તેને સમતા અને શાંતિ છે, વિકારથી ઉપરામ પામીને તે આત્મા ઉપશાંત થઈ ગયો છે. “અહો, હું તો
જ્ઞાનસ્વભાવી આત્મા છું, મારા જ્ઞાનમાં પરનું કે વિકારનું કર્તૃત્વ નથી, મારા કર્તૃત્વ વિના જ જગતના કાર્યો થઈ
રહ્યા છે, મારા જ્ઞાતા પરિણામ રાગના પણ કર્તા નથી, મારા જ્ઞાયકભાવ સિવાય સર્વત્ર મારે અકર્તાપણું જ છે”
–એ પ્રમાણે ધર્મી જીવ પોતાની અકર્તૃત્વશક્તિને નિર્મળપણે ઉલ્લસાવે છે. જ્ઞાયકસ્વભાવી આત્માની
અકર્તૃત્વશક્તિ એવી છે કે તેનો સ્વભાવ કદી પણ રાગના કર્તાપણે પરિણમતો જ નથી, અને આવા સ્વભાવ
તરફ ઝૂકેલી પર્યાય પણ રાગના અકર્તાપણે પરિણમી ગઈ છે. આત્માના આવા સ્વભાવને ઓળખ્યા વગર
રાગાદિ વિકારનું કર્તાપણું ટકે નહિ, એટલે કે ધર્મ થાય નહીં. લોકો કહે છે કે ‘નિવૃત્તિ લ્યો...’ –પણ ક્યાંથી
નિવૃત્તિ લેવી છે? પરથી તો આત્મા જુદો જ હોવાથી તેનાથી તો આત્મા નિવર્તેલો જ છે; અનાદિથી ક્ષણે ક્ષણે
વિકારનું પોતાનું સ્વરૂપ માનીને તેમાં પ્રવર્તી રહ્યો છે, તેનાથી નિવર્તવાનું છે. તેની નિવૃત્તિ કેમ થાય? –કે
આત્માનું જ્ઞાયકસ્વરૂપ વિકારથી ત્રિકાળ નિવૃત્ત જ છે એવા સ્વભાવને ઓળખીને તેમાં જે પર્યાય વળી તે પર્યાય
વિકારથી નિવૃત્ત થઈ જાય છે. વિકારથી નિવૃત્ત એવા જ્ઞાયકસ્વભાવનું અવલંબન કરતાં કરતાં સાધકને
પર્યાયમાં નિવૃત્તિ વધતી જાય છે, ક્ષણે ક્ષણે વીતરાગતા વધતાં વધતાં તેને રાગનું સાક્ષાત્ અકર્તાપણું થઈ જાય
છે. આ રીતે અનેકાન્તસ્વરૂપ આત્માને ઓળખતાં મુક્તિ થાય છે.
વસ્તુના અનેકાન્તસ્વરૂપને ભૂલીને એકાંતમાર્ગે ચડી ગયેલા અજ્ઞાની જીવને આત્માની શક્તિઓની
ઓળખાણ દ્વારા અનેકાન્તમય આત્મસ્વરૂપ બતાવીને મોક્ષમાર્ગે લઈ જાય છે. અરે જીવ! તારા આત્મામાં
જ્ઞાનની સહચારિણી અનંતશક્તિઓ એક સાથે છે, અનંતશક્તિથી ભરેલા તારા જ્ઞાનમૂર્તિ આત્માને શ્રદ્ધા–
જ્ઞાનમાં લે તો પર્યાયમાં અનંત શક્તિનું નિર્મળ પરિણમન થતાં થતાં મુક્તિ થાય; ને વિકાર સાથે એકપણાની
તારી એકાંતબુદ્ધિ છૂટી જાય.
ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ આત્માનો સ્વભાવ જ્ઞાન–દર્શન–આનંદ છે, વિકાર કરવાનો તેનો સ્વભાવ નથી,
તેથી સમસ્ત વિકારીભાવોને કર્મથી કરવામાં આવેલા કહીને જ્ઞાયકસ્વભાવમાં તેનું અકર્તાપણું બતાવ્યું છે, એ
રીતે શુદ્ધ જ્ઞાયકઆત્માની દ્રષ્ટિ કરાવી છે. જે જીવ શુદ્ધ જ્ઞાયક–આત્માની દ્રષ્ટિ કરે તેને જ આ અકર્તૃત્વ વગેરે
શક્તિઓનું ખરું સ્વરૂપ સમજાય છે. જેવી શુદ્ધ શક્તિ છે તેવો નમૂનો પર્યાયમાં આવે તો જ શક્તિની સાચી
ઓળખાણ થઈ છે.
પર્યાયમાં વિકારીભાવ જીવ પોતે કરે છે, કાંઈ કર્મો નથી કરાવતું; પરંતુ જેની દ્રષ્ટિ શુદ્ધઆત્મા ઉપર છે તે
શુદ્ધઆત્માથી વિરુદ્ધ એવા વિકારીભાવનો કર્તા થતો નથી; જેની દ્રષ્ટિ શુદ્ધઆત્મા ઉપર નથી પણ કર્મ ઉપર જ
જેની દ્રષ્ટિ છે તે જ વિકારમાં એકત્વબુદ્ધિ વડે તેનો કર્તા થાય છે. કર્મની દ્રષ્ટિમાં જ તે વિકારનું કર્તાપણું છે માટે
તેને કર્મકૃત કહ્યા. સ્વભાવદ્રષ્ટિમાં તેનું કર્તાપણું નથી માટે સ્વભાવદ્રષ્ટિવાળો આત્મા તેનો અકર્તા જ છે.