: ૨૨૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
ચિત્તને ધર્મમાં જોડ ને!
ધર્મી જીવને પુણ્યના પ્રતાપે સહેજે લક્ષ્મી વગેરે મળી હોય તેને તે પાત્રદાન–યાત્રા–મહોત્સવ–
જિનબિંબ–પ્રતિષ્ઠા વગેરે પુણ્યકાર્યોમાં લગાવે છે. પણ ‘ખરચવા માટે હું લક્ષ્મી મેળવું’ એમાં તો
મમતાનું પોષણ છે; જો ખરેખર રાગની મંદતા હોય તો જે મળેલું છે તેમાંથી મમતા ઘટાડ ને!
જેમ કોઈ જીવ એમ માને કે ‘કેવળી ભગવાને અનંત ભવ દીઠા હશે તો એક પણ ભવ ઘટશે
નહિ’–તો એમ કહેનારની દ્રષ્ટિ ભવ ઉપર અને ભવના કારણરૂપ વિકાર ઉપર જ પડી છે, પણ
કેવળજ્ઞાનના કારણરૂપ જ્ઞાયકસ્વભાવ ઉપર તેની દ્રષ્ટિ નથી, તે કેવળી ભગવાનનું નામ લઈને પણ
માત્ર ઊંધી દ્રષ્ટિને જ પોષી રહ્યો છે. તેમ જે જીવ એમ કહે છે કે “ભવિષ્યમાં દાનાદિ વડે પુણ્ય કરવા
માટે અત્યારે હું લક્ષ્મી મેળવી લઉં”–તો તે પણ પુણ્યના બહાને માત્ર મમતા જ પોષી રહ્યો છે, તેને
ખરેખર લક્ષ્મી ઉપરનો લોભ ઘટયો જ નથી. પાંચ લાખ મળ્યા છે એને વધારીને દસ લાખ કરું ને
પછી દાનમાં વાપરશું–એમ કહે છે, તો હે મૂઢ! અત્યારે પાંચ લાખ છે તેમાંથી તો એક લાખની
મમતા ઘટાડ! મમતા તો ઘટાડવી નથી ને ભવિષ્યમાં પુણ્ય કરવાની ઓથ લઈને તું ઊલટો મમતા
વધારે છે, તે તો તારો અવિવેક છે.
પ્રશ્ન:– લક્ષ્મી ભેગી કરવા પાછળ અમારો ભાવ તો એવો છે કે પછી ધર્માદામાં વાપરશું, એટલે
અમારી તો શુદ્ધવૃત્તિ છે!
ઉત્તર:–લક્ષ્મી વગેરે રળવાનો ભાવ પાપવૃત્તિ વગર આવે જ નહિ. શુદ્ધવૃત્તિ હોય તો લક્ષ્મી
વગેરે મેળવવાનો ભાવ હોય જ નહિ. જેમ નદીમાં પાણીનું પૂર આવે તેમાં ચારે કોરનો મેલ પણ
ભેગો જ આવે, તેમ લક્ષ્મીના ઢગલા ભેગા કરવાની વૃત્તિમાં પાપભાવ રહેલો જ છે. જો પાપનો
ભાવ પણ ન હોય–લોભકષાય ન હોય–તો, આત્માના હિત ખાતર તો ઉદ્યમ કેમ નથી કરતો? ને
લક્ષ્મી મેળવવા ખાતર કેમ ઉદ્યમ કરે છે? લક્ષ્મી ભેગી કરવા માટે ઉદ્યમ કરે છે–દિનરાત તેમાં
ઉપયોગ તો જોડે છે અને છતાં કહે છે કે અમને પાપભાવ નથી–તો તે તારી દુર્બુદ્ધિ છે. માટે હે ભાઈ!
સંતો તને હિતનો ઉપદેશ આપે છે કે આવો અવતાર મળ્યો તો હવે તારી બુદ્ધિને આત્માના
હિતકાર્યમાં જોડ....કાંઈક નિવૃત્તિ લઈને ચૈતન્યસ્વભાવ તરફનું વલણ કર...જેથી તારું હિત થાય.
તારા જીવનની એકેક ક્ષણ લાખેણી જાય છે, આત્માના હિત માટે તેનો ઉપયોગ કરીને તેને સફળ
બનાવ. જો ચૈતન્યના હિતની દરકાર ન કરી ને લક્ષ્મી ભેગી કરવામાં જ જીવન વીતાવ્યું તો તારો
આ અવતાર એળે ચાલ્યો જશે... ને સંસારમાં ફરીને અનંતકાળેય આવો અવસર નહિ મળે. આ
હિતનો મહા મોંઘો અવસર આવ્યો છે, માટે સાવધાન થઈને તારા હિતનો ઉદ્યમ કર.
ઈષ્ટોપદેશના પ્રવચનમાંથી.