Atmadharma magazine - Ank 157
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૨૨૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૨ : આસો :
વિચાર પણ કરતો નથી.
અજ્ઞાની જીવ લક્ષ્મી વગેરે સામગ્રીમાં સુખ માને છે, અને લક્ષ્મી વગેરે મેળવવા પાછળ
કાળ ગુમાવે છે. લક્ષ્મી કેમ મળે અને કેમ વધે–એની જ ચિંતામાં જીવન વિતાવે છે. પણ લક્ષ્મી
પાછળ આ મનુષ્ય જીવનનો મોંઘો કાળ ચાલ્યો જાય છે–તેની તેને દરકાર નથી; એટલે
મનુષ્યજીવન કરતાં પણ તેને લક્ષ્મીની તૃષ્ણા તીવ્ર છે; લક્ષ્મી ખાતર જીવન ગુમાવી દ્યે છે, પણ
એટલો વિચાર નથી કરતો કે અરે! આ જીવન તો ચાલ્યું જાય છે, મેં મારું હિત શું કર્યું? મારું
હિત કેમ થાય–એવો ઉપાય કરું.
લક્ષ્મી વગેરે વિષયોની મમતા આડે મૂઢ જીવને કાંઈ સંકટ દેખાતું નથી. દસ વરસમાં દસ
લાખ રૂપિયા વધી ગયા–એમ દેખે છે,–પણ જીવનના દસ વર્ષ નકામા ચાલ્યાં ગયાં–એ એને
સૂઝતું નથી. વર્તમાન સગવડતાના પ્રેમ આડે એવો મૂર્છાઈ ગયો છે કે માથે અનંત
જન્મમરણનાં દુઃખો ઝઝૂમી રહ્યા છે–તેને દેખતો નથી. જેમ ચારે બાજુ ઘેરાયેલા ઘોર વનમાં
આગ લાગી હોય, વચ્ચે એક ઊંચા ઝાડ ઉપર ચડીને કોઈ માણસ તે જોતો હોય, ચારે કોર
સસલાં ને હરણિયાં વગેરે જીવો અગ્નિમાં ભળભળ કરતાં બળતાં હોય, ત્રાસથી ભયભીત જીવો
ચારે કોર દોડતા હોય...ત્યાં ઝાડ ઉપર બેઠેલો માણસ એમ વિચારે કે આ જંગલમાં બધા જીવો
આપદામાં છે.–એમ બીજાની આપદા દેખે છે પણ પોતાની આપદા દેખતો નથી. ચારે કોરથી વન
સળગતું સળગતું આવી રહ્યું છે ને હમણાં આ ઝાડને ભસ્મ કરી નાંખશે–એમ પોતાના ઉપર
આવી રહેલા સંકટને દેખતો નથી ને તેનાથી બચવાનો ઉપાય કરતો નથી. તેમ આ સંસારરૂપી
વન જન્મ–જરા–મરણનાં દુઃખોથી ચારે બાજુ સળગી રહ્યું છે, સંયોગ–વિયોગ ઉપરના રાગ–
દ્વેષથી જીવો દુઃખી દુઃખી થઈ રહ્યા છે...ત્યાં મૂઢ જીવ બીજાને લક્ષ્મી વગેરેનો વિયોગ થતો નજરે
જુએ છે, બીજાને મરતાં નજરે જુએ છે, એ રીતે બીજાના દુઃખને દેખે છે, પણ એવા જ દુઃખ
પોતાના ઉપર ઝઝૂમી રહ્યા છે.–તેને તે દેખતો નથી. લક્ષ્મી વગેરેના સંયોગથી પોતાને સુખી
માની બેઠો છે, તેને દુઃખ ભાસતું નથી. એવા જીવને સંબોધીને શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે
“લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ
નય ગ્રહો? વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ
તમને હવો.”
અરે જીવ! એક ક્ષણ વિચાર તો કર કે “હું જ્ઞાન–સ્વરૂપ આત્મા છું; બહારની કોઈ
ચીજથી મારું વધવાપણું નથી. સંયોગોની વૃદ્ધિથી મારી વૃદ્ધિ નથી, સંયોગી ચીજો જ મારાથી
જુદી છે. મારી વૃદ્ધિ તો મારા જ્ઞાન ને આનંદથી છે.” સંયોગના વધવાથી આત્માનું વધવાપણું
માનવું તે તો મનુષ્યદેહને હારી જવા જેવું છે.–ભાઈ! એક ક્ષણ અંતરમાં આવો વિચાર તો કર.
તારા જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે આ સંયોગો એકમેક નથી. કાં તો તારા જીવતાં જ તને
છોડીને એ ચાલ્યા જશે, અને કાં તો મરણ ટાણે તું છોડીને ચાલ્યો જઈશ. માટે તેનાથી
ભિન્નતાનું ભાન કર. લક્ષ્મી–શરીર–સ્ત્રી આદિ સંયોગમાં સુખની માન્યતા છોડી દે, ને સુખ તો
મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ છે–એવી પ્રતીત કર. અંતરમાં સંયોગથી ભિન્નતાનો વિચાર કર
કે મારો આત્મા બધાયથી જુદો, એકલો જન્મ્યો ને એકલો મરશે, સંસારમાં પણ એકલો જ
રખડે છે ને સિદ્ધિ પણ એકલો જ પામે છે. આમ ભિન્નતાનું