: ૧૨ : આત્મધર્મ : ૧૫૮
મહાન ગ્રંથો રચ્યા છે. તેમની અગાધ બુદ્ધિને લીધે યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે. તેઓ
મહાબ્રહ્મચારી તેમજ વિશિષ્ટ ઋદ્ધિઓના ધારક હતા. એવા મહાન આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામીએ રચેલ આ
સમાધિતંત્ર અથવા સમાધિશતક આજે શરૂ થાય છે. તેનું મંગલાચરણ–
સકલ વિભાવ અભાવકર કિયા આત્મકલ્યાણ,
પરમાનંદ–સુબોધમય, નમું સિદ્ધ ભગવાન.
આત્મસિદ્ધિ કે માર્ગકા, જિસમેં સુગમ વિધાન,
ઉસ સમાધિયુત તંત્રકા, કરું સુગમ વ્યાખ્યાન.
આત્માની અવસ્થામાં જે મોહ–રાગ–દ્વેષના ભાવો છે તે વિભાવ છે, તેમાં અસમાધિ છે; આત્માના
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સમાધિ વડે તે સકલ વિભાવનો અભાવ કરીને જેઓ સિદ્ધ થયા તે
સિદ્ધભગવંતોને હું નમસ્કાર કરું છું. સિદ્ધભગવાન કેવા છે? પરમ આનંદ અને જ્ઞાનમય છે, પોતાનું
આત્મકલ્યાણ કર્યું છે, અને સમસ્ત વિભાવનો અભાવ કર્યો છે.
આવા સિદ્ધભગવાનને ઓળખીને અહીં તેમને નમસ્કાર કર્યા છે. –કઈ રીતે? કે જેવા સિદ્ધભગવાન છે
તેવી જ તાકાત મારા આત્મામાં છે–એમ સિદ્ધસમાન પોતાના આત્માને પ્રતીતમાં લઈને સિદ્ધભગવાનને
નમસ્કાર કર્યા છે. નાટક–સમયસારમાં કહે છે કે–
“ચેતનરૂપ અનુપ અમૂરત સિદ્ધસમાન સદા પદ મેરો” સિદ્ધભગવાન જેવા પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ
મારા આત્મામાં ભર્યા છે, –એવા સિદ્ધસમાન આત્માને પ્રતીતમાં લેવો તે સિદ્ધ થવાનો માર્ગ છે, ને તે જ
સિદ્ધભગવાનને પરમાર્થ નમસ્કાર છે, તે અપૂર્વ માંગળિક છે.
એ રીતે માંગળિકરૂપે સિદ્ધભગવાનને નમસ્કાર કરીને, જેમાં આત્મસિદ્ધિના માર્ગનો સહેલો ઉપાય
બતાવ્યો છે એવા આ સમાધિતંત્રના વ્યાખ્યાનનો પ્રારંભ કરવામાં આવે છે.
શાસ્ત્રકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી, મોક્ષના ઈચ્છુક ભવ્ય જીવોને મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ
બતાવવાની ઈચ્છાથી, શાસ્ત્રની નિર્વિઘ્ન સમાપ્તિ વગેરે ફળની ઈચ્છા કરતા થકા વિશિષ્ટ ઈષ્ટદેવ શ્રી
સિદ્ધભગવાનને નમસ્કાર કરે છે: જુઓ, સૌથી પહેલાંં તો મોક્ષાર્થી જીવની વાત લીધી છે; જે જીવ મોક્ષાર્થી છે...
આત્માર્થી છે... ‘હું કોણ છું ને મારું હિત કેમ થાય?’ એમ જેને આત્માના હિતની જિજ્ઞાસા જાગી છે–એવા
જીવને મોક્ષનો ઉપાય બતાવવા માટે આ શાસ્ત્રનો ઉપદેશ છે. ‘કામ એક આત્માર્થનું’ –એટલે જેને એક
આત્માર્થની જ ભાવના છે, બીજી કોઈ ભાવના નથી, આત્માનો જ અર્થી થઈને શ્રીગુરુ પાસે હિતનો ઉપાય
સમજવા આવ્યો છે ને પૂછે છે કે પ્રભો! આ આત્માને શાંતિ કેમ થાય? આ આત્માનું હિત કેમ થાય? એવા
આત્માર્થી જીવને આ આત્માના મોક્ષનો ઉપાય આચાર્યદેવ બતાવે છે.
જેને લક્ષ્મી કેમ મળે કે સ્વર્ગ કેમ મળે–એવી ભાવના નથી પણ આત્માના હિતની ભાવના છે તે જિજ્ઞાસુ
થઈને શ્રી આચાર્યદેવ પાસે તેનો ઉપાય સમજવા આવ્યો છે. લક્ષ્મીમાં કે સ્વર્ગના વૈભવમાં આત્માનું સુખ નથી.
જો તેમાં સુખ હોત તો ઈન્દ્રો અને રાજાઓ પણ મુનિઓના ચરણની સેવા કેમ કરત? મુનિવરો પાસે તો લક્ષ્મી
વગેરે નથી, અને ઈન્દ્ર પાસે તો ઘણો વૈભવ છે, છતાં તે ઈન્દ્ર પણ મુનિના ચરણે નમસ્કાર કરે છે. તે ઉપરથી
એમ નક્કી થયું કે લક્ષ્મી વગેરેમાં સુખ નથી; અને લક્ષ્મી વગેરેની જેને ભાવના છે તેને આત્માના હિતની
ભાવના નથી. અહીં તો બીજી બધી રુચિ છોડીને એક આત્માના હિતની જ જેને ભાવના છે એવા મુમુક્ષુ જીવને
આચાર્યદેવ આત્માના હિતનો ઉપાય બતાવે છે.
તેમાં મંગલાચરણરૂપે ઈષ્ટ તરીકે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે–
येनात्माऽबुद्धयतात्मैव परत्वेनैव चापरम्।
अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः।। १।।
જેમના દ્વારા આત્મા આત્મારૂપે જણાય છે અને પર પરરૂપે જણાય છે, તથા જેઓ અક્ષયઅનંતબોધ
સ્વરૂપ છે એવા સિદ્ધ–આત્માને અમારા નમસ્કાર હો.
હે સિદ્ધ પરમાત્મા! આપે આત્માને આત્મારૂપે જાણ્યો છે ને પરને પરરૂપે જાણ્યા છે, અને એ રીતે
જાણીને આપ અક્ષયઅનંતબોધસ્વરૂપ થયા છો, તેથી એવા પદની પ્રાપ્તિ અર્થે હું આપને નમસ્કાર કરું છું.