: માગશર: ૨૪૮૩ : ૧૩ :
જુઓ, આ મંગલાચરણ!! મંગલાચરણમાં સિદ્ધભગવાનને યાદ કર્યાં છે. સિદ્ધભગવાનને જાણતાં આ
આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપે જણાય છે, ને સિદ્ધભગવાનથી જુદું એવું બધુંય પરરૂપે જણાય છે.
જુઓ, આમાં બધા શાસ્ત્રોનું ભણતર આવી ગયું. ‘આ આત્માનો સ્વભાવ સિદ્ધભગવાન જેવો છે, જેવો
સિદ્ધભગવાનનો આત્મા છે તેવો મારો આત્મા છે, ને તે સિવાય જે રાગાદિ છે તે મારા આત્માનો સ્વભાવ
નથી’ આવી ઓળખાણ કરવી તે બધા શાસ્ત્રોનો સાર છે.
હે સિદ્ધ પરમાત્મા! આપ કેવળજ્ઞાનની મૂર્તિ છો, પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છો, ને રાગરહિત છો; એવો જ
મારા આત્માનો સ્વભાવ છે. –આ પ્રમાણે સિદ્ધભગવાનને ઓળખતાં તેવો પોતાનો આત્મસ્વભાવ જાણ્યો એટલે
તેણે પોતાના આત્મામાં જ સિદ્ધભગવાનને ઊતારીને, અંતર્મુખ થઈને સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા.
नमो सिद्धाणं–સિદ્ધભગવંતોને નમસ્કાર હો. કેવા સિદ્ધ ભગવાન? કે જેને રાગાદિ નથી ને પરિપૂર્ણ
કેવળજ્ઞાન છે; આમ સિદ્ધના આત્માને જાણતાં રાગ રહિત ને જ્ઞાન સહિત એવો આત્મા જણાય છે. સિદ્ધનો
આત્મા શુદ્ધ છે, તેથી તેને જાણતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાય છે, ને સ્વપરનું ભેદજ્ઞાન થાય છે. જેણે આવું
ભેદજ્ઞાન કર્યું તેણે સિદ્ધભગવાનને પરમાર્થ નમસ્કાર કર્યા.
સિદ્ધમાં જે છે તે સ્વ;
સિદ્ધમાં જે નથી તે પર.
આ રીતે સિદ્ધભગવાનને જાણતાં સ્વ–પરનું ભેદજ્ઞાન થાય છે; માટે મંગલાચરણમાં સિદ્ધભગવાનને
નમસ્કાર કર્યા છે. આ રીતે સિદ્ધભગવાન જેવા શુદ્ધ આત્માનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન છે, ને તે પહેલો
અપૂર્વ ધર્મ છે.
અહો! જુઓ આ આદર્શ!! આત્માના આદર્શરૂપે સિદ્ધને સ્થાપ્યા, ને બીજું બધું લક્ષમાંથી કાઢી નાંખ્યું.
જેને આવું લક્ષ છે તેણે જ સિદ્ધને નમસ્કાર કર્યા છે. જેણે સિદ્ધનો વિનય કર્યો તે રાગનો આદર કરતો નથી,
અને જે રાગનો આદર કરે છે તેણે રાગરહિત એવા સિદ્ધભગવાનનો આદર ખરેખર કર્યો નથી. આત્માનું શુદ્ધ
સ્વરૂપ અને રાગાદિ એ બંનેના ભેદજ્ઞાન વગર સિદ્ધભગવાનને ખરેખર ઓળખી શકાય નહિ. જેણે
સિદ્ધભગવાનને ઓળખ્યા તેણે પોતાના શુદ્ધ સ્વભાવને સિદ્ધસમાન જાણ્યો ને રાગને સ્વભાવથી ભિન્ન જાણ્યો.
એ રીતે રાગથી પાછો ફરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં નમ્યો તેણે સિદ્ધને ખરા નમસ્કાર કર્યાં.
સિદ્ધભગવાનને કદી કોઈ સંયોગમાં રાગાદિ થતા નથી. જે જીવ રાગને ભલો (ઈષ્ટ) માને છે તેણે
રાગરહિત એવા સિદ્ધને ખરેખર ઈષ્ટ નથી માન્યા. સિદ્ધભગવાનને ઈષ્ટ માનનાર પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને
જ ઈષ્ટ માનીને તે તરફ જ નમે છે–તેનો જ આદર કરે છે, રાગનો આદર તે કરતો નથી. સિદ્ધભગવાનને જાણતાં
આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને જાણે છે, તેથી માંગળિકમાં સિદ્ધભગવાનને નમસ્કાર કર્યાં છે.
સમયસારના માંગળિકમાં પણ वदित्तु सव्वसिद्धे કહીને કુંદકુંદાચાર્યદેવે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા
છે, –કેમકે સિદ્ધભગવંતો શુદ્ધ આત્માના પ્રતિચ્છંદના સ્થાને છે તેથી તેમના સ્વરૂપને જાણતાં શુદ્ધઆત્માનું સ્વરૂપ
જણાય છે; એ જ રીતે અહીં પૂજ્યપાદસ્વામીએ પણ સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે. “જે સિદ્ધનું સ્વરૂપ તે
મારું સ્વરૂપ; અને જે સિદ્ધના સ્વરૂપમાં નહિ તે મારું સ્વરૂપ નહિ” –આ પ્રમાણે સિદ્ધને ઓળખતાં સ્વ–પરનું
ભેદજ્ઞાન થાય છે, તે અપૂર્વ મંગળ છે.
(વર સ. ૨૪૮૨, વશખ વદ બજ)
આત્મા જ્ઞાન–આનંદસ્વરૂપ છે, તેની શ્રદ્ધા કરીને તેમાં લીન થતાં નિર્વિકલ્પ શાંતિ થાય તેનું નામ
સમાધિ છે. આ સમાધિ તે મોક્ષનો ઉપાય છે, ને તેનું ફળ મોક્ષ છે.
અહીં, ગ્રંથકર્તાને તેમજ શ્રોતાઓને આત્માની મુક્તિની અભિલાષા છે, તેથી મુક્તિ પામેલા એવા
સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા છે. આ મંગલાચરણના શ્લોકમાં મોક્ષમાર્ગનું તેમજ મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે.
સિદ્ધ ભગવાનને જાણતાં ‘આત્મા આત્મારૂપે જણાય છે ને પર પરરૂપે જણાય છે’ –આવું ભેદજ્ઞાન તે મોક્ષનો
ઉપાય છે અને પરિપૂર્ણ જ્ઞાન ને આનંદરૂપ દશા પ્રગટે તે મોક્ષ છે.