Atmadharma magazine - Ank 158
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
: ૧૬ : આત્મધર્મ : ૧૫૮
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
* (૨૩) નષ્ક્રયત્વ શક્ત *
આત્મા જ્ઞાનમાત્ર છે, તે જ્ઞાનમાત્ર આત્મામાં સ્વયમેવ અનેકાન્ત પ્રકાશે છે, એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા
સ્વયમેવ અનંત ધર્મોવાળો છે. આવા અનેકાન્તમય આત્માની પ્રસિદ્ધિ કઈ રીતે થાય? –તેનો અનુભવ કઈ રીતે
થાય? –તેનું આ વર્ણન છે. શરૂઆતમાં આચાર્યદેવે કહ્યું છે કે જ્ઞાનલક્ષણવડે આત્માની પ્રસિદ્ધિ થાય છે. આત્મા
તરફ ન વળતાં એકલા પર જ્ઞેયો તરફ જ જે જ્ઞાન વળે તે જ્ઞાનમાં આત્માની પ્રસિદ્ધિ થતી નથી, તેથી તે
મિથ્યાજ્ઞાનને આત્માનું લક્ષણ પણ કહેતા નથી; અંતરમાં વળીને આત્માને લક્ષિત કરે તે જ્ઞાનમાં આત્માનો
પ્રસિદ્ધ અનુભવ થાય છે, ને તે જ્ઞાન જ ખરેખર લક્ષણ છે. આવા જ્ઞાનલક્ષણને મુખ્ય કરીને આત્માને જ્ઞાનમાત્ર
કહ્યો, ત્યાં શિષ્યને પ્રશ્ન થયો કે–પ્રભો! આત્મામાં અનંતધર્મો હોવા છતાં આપ તેને ‘જ્ઞાનમાત્ર’ કેમ કહો છો?
જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત નથી થતો? તેના સમાધાનમાં આચાર્યદેવે કહ્યું કે: અનંતધર્મોવાળા આત્માને
જ્ઞાનમાત્ર કહેવા છતાં એકાંત નથી થતો, કેમ કે આત્માના જ્ઞાનમાત્ર ભાવની સાથે જ અનંત શક્તિઓ પરિણમે
છે તેથી તે જ્ઞાનમાત્ર ભાવને સ્વયમેવ અનેકાન્તપણું છે.
તે જ્ઞાનમાત્ર ભાવની સાથે પરિણમતી–ઉલ્લસતી શક્તિઓનું આ વર્ણન ચાલે છે. આચાર્યદેવે ૪૭
શક્તિઓ વર્ણવી છે, તેમાંથી ૨૨ શક્તિઓનું વિવેચન થઈ ગયું છે. હવે ૨૩ મી નિષ્ક્રિયત્વ–શક્તિ છે. “સમસ્ત
કર્મના ઉપરમથી પ્રવર્તેલી આત્મપ્રદેશોની નિષ્પંદતા સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિ છે.” જ્ઞાનમાત્ર આત્મામાં આવી
પણ એક શક્તિ છે.
આત્માના પ્રદેશોમાં હલન–ચલનરૂપ ક્રિયા થાય તે યોગ છે, તે ક્રિયાના નિમિત્તે કર્મો આવે છે; પણ તે
કર્મો કે પ્રદેશોના કંપનરૂપ ક્રિયા આત્માનો સ્વભાવ નથી; આત્માનો સ્વભાવ તો સ્થિર–અકંપ રહેવાનો છે.
અકંપ સ્વભાવી આત્મા શરીરને હલાવેચલાવે કે કર્મો આવવામાં નિમિત્ત થાય–એ વાત ક્યાં રહી?
સ્વભાવદ્રષ્ટિમાં તો આત્મા કર્મને નિમિત્ત પણ નથી. આત્માના સ્વભાવમાં એવી કોઈ શક્તિ નથી કે જડ
શરીરાદિકને હલાવે, કે કર્મોને ખેંચે. શરીરનું હાલવું–ચાલવું–બોલવું–ખાવું વગેરે ક્રિયાઓ આત્મા સાથે મેળવાળી
લાગે, ત્યાં અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે “મારાથી આ ક્રિયા થાય છે,” –આત્માના અકંપ સ્વભાવની તેને
ખબર નથી. ભાઈ, શરીરાદિ ક્રિયા તો સ્વયં જડની શક્તિથી થાય છે, તેનો તો તું કર્તા નથી; પણ તારા
આત્મપ્રદેશોમાં જે કંપન થાય તે પણ તારું ખરું સ્વરૂપ નથી, નિષ્ક્રિય એટલે કે અડોલ–સ્થિર–અકંપ રહેવાનો
તારો સ્વભાવ છે.