Atmadharma magazine - Ank 158
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
: માગશર: ૨૪૮૩ : ૧૯ :
(અનુસંધાન પૃષ્ઠ ૧૦ થી શરૂ)
જગતની બધી પ્રતિકૂળતાને ભૂલી જાય છે, માટે જ્ઞાનીનો ઉપદેશ છે કે ‘તું તને ઓળખ.’
કોઈનું શરીર કૃશ હોય છતાં બુદ્ધિ ઘણી હોય, કોઈને શરીર સ્થૂળ હોય છતાં બુદ્ધિ થોડી હોય; તે એમ
સૂચવે છે કે શરીર અને બુદ્ધિ ભિન્ન ભિન્ન વસ્તુ છે. બુદ્ધિ એ તો આત્માનું જ્ઞાન છે, ને શરીર તો જડ છે. આમ
દેહાદિથી ભિન્ન આત્માને ઓળખીને અનંત જીવો પરમાત્મા થયા... જે પોતાના આવા આત્માને ઓળખે તે
પરમાત્માની પંક્તિમાં બેઠો કહેવાય.
પ્રભો! તું કોણ છો? –કે આત્મા; ક્યાંથી થયો? –કે અનાદિનો જ છો;
શું તારું સ્વરૂપ છે? –કે જ્ઞાન ને આનંદ જ તારું સ્વરૂપ છે.
આવા જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા સિવાય બીજા કોઈ સાથે તારે સંબંધ નથી. આવા આત્માને જાણવો
તે જ સુખનો ઉપાય છે. બીજા લાખ ઉપાયથી પણ સુખ થતું નથી. જીવો સુખ તો ઈચ્છે છે પણ સુખના
વાસ્તવિક ઉપાયને જાણતા નથી. જુઓ, આ સુખનો ઉપાય કહેવાય છે. દુનિયામાં સારામાં સારી આ વાત છે.
દુનિયામાં સારામાં સારી ઉત્તમ ચીજ હોય તો તે જ્ઞાન–આનંદ–સ્વરૂપ આત્મા જ છે; દુનિયાના જીવો સારામાં
સારી ચીજ લેવા માગે છે, દુનિયામાં સારામાં સારી વસ્તુ એવો જે આત્મા, તેની પ્રાપ્તિ (અનુભવ) કેમ થાય
તેની આ વાત છે.
જેઓ ભગવાન થયા તેઓ કહે છે કે: અહો આત્મા! તારું સ્વરૂપ વીતરાગ અકષાયી શાંત... શાંત છે...
તારો આત્મા ઉપશાંત ભાવથી ભરેલો છે. એક વાર સત્સમાગમે તેનો મહિમા તો જાણ! “આ સારું... આ સારું”
એમ બીજી ચીજને સારી માનનારો તું પોતે જ સારો છો કે નહિ? તારામાં કાંઈ સારાપણું છે કે નહિ? તેને તો તું
ઓળખ! આત્મા જ ઉત્તમ છે. આત્માની પાસે પુણ્યનાં ફળરૂપ ઈન્દ્રપદ પણ તુચ્છ છે. વીતરાગનો ભક્ત પુણ્યના
ફળની ભાવના ભાવતો નથી. ઈન્દ્રો પાસે પુણ્યના ફળના ઢગલા હોવા છતાં તે વીતરાગી મુનિનો આદર કરે છે
કે અહો! ધન્ય ધન્ય! મુનિરાજ!! આપના ચરણકમળમાં મારા નમસ્કાર છે! આ રીતે ધર્માત્મા પુણ્યને કે
પુણ્યના ફળને ઉત્તમ નથી માનતો પણ આત્માના ધર્મને જ ઉત્તમ માને છે. આ રીતે આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને
પ્રતીતમાં લઈને તેનું જે બહુમાન કરે છે તેણે જ વીતરાગને ખરેખર નમસ્કાર કર્યા છે. આવું સમજીને જે
વીતરાગને એક વાર પણ નમ્યો તેને અનંત અવતારનો નાશ થઈ જાય છે.
હે નાથ! હું મારા આત્મામાંથી રાગાદિની પ્રીતિ છોડીને વીતરાગ સ્વભાવનો આદર કરું છું, અને
વીતરાગતાને પામેલા એવા આપનું બહુમાન કરું છું. –આ રીતે ધર્માત્મા પરમાત્માને નમસ્કાર કરે છે.
ભગવાનને નમસ્કાર કરતાં ધર્માત્મા કહે છે કે–હે ભગવાન! જેવા આપ છો તેવો જ હું છું, આપની જાતનો જ હું
છું–એવી ઓળખાણ કરીને હું આપની પંક્તિમાં આવું છું... હું પણ પરમાત્મા થવા માટે આપના પગલે પગલે
આવું છું.
આત્માની ઓળખાણ કરવાનો ઉપદેશ
જેઓ વનજંગલમાં વસતા હતા ને આત્માના આનંદનું શોધન કરીને તેના વેદનમાં જિંદગી ગાળતા
હતા એવા મુનિરાજ કહે છે કે: “અહો! અમને અમારું ચૈતન્યપદ જ પરમપ્રિય છે. ચૈતન્યસ્વરૂપના
આનંદની વાર્તા સાંભળવા માટે દેવો પણ તલસે છે. ચૈતન્યસ્વરૂપની સમજણ જ અનંત
જન્મમરણના દુઃખોથી જીવની રક્ષા કરનાર છે. દેવો પણ મનુષ્ય અવતારને ઝંખે છે કે ક્યારે મનુષ્ય
થઈને અમે અમારી મુક્તિને સાધીએ ને આ ભવચક્રમાંથી આત્માને છોડાવીએ! આ રીતે દેવોને પણ
પ્રિય એવો મનુષ્ય અવતાર પામેલા હે દેવાનુપ્રિય! દેહથી ભિન્ન તારું જ્ઞાનાનંદસ્વરૂપ છે તેનો તું
વિચાર કર... આ આત્માની ઓળખાણ વગર આ ભવચક્રમાંથી ઊગરવાનો બીજો કોઈ આરો નથી.