Atmadharma magazine - Ank 158
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
: ૨૦ : આત્મધર્મ : ૧૫૮
કારતક વદ એકમના રોજ પાટણા ગામાં પૂ. ગુરુદેવનું પ્રવચન
આત્મ–ધર્મની આ વાત છે. વિષય અંતરનો જરાક સૂક્ષ્મ છે, પણ મોંઘા કાળે આ મનુષ્ય અવતાર મળ્‌યો
તેમાં આ સમજવા જેવું છે. અનંત અનંત કાળથી આ આત્મા અજ્ઞાનને લીધે ભવચક્રમાં રખડી રહ્યો છે. હવે
આવો મનુષ્ય અવતાર પામીને પણ જો ભવચક્રનો આંટો ન ટળે–તો મનુષ્ય ભવ પામીને હે જીવ! તેં શું કર્યું?
શ્રીમદ્ રાજચંદ્રજી માત્ર સોળ વર્ષની વયે કહે છે કે–
“બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્‌યો, તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?”
ભાઈ! તારા આત્માને ભૂલીને બહારમાં ક્યાંય રંચમાત્ર પણ સુખ માનતાં તારું વાસ્તવિક સુખ ટળી
જાય છે. વાસ્તવિક સુખ તારા આત્મામાં છે. પણ આત્માના ભાન વગર તું ક્ષણે ક્ષણે સંસારમાં ભાવમરણ કરી
રહ્યો છે. તે ભાવમરણ કઈ રીતે ટળે–તેનો વિચાર કર.
શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે સાત આઠ વર્ષના બાળક હતા ત્યારે વવાણિયામાં એક માણસનું સર્પદંશથી મૃત્યુ
થયું ને લોકો તેને સ્મશાનમાં લઈ જઈને બાળતા હતા; ત્યારે એ દ્રશ્ય દેખીને શ્રીમદ્ રાજચંદ્રને અંદરથી વિચાર
ઊગ્યો કે આ શું કરે છે? શા માટે આને બાળી દે છે? આના શરીરમાંથી એવું કયું તત્ત્વ ચાલ્યું ગયું કે હવે એને
બાળી મૂકે છે? એમ વિચાર કરતાં કરતાં તેમને પૂર્વના ભવોનું જાતિ–સ્મરણ જ્ઞાન થયું. તેઓ સોળ વર્ષની
વયમાં કહે છે કે–
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહિ અહોહો! એક પળ તમને હવો.
અરે જીવો! એક પળ વિચાર તો કરો કે આ લક્ષ્મી કે કુટુંબના વધવાથી આત્મામાં શું વધ્યું? એને
વધારવાની તૃષ્ણામાં તો જીવ આ મનુષ્યઅવતારને હારી જાય છે, માટે એમ વિચાર કરો કે મારું હિત શેમાં છે?
આ દેહ અને લક્ષ્મી વગેરેનો સંયોગ તો ક્ષણિક છે, તે તો ક્ષણમાં ફૂ થઈ જશે. તો તે શરીરાદિથી ભિન્ન હું કોણ
છું? આવું દેહથી ભિન્ન આત્માનું ભાન કરવું તે ધર્મ છે, અને તે જ ભવથી છૂટવાનો ઉપાય છે.
અત્યારે આ પદ્મનંદી પચ્ચીસી–શાસ્ત્રનો બીજો શ્લોક વંચાય છે; તે ‘પદ્મનંદી’ નામના મુનિએ હજાર વર્ષ
પહેલાંં બનાવેલું છે; જેઓ વન–જંગલમાં રહેતા હતા અને આત્માના આનંદનું શોધન કરીને તેના વેદનમાં
જિંદગી ગાળતા હતા એવા મુનિ કહે છે કે–
खादिपंचकनिर्मुक्तं कर्माष्टकविवर्जितम्।
चिदात्मकं परं ज्योतिः वन्दे देवेन्द्रपूजितम्।।
२।।
આકાશ વગેરે પાંચ જડ દ્રવ્યોથી જે ભિન્ન છે અને આઠ કર્મોથી જે રહિત છે, તથા દેવેન્દ્રોથી જે પૂજ્ય
છે એવી ચૈતન્યસ્વરૂપ પરમજ્યોતિને અમારા નમસ્કાર હો! આ ઉત્કૃષ્ટ ચૈતન્યજ્યોતિ ભવદુઃખોથી અમારી
રક્ષા કરો!
આત્માનું સ્વરૂપ જ પરમ ચૈતન્યજ્યોત છે, તેની સન્મુખ જ અમારી એકાગ્રતા રહ્યા કરો ને બાહ્યમાં
અમારું વલણ ન જાઓ–એવી ભાવનાપૂર્વક અહીં ચૈતન્ય–જ્યોતિને નમસ્કાર કર્યો છે.
સંતો કહે છે કે અહો! અમને અમારું ચૈતન્યપદ જ પરમ પ્રિય છે. ચૈતન્યસ્વરૂપના આનંદની વાર્તા
સાંભળવા માટે સ્વર્ગના દેવો પણ તલસે છે. આ મનુષ્ય અવતાર પામીને ચૈતન્યસ્વરૂપને સમજવાનો પ્રયત્ન
કરવો જોઈએ. ચૈતન્યસ્વરૂપની સમજણ જ અનંત જન્મ–મરણના દુઃખોથી રક્ષા કરનાર છે, એ સિવાય બીજું કોઈ
રક્ષક નથી. કીડી પણ પોતાના દેહના પોષણ ખાતર જીવન વીતાવે છે ને મનુષ્ય થઈને પણ જેઓ દેહને અર્થે જ
જીવન વીતાવે છે ને આત્માની દરકાર કરતા નથી, તો તેમના જીવનમાં અને કીડીના જીવનમાં શો ફેર પડ્યો?
હમણાં એક હૃષ્ટપુષ્ટ બળદને પાણી પાવા માટે અહીં લાવ્યા હતા... બળદ પાણી પીતો હતો. ત્રણચાર
ડોલ પાણી પીધું... પાણી પીતો જાય ને માથું ઊંચું કરતો