: માગશર: ૨૪૮૩ : ૫ :
શાશ્વત તીર્થ સમ્મેદશિખરજી ધામની યાત્રા માટે
પૂ. ગુરુદેવનો મંગલ વિહાર
સિદ્ધિપ્રાપ્ત અનંત સિદ્ધભગવંતોને નમસ્કાર
સિદ્ધિસાધક અને સિદ્ધિપંથપ્રદર્શક શ્રી સદ્ગુરુદેવને નમસ્કાર
આત્માનું અંતિમ ધ્યેય જે સિદ્ધપદ, તેને અનંત જીવો પ્રાપ્ત કરી ચૂકયા છે; જે સ્થાનથી જીવો સિદ્ધપદ પ્રાપ્ત
કરે છે તે સ્થાનને સિદ્ધિધામ કહેવાય છે. શ્રી સમ્મેદશિખરજી તીર્થ એ ભારતનું શાશ્વત સિદ્ધિધામ છે, અનંતા
તીર્થંકરો ત્યાંથી મુક્તિ પામ્યા છે ને પામશે. સિદ્ધપદ–પ્રાપ્તિની ભાવનાવાળા જીવોને સિદ્ધિધામની યાત્રાનો ભાવ
પણ જાગે છે.
પરમ પૂજ્ય ગુરુદેવ જેમ આપણને સિદ્ધિનો માર્ગ દર્શાવે છે તેમ શાશ્વત સિદ્ધિધામ (સમ્મેદશિખરજી)
પણ દેખાડો–એવી ઘણા ભક્તજનોની ભાવના હતી, ને વારંવાર તે માટે પૂ. ગુરુદેવને વિનંતીઓ થતી હતી...
છેવટે એક મંગલદિને ભક્તોની એ ભાવના ફળી ને પૂ. ગુરુદેવે સંઘ સહિત શ્રી સમ્મેદશિખરજી ધામની યાત્રાએ
પધારવાનો સ્વીકાર કર્યો...આ શુભ સંદેશથી ભારતમાં ઠેરઠેર હર્ષ છવાઈ ગયો.
કારતક સુદ ૧૨ ના રોજ સુવર્ણપુરના લાખેણા જિનમંદિરમાં શ્રી નેમિનાથ ભગવાનની વેદીપ્રતિષ્ઠાનો
ભવ્ય મહોત્સવ ઉજવાયો... અને તરત જ શાશ્વત તીર્થરાજ સમ્મેદશિખરજી ધામને ભેટવાની જોરદાર તૈયારીઓ
થવા લાગી... જ્યાં જુઓ ત્યાં બધાય ભક્તજનો યાત્રાની તૈયારીમાં જ મશગૂલ હતા... બે દિવસ તો ઝડપથી
ચાલ્યા ગયા... ને શાશ્વત તીર્થધામ પ્રત્યે પુનિત પગલાં ભરવાનો મંગલ દિન આવી પહોંચ્યો.
કારતક સુદ પૂર્ણિમા... રવિવાર... અષ્ટાહ્નિકાનો મંગલ દિન... આજે પૂ. ગુરુદેવે સમ્મેદશિખરજી ધામ
પ્રત્યે સોનગઢથી મંગલ વિહાર કર્યો...સવારમાં પાંચ વાગે પૂ. ગુરુદેવ સીમંધરનાથ ભગવાનના દર્શન કરવા
પધાર્યા... જાણે વહાલો પુત્ર પિતાજી પાસે યાત્રા માટે વિદાય લેવા આવ્યો... એવું એ પિતા–પુત્રનું મિલન હતું.
ગુરુદેવ હાથ જોડીને ભાવભીના ચિત્તે સીમંધર