: ૧૦ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
શુભદિને પૂ. ગુરુદેવે મોટરદ્વારા સંઘસહિત તીર્થયાત્રા માટે મંગલ પ્રસ્થાન કર્યું છે. ગામેગામમાં જૈનધર્મની મહાન
પ્રભાવના કરતા કરતા શાશ્વત સિદ્ધિધામ શ્રી સમ્મેદશિખરજીની યાત્રા અર્થે ભક્તોના મોટા સંઘ સહિત પૂ.
ગુરુદેવ વિચરી રહ્યા છે ને સિદ્ધિનો પંથ પ્રસિદ્ધ કરતા જાય છે. ગુરુદેવનો આ યાત્રાપ્રવાસ ભારતભરમાં જૈન
ધર્મનો જયજયકાર ફેલાવો.
મુંબઈથી પૂ. ગુરુદેવ ભીમંડી પધાર્યા...ત્યાં સંઘ સહિત પૂ. ગુરુદેવનું ભવ્ય સ્વાગત થયું... સાંજે ભીમંડીથી
ગજપંથા આવ્યા... પોષ વદ એકમે ગજપંથા તીર્થની યાત્રા કરી. અહીંથી સાત બલભદ્ર તથા અનેક મુનિવરો
મુક્તિ પામ્યા છે. પર્વત ઉપર ૮ ફૂટના ભવ્ય–પ્રતિમાજી પાર્શ્વનાથ ભગવાનના છે, તે ઉપરાંત પંચપરમેષ્ઠી વગેરેના
પ્રતિમા પણ છે. સાત બલભદ્રના ચરણકમળ પણ છે. ત્યાં ઉલ્લાસપૂર્વક જાત્રા કરીને સંઘ માંગીતુંગી આવ્યો.
માંગીતુંગી: નવ કરોડ મુનિનું મુક્તિધામ
માંગીતુંગીમાં શ્રી રામચંદ્રજી, હનુમાનજી તથા ૯૯ કરોડ મુનિઓ મુક્તિ પામ્યા છે. પર્વતનું ચઢાણ ઘણું
અઘરું છે. પોષ વદ બીજે ગુરુદેવે સંઘસહિત યાત્રા કરી. પર્વત ઉપર ઘણા જૂના સુંદર ઉપશાંત પ્રતિમાઓ બિરાજે
છે. માંગી અને તુંગી એમ જુદા જુદા બે શિખર છે. અહીં શેઠ શ્રી ગજરાજજી ગંગવાલ પણ આવેલા, ને તેમણે
પૂ. ગુરુદેવના સ્વાગતનું ભાષણ કર્યું હતું તથા ત્યાંની ટ્રસ્ટકમિટિ તરફથી પૂ. ગુરુદેવને એક માનપત્ર આપ્યું હતું.
માંગીતુંગીના ફંડ માટે અપીલ થતાં ચારેક હજાર રૂા. નું ફંડ થયું હતું.
પોષ વદ ત્રીજે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ભગવાનની રથયાત્રા નીકળી હતી.
માંગીતુંગીથી (વદ ચોથે) પૂ. ગુરુદેવ ધૂલિયા ગામે પધાર્યાં, ભક્તોએ ઉલ્લાસથી સ્વાગત કર્યું હતું ને
પ્રવચનમાં અઢી હજાર જેટલા શ્રોતાઓએ લાભ લીધો હતો.
ચોરાશી ફૂટ ઊંચા પ્રતિમા
ધૂલીયાથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવ સંઘસહિત શ્રી બડવાની તીર્થધામ પધાર્યા હતા. માગસર વદ છઠ્ઠના
રોજ તીર્થયાત્રા થઈ હતી. આ બડવાની તીર્થમાં શ્રી આદિનાથ ભગવાનના લગભગ ૮૪ ફૂટ ઊંચા (બાવન
ગજા) ખડ્ગાસન પ્રતિમા પર્વતમાં જ કોતરેલા છે, તે અદ્ભુત છે ને એશિયાભરમાં આ પ્રતિમા સૌથી મોટા છે.
પર્વતની તળેટીમાં પણ અનેક જિનમંદિરો છે. આ પર્વત ઉપરથી શ્રી ઈન્દ્રજીત, કુંભકર્ણ અને કરોડો મુનિવરો
મુક્તિ પામ્યા છે. આ ઉપરાંત આ પર્વત ઉપર શ્રી કુંદકુંદાચાર્યદેવના ખડ્ગાસન પ્રતિમાજી છે, જેઓ
સીમંધર ભગવાન સન્મુખ (પૂર્વ દિશામાં) હાથ જોડીને ઊભા છે. આ દ્રશ્ય જોઈને પૂ. ગુરુદેવને અને સૌ
ભક્તજનોને ઘણો આહ્લાદ થયો. અહીં ગુરુદેવે ભાવપૂર્વક શ્રી જિનેન્દ્ર ભગવાનનો અભિષેક કર્યો હતો;
ગુરુદેવના હસ્તે જિનેન્દ્રદેવના અભિષેકનું દ્રશ્ય દેખીને સૌ ભક્તોને ઘણો આનંદ થયો હતો. બપોરે પૂ. ગુરુદેવે
ગામમાં પ્રવચન કર્યું હતું.
બડવાનીથી પૂ. ગુરુદેવ પાવાગીરી–ઊન પધાર્યા હતા. અહીંથી સુવર્ણભદ્રાદિ અનેક મુનિઓ મુક્તિ પામ્યા
છે. ભવ્ય જિનમંદિરમાં શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ ભગવાનના ઘણા મોટા (૧૫ ફૂટના) પ્રતિમાજી અતિશય
ઉપશાંત મુદ્રામાં ખડ્ગાસને ધ્યાનસ્થ બિરાજે છે. તેની ઘણા ઉલ્લાસથી યાત્રા કરી.
ઈન્દોરમાં પ્રવેશ
માગસર વદ ૯ના રોજ પૂ. ગુરુદેવ ખંડવા શહેરમાં પધાર્યા... અહીંના ભક્તજનોએ ઘણા જ ઉલ્લાસથી
ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું, ને આખા સંઘની વ્યવસ્થા ઘણા પ્રેમપૂર્વક કરી. વ્યાખ્યાનમાં ૩–૪ હજાર શ્રોતાઓ
આવતા હતા. ભક્તિ, રાત્રિચર્ચા વગેરેમાં પણ ઘણા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. હવે અહીંથી
સિદ્ધવરકુટ થઈને પૂ. ગુરુદેવ ઇંદોર તા. ૨૭મીએ પધારશે.
[આ પ્રમાણે ગુરુદેવ સંઘસહિત ધર્મપ્રભાવના કરતા કરતા
તીર્થધામોની યાત્રા ઉલ્લાસપૂર્વક કરતા જાય છે.]