Atmadharma magazine - Ank 159
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૨ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
ઘટતો કે વધતો નથી. ગમે તેટલો મોટો આકાર થાય તેથી કાંઈ એકેય પ્રદેશ વધી જતો નથી, તેમ જ ગમે તેટલો
નાનો આકાર થાય તો પણ એકેય પ્રદેશ ઘટી જતો નથી. નાના કે મોટા ગમે તે આકારમાં સરખે–સરખા અસંખ્ય
પ્રદેશો રહે છે.
પ્રશ્ન:– તો પછી, જ્યારે જીવનો આકાર સંકોચાય ત્યારે તેના પ્રદેશો નાના માપના થઈ જાય અને જ્યારે
જીવનો આકાર વિકાસ પામે ત્યારે તેના પ્રદેશો મોટા થઈ જાય એમ છે?
ઉત્તર:– ના; પ્રદેશ એટલે સૌથી છેલ્લો અંશ; તે કદી નાનો–મોટો થતો નથી. એક જીવ પહેલાંં કીડીના
શરીરમાં રહેલો હતો ત્યારે તેનો આકાર તેવો સંકોચાયેલો હતો, ને પછી તે જ જીવ હાથીના શરીરમાં આવતા
તેનો આકાર વિસ્તારરૂપ થયો, પણ તેથી કાંઈ તે જીવના પ્રદેશો મોટા નથી થઈ ગયા, પ્રદેશો તો એવડા ને
એવડા જ છે, તેમની સંખ્યા પણ એટલી ને એટલી જ છે.
પ્રશ્ન:– જો જીવના પ્રદેશોની સંખ્યા પણ ઘટતી–વધતી નથી ને તેના પ્રદેશોનું માપ પણ નાનું–મોટું થતું
નથી, પ્રદેશો જેટલા છે તેટલા જ રહે છે ને જેવડા છે તેવડા જ રહે છે,–તો જીવમાં સંકોચ–વિસ્તાર કઈ રીતે
થાય છે?
ઉત્તર:– પ્રદેશોની તે પ્રકારની હીન–અધિક અવગાહનાથી સંકોચ–વિસ્તાર થાય છે; લોકના અસંખ્ય પ્રદેશ
અને એક જીવના અસંખ્ય પ્રદેશ એ બંને સરખા છે; લોકના એકેક પ્રદેશે જીવના જેમ જેમ વધુ પ્રદેશો
અવગાહીને રહે તેમ તેમ જીવના આકારનો સંકોચ થાય છે, ને લોકના એક પ્રદેશે જીવના જેમ જેમ ઓછા પ્રદેશો
રહે તેમ તેમ જીવના આકારનો વિકાસ થાય, એ રીતે સંકોચ–વિસ્તાર થાય છે. દાખલા તરીકે–જીવ જ્યારે આખા
લોકમાં અવગાહીને રહ્યો હોય ત્યારે લોકના દરેક પ્રદેશે જીવનો એકેક પ્રદેશ છે, અને જ્યારે અર્ધા લોકને
વ્યાપીને જીવ રહે ત્યારે લોકના દરેક પ્રદેશે જીવના બબ્બે પ્રદેશો હોય, એ જ પ્રમાણે જ્યારે લોકના અસંખ્યાતમા
ભાગને વ્યાપીને જીવ રહે ત્યારે લોકના એકેક પ્રદેશે જીવના ‘અસંખ્યાતમા ભાગના અસંખ્ય’ પ્રદેશો રહેલા છે.
જીવના અસંખ્ય પ્રદેશોનું માપ એટલું મોટું છે કે તેને અસંખ્યથી ભાગતાં પણ અસંખ્ય આવે છે. વળી જીવનો
અવગાહન સ્વભાવ પણ એવો જ છે કે ગમે તેટલો તે સંકોચાય તો પણ અસંખ્ય પ્રદેશને તો તે રોકે જ;
સંકોચાઈને એક જ પ્રદેશમાં જીવના બધા પ્રદેશો રહી જાય–એવો સંકોચ જીવમાં કદી થતો નથી. કંદમૂળની,
સોયની અણી ઉપર રહે એટલી નાની કટકીમાં પણ અસંખ્ય શરીરો છે ને એકેક શરીરમાં અનંત જીવો રહેલા છે,
તે દરેક જીવે પણ અસંખ્ય પ્રદેશો રોકયા છે.
પ્રશ્ન:– આખા લોકના પ્રદેશો તો અસંખ્યાત જ છે, ને લોકમાં જીવો તો અનંતાનંત છે, તો તે બધા જીવો
લોકમાં કઈ રીતે સમાયા?
ઉત્તર:– જીવનો અમૂર્ત સ્વભાવ છે એટલે જ્યાં એક જીવ રહેલો છે ત્યાં જ બીજા જીવના પ્રદેશો પણ રહી
શકે છે, અને એ રીતે ભિન્ન ભિન્ન અનંત જીવોના અનંત પ્રદેશો એક પ્રદેશે રહી શકે છે. એક જ જીવના પૂરા–
અસંખ્ય પ્રદેશો એક પ્રદેશે કદી ન રહે (કેમકે જીવના પ્રદેશોમાં જ એ પ્રકારનો સંકોચ થવાનો સ્વભાવ નથી),
પરંતુ જુદા જુદા અનંત જીવોના અનંત પ્રદેશો એક જ પ્રદેશે રહેલા છે. એ રીતે લોકના અસંખ્ય પ્રદેશોમાં
અનંતાનંત જીવો સમાયેલા છે. લોકાગ્રે જ્યાં એક સિદ્ધભગવાન છે ત્યાં જ બીજા અનંત સિદ્ધભગવંતો બિરાજે
છે, છતાં બધા ભિન્ન ભિન્ન છે, દરેકને પોતપોતાનો આનંદ જુદો છે, દરેકને પોતપોતાનું જ્ઞાન જુદું છે, દરેકને
પોતપોતાના આત્મપ્રદેશો જુદા છે, એ રીતે એક ક્ષેત્રે અનંતસિદ્ધો હોવા છતાં દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. જે
અજ્ઞાનીઓને આવા સ્વભાવની ખબર નથી તેઓને એવો ભ્રમ થાય છે કે મુક્તજીવો એકબીજામાં જ્યોતમાં
જ્યોત મિલાય–તેમ ભળી ગયા છે, ને ત્યાં જીવો જુદા જુદા નથી. પરંતુ આચાર્યદેવ કહે છે કે જીવમાં નિત્ય–
અસંખ્ય પ્રદેશ હોવારૂપ શક્તિ છે, તેથી પોતાના સ્વતંત્ર અસંખ્ય પ્રદેશરૂપે તે ત્રિકાળ ટકી રહે છે.
* “અસંખ્ય”ના એક બીજાથી ચડિયાતા નવ પ્રકારો છે, તેમાંથી જીવના પ્રદેશોનું જે અસંખ્યપણું છે તે
આઠમા પ્રકારનું છે, તેને “મધ્યમ અસંખ્યાત અસંખ્યાત” કહેવાય છે. તેનો અસંખ્યાતમો ભાગ તે પણ
અસંખ્ય છે.