Atmadharma magazine - Ank 159
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૧૭ :
આનંદમય માંગળિક
[બરવાળા ધામાં પૂ. ગુરુદેવનું મંગલાચરણ]
કારતક વદ ત્રીજ
આત્માના અતીન્દ્રિય આનંદનું
વેદન થાય તે માંગળિક છે
માંગળિક એટલે શું? મંગ એટલે આત્માની પવિત્રતા, તેને જે લાવે તે માંગળિક છે. અથવા મંગ એટલે
પાપ, તેને જે ગાળે–નાશ કરે તે માંગળિક છે. આત્માના જ્ઞાનાનંદસ્વરૂપની શ્રદ્ધા કરવી–જ્ઞાન કરવું–એકાગ્રતા
કરવી એવો જે ભાવ તે પોતે મંગળ છે. તીર્થંકર ભગવંતોએ જે પરમાનંદદશા પ્રાપ્ત કરી તે ક્યાંથી કરી? પોતાના
આત્મામાંથી જ તે દશા પ્રાપ્ત કરી છે. સુખ–આનંદ–શાંતિ તે આત્મામાં જ છે, બહારના વિષયોમાં ક્યાંય સુખ–
શાંતિ કે આનંદ નથી. આવા આત્માનું ભાન કરવું તે મંગળ છે.
હું કોણ છું–શું મારું સ્વરૂપ છે તે જીવે કદી વિચાર્યું નથી. ભગવાન કહે છે કે અહો જીવો! તમે દેહાદિથી
ભિન્ન ચૈતન્યતત્ત્વ છો... જ્ઞાન ને આનંદ તમારો સ્વભાવ જ છે, પણ તેને ભૂલીને જીવ બહારમાં સુખ માનીને
સંસારમાં રખડે છે, તે અમંગળ છે; ને આત્માના જ્ઞાનદ્વારા તેનો જે નાશ કરે તે મંગળ છે. આત્માના અતીન્દ્રિય
આનંદનું વેદન થાય તે માંગળિક છે.
આત્માની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કરીને જેઓ પરમાત્મા થયા એવા અર્હંતો માંગળિક છે, સિદ્ધો માંગળિક છે,
સાધુઓ માંગળિક છે, ને તેમનો કરેલો ધર્મ તે માંગળિક છે. પોતે તેનું ભાન કરે તો પોતામાં મંગળ થાય.
આત્માના જ્ઞાન વગર જન્મ–મરણનો કદી આરો આવે તેમ નથી.
ભાઈ, આ દેહ તારો નથી, તેમાં તારો આનંદ નથી. આનંદ તો તારા આત્મામાં છે. તેનું તેં કદી ભાન કર્યું
નથી. અનંતકાળનો અજાણ્યો માર્ગ સત્સમાગમ વગર અને પોતાની પાત્રતા વગર સમજાય તેવો નથી. ભગવાન
તીર્થંકર દેવોએ જે કર્યું તે પ્રમાણે કરવાનું જગતને કહ્યું. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવમાં જ પરમાત્મા થવાની
તાકાત છે: તેમાં એકાગ્રતાવડે જ અનંતા જીવો પરમાત્મા થયા અને ભગવાને એ જ ઉપદેશ આપ્યો કે આત્માના
જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા કરો. આ સંતોનો રાહ છે. જેમ કસ્તૂરીમૃગ પોતામાં રહેલી કસ્તૂરીની સુગંધ
બહારમાં ઢૂંઢે છે, તેમ અજ્ઞાની પ્રાણી પોતાના આનંદ–સ્વભાવને ભૂલીને બહારમાં આનંદ ઢૂંઢે છે. આત્માના
જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન કરવું તે જ જગતમાં ઉત્કૃષ્ટ મંગળ છે. મંગળ તેને કહેવાય કે જેનાથી સુખની પ્રાપ્તિ અને
વૃદ્ધિ થાય, સંસારમાં પુત્રજન્મ, લગ્ન વગેરેને મંગળ પ્રસંગ કહે છે તે તો લૌકિક છે, તે ખરેખર મંગળ નથી.
મંગળ તો તેને કહેવાય કે જેનાથી આત્માને સુખશાંતિ થાય ને દુઃખ ટળે.
બાપુ! અનંત અનંત કાળથી તારો આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે... અનંત અનંત શરીરો તેં ધારણ
કર્યા ને છોડયા, પણ આત્મા દેહથી ભિન્ન શું ચીજ છે તેનું તેં કદી ભાન કર્યું નથી. અહિંસારૂપ ધર્મ તે મંગળ છે.
પણ અહિંસાનું સ્વરૂપ શું છે? તેની પણ જીવને ખબર નથી. એક ક્ષણની અહિંસા મુક્તિ આપે. –તે કઈ
અહિંસા? પરજીવને બચાવવાનો શુભ રાગ થાય તે ખરેખર અહિંસા નથી. પણ હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું–
એવા ભાનપૂર્વક તેમાં લીન રહેતાં રાગાદિની ઉત્પત્તિ જ ન થાય ને શાંતિની ઉત્પત્તિ થાય તે જ ખરી અહિંસા છે;
આવી વીતરાગી અહિંસા તે ધર્મ છે, અને તે મંગળ છે. આ પ્રમાણે મંગળ કર્યું.
કેટલીક શક્તિઓ
[પૃષ્ઠ ૧૬નું અનુસંધાન]
છૂટી જાય, દેહ છૂટવાના પ્રસંગે પણ આવા સ્વભાવના લક્ષે શાંતિ હાજર રહે. શરીરમાં હું છું જ નહીં, હું તો મારા
અસંખ્ય પ્રદેશમાં જ છું–એવા ભિન્નતાના બોધવડે મૃત્યુપ્રસંગે પણ સમાધિ રહે છે.
ચોવીસમી નિયતપ્રદેશત્વ શક્તિનું વર્ણન અહીં પૂરું થયું.