Atmadharma magazine - Ank 159
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૧૯ :
સ્થાન આ મનુષ્ય લોકમાં નથી, તેનું ફળ ભોગવવાનું સ્થાન તો નરક છે. ત્યાં હજારો ફાંસી કરતાં પણ વધારે
દુઃખ છે. આવા નરકના ભીષણ દુઃખો જીવ અનંતવાર ભોગવી આવ્યો છે, માટે અરે આત્મા! હવે તું ચેત અને
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપનું શ્રવણ કર.
જ્ઞાનાનંદસ્વરૂપનું યથાર્થ શ્રવણ ક્યારે કર્યું કહેવાય? કે જ્યારે તેને લક્ષમાં લઈને સમજે ત્યારે; સમજે તો
જ યથાર્થ શ્રવણ કર્યું કહેવાય. અહીં આચાર્યદેવ સમજાવે છે કે–અરે જીવ! તારા આત્મામાં આનંદ તો છે, પણ
અજ્ઞાનને લીધે તને તે અવ્યક્ત છે, માટે યથાર્થ જ્ઞાન કરીને તે: આનંદને વ્યક્ત કર. સર્વજ્ઞ ભગવંતોને જે આનંદ
પ્રગટ્યો તે ક્યાંથી પ્રગટ્યો? અંદર આત્મશક્તિમાં હતો તેમાંથી જ પ્રગટ્યો છે. જેમ ચોસઠપહોરી તીખાસ
લીંડીપીપરની શક્તિમાં રહેલી છે તેમાંથી જ તે વ્યક્ત થાય છે, તેમ જ્ઞાન ને આનંદની શક્તિ આત્મ–સ્વભાવમાં
ભરેલી છે, તેમાંથી જ તે વ્યક્ત થાય છે. તે વ્યક્ત થવાનો ઉપાય અહીં સમજાવે છે.
ભાઈ! તારા આત્માના જ્ઞાન વગર તને તારો આનંદ વેદનમાં નહિ આવે. જેમ મડદાંને ખબર નથી કે હું
કોણ છું? તેમ ‘મારો આત્મા કોણ છે’ તેની જેને ખબર નથી તે પણ મડદા જેવા છે, શાસ્ત્રકાર તેને ‘ચાલતું
શબ’ કહે છે; કેમકે આ શરીર તે તો જડ કલેવર છે, તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે, પણ દેહથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ હું છું–એમ તે પોતાને જાણતો નથી. ભાઈ, તારી આનંદશક્તિ અનાદિ કાળથી બિડાઈ રહેલી છે,
હવે તેનું ભાન કરીને તારા આનંદને તું વ્યક્ત કર.
આત્મામાં આનંદ સ્વભાવ છે તેની ઊલટી દશા તે જ સંસાર છે; તે સિવાય બહારમાં શરીર–સ્ત્રી–મકાન
વગેરેમાં કાંઈ આત્માનો સંસાર રહેતો નથી; આત્મા તો બીજે ચાલ્યો જાય છે ને તે બધા તો અહીં પડ્યા રહે છે.
સ્ત્રી આદિ છૂટયા માટે આત્માનો સંસાર છૂટી ગયો એમ નથી. સંસાર તો આત્માની અરૂપી વિકારી હાલત છે.
આત્માના આનંદનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં આત્મામાંથી અજ્ઞાન અને રાગાદિ છૂટી જાય છે, એટલે
આત્માનો સંસાર છૂટી જાય છે.
હે ભાઈ! તારું સુખ ને તારી પ્રભુતા તારામાં જ ભર્યા છે–એ વાત તને બેસે છે? પહેલાંં આ વાતનું
ગુરુગમે જ્ઞાન કર. વારંવાર સત્સમાગમે આ વાતનું શ્રવણ કર, વારંવાર તેનું મનન કર..... ને વારંવાર તેનો
અભ્યાસ કર. સમ્યગ્જ્ઞાનરૂપી ચક્ષુવડે આ ચૈતન્યનો આનંદ વ્યક્ત થાય છે. જેમ સૂર્ય ઘુવડને નથી દેખાતો તેમ
આત્મામાં આનંદ ભર્યો હોવા છતાં અજ્ઞાનથી અંધ જીવોને તે દેખાતો નથી. સમ્યગ્જ્ઞાનરૂપી ચક્ષુ જેને ઊઘડી
ગયાં છે તે પોતાના આનંદને વ્યક્તરૂપે અનુભવે છે.
ભજુઓ, ઘણા જીવોને પૂર્વના અનેક ભવોનું ઘણા વર્ષ પહેલાંંનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આ દેહમાં
આવ્યા પહેલાંં હું ક્યાં હતો–તેનું ભાન કરનાર જીવો અત્યારે પણ અહીં છે. દેહથી પાર જ્ઞાનસ્વરૂપ હું છું–એવી
યથાર્થ સમજણ એક ક્ષણ પણ કરે તો અનંત ભવનો નાશ કરીને તે જીવ અલ્પકાળમાં પરમાત્મા થયા વિના રહે
નહિ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનચક્ષુ
ખોલીને જેણે આત્માને જાણ્યો તેને અલ્પકાળમાં જન્મમરણનો અંત આવી જાય છે ને તે મુક્તિ પામે છે.
આત્મા અતીન્દ્રિય છે, તે આંખથી દેખાય તેવો નથી. ઈન્દ્રિયોથી દેખાય તે આત્મા નહિ, ને આત્મા
ઈન્દ્રિયોથી દેખાય નહિ. સમ્યગ્જ્ઞાનરૂપી ચક્ષુવડે જ આત્મા જણાય છે. અરે, મારા આત્માને ઓળખીને હવે હું
આ જન્મમરણથી કેમ છૂટું? ને મારા આત્માને શાંતિ કેમ થાય! –એમ અંદરથી આત્માની સમજણનો રસ
જાગવો જોઈએ. આત્માનો આવો રસ જેને લાગ્યો તેને સત્સમાગમે સમ્યગ્જ્ઞાનવડે આત્માનું ભાન થાય છે.
એક વાર જે આત્માને જાણે તેને તેના આનંદનો સ્વાદ આવે ને પછી તેનું ધ્યાન કરતાં કરતાં તે સાક્ષાત્
પરમાત્મા બની જાય છે.
આચાર્યદેવ કહે છે કે–અહો! આ જગતમાં સારમાં સાર ઉત્તમ વસ્તુ હોય તો તે આ ચૈતન્યસ્વરૂપ આત્મા
જ છે. જગતનો મહિમા જેને છૂટી ગયો છે ને આત્માનો અનંતો મહિમા આવ્યો છે તે આત્માને નમસ્કાર કરે છે,
આત્માના સ્વભાવ તરફ વળે છે. આત્માનો સ્વભાવ સમજીને તેનો મહિમા કરવાથી ને તેમાં લીન થવાથી જન્મ–
મરણનો અંત આવે છે, માટે સત્સમાગમે આત્માનું સમ્યગ્જ્ઞાન કરવું જોઈએ.