Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
: ૧૦ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
દેહના સાધનથી જીવને ધર્મ થતો નથી. ધર્મનું સાધન તો આત્મા પોતે જ છે. પૈસામાં કે મિષ્ટાન્નમાં ક્યાંય
આત્માનું સુખ નથી. મિષ્ટાન્નના સ્વાદનો રસ તેમાં અજ્ઞાની મજા અને આનંદ માને છે પણ પોતાના આત્માના
ચૈતન્યરસને તે જાણતો નથી. મિષ્ટાન્ન તે તો જડ છે, તે છ કલાકમાં રૂપાંતર થઈને વિષ્ટા થઈ જાય છે, તેમાં
સ્વપ્નેય આત્માનું સુખ નથી, પણ અજ્ઞાનીએ માત્ર કલ્પનાથી માન્યું છે. આત્માના સ્વભાવનું અતીન્દ્રિય સુખ
અજ્ઞાનીને લક્ષમાં આવતુ નથી. આત્માના સ્વભાવનું જે સુખ છે તે સુખ જગતના કોઈ વિષયોમાં નથી. અહો!
આત્માના આનંદના અતીન્દ્રિય સ્વાદનું વર્ણન વાણીમાં પૂરું આવે તેમ નથી. તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે:–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો.
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
આત્માના સ્વભાવનો પરમ અનંત આનંદ સિદ્ધપદમાં સાદિ–અનંત પ્રગટી ગયો છે. સિદ્ધ ભગવંતો
સાદિ–અનંત પોતાના અનંત આનંદમાં બિરાજી રહ્યા છે. અહો! એ સિદ્ધપદનો મહિમા વાણીથી શું કહેવો? એ
સિદ્ધ ભગવંતોના આનંદની શી વાત!! એ તો આત્માના સ્વભાવમાં અંતર્મુખ થઈને જે અનુભવ કરે તેને જ
તેની ખબર પડે. સમકિતીને અંતરની શાંતિના સ્વાદ આગળ દુનિયાના વિષયોની કાંઈ કિંમત રહેતી નથી. મારા
આત્માનો આનંદ જગતના વિષયોથી પર છે. ભાઈ! એક વાર તારા આત્મામાં સમ્યગ્જ્ઞાનના ઝણકાર તો
જગાડ કે મારો આત્મા આ દેહાદિથી ભિન્ન, પોતે જ આનંદસ્વરૂપ છે. મારા આત્માનો આનંદ બહારમાં ક્યાંય
નથી; અંતર્મુખ થઈને સ્વભાવમાં એકાગ્ર થયે જ મારો આનંદ છે. જેમ ઘડો માટીમાંથી જ થાય છે તેમ મારી
શાંતિ મારા આત્મામાંથી જ આવે છે. આત્માના સમ્યગ્જ્ઞાન વગર આત્માની શાંતિ કે મુક્તિ થતી નથી, માટે
સત્સમાગમે પોતાની પાત્રતાપૂર્વક આત્મસ્વરૂપનો અભ્યાસ કરવો જોઈએ. આ શરીર તો કાંઈ જીવને આધીન
રહેતું નથી, જીવની ઈચ્છા ન હોય છતાં તે તો ક્ષણમાં છૂટી જાય છે; માટે તે ચીજ આત્માની નથી. લક્ષ્મી વગેરેનો
સંયોગ પણ જીવની ઈચ્છા પ્રમાણે આવતો કે રહેતો નથી. આત્માની વસ્તુ તો જ્ઞાન છે, હું તો જ્ઞાનસ્વરૂપ છું–
એવો નિર્ણય જીવે અનંતકાળમાં કદી કર્યો નથી. ‘હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે?’ તે કદી જાણ્યું નથી. “હું
મનુષ્ય, હું વાણીયો, હું ફલાણાનો પુત્ર, ફલાણો મારો પુત્ર,” એમ જીવે ભ્રમણાથી દેહને જ પોતાનું સ્વરૂપ માન્યું
છે; પણ હરામ છે એ કોઈ જીવનાં હોય તો! જીવનાં જે હોય તે જીવથી કદી જુદા પડે નહિ, અને જે જુદા પડી
જાય છે તે જીવથી જુદા જ છે. જીવ તો જ્ઞાનસ્વરૂપ છે, તેનું જ્ઞાન તેનાથી કદી જુદું પડતું નથી.
એક સેકંડ પણ આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે તો અનંતકાળનું પરિભ્રમણ ટળીને અલ્પકાળમાં મુક્તિ
થયા વિના રહે નહિ. શ્રીમદ્ રાજચંદ્રજી ૧૬ વર્ષ અને પ મહિનાની વયમાં કહે છે કે:–
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું! કોની સંબંધે વળગણા છે રાખું કે એ
પરહરું! એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વો
અનુભવ્યાં.
અરે! આવો દુર્લભ મનુષ્ય અવતાર પામીને પણ “હું કોણ છું? ’ એનો વિચાર પણ જીવ કરતો નથી;
બહારના કાર્યો આડે તેને ચૈતન્યની વાત સાંભળવાની પણ ફૂરસદ મળતી નથી. હે જીવ! આવો અવતાર અને
સત્સમાગમ અનંતકાળે મળવો મુશ્કેલ છે. તેમાં જો આત્માની દરકાર કરીને તેની સમજણનો અવકાશ નહિ લે
તો આ ચોરાસીના જન્મમરણમાંથી તારો ક્યાંય આરો નહિ આવે. અંતર્મુખ થઈને તું અજમાયસ કર.
અનંતકાળમાં નહિ સમજેલ તે ચીજનો ભાવ અપૂર્વ છે; તે સમજવા માટે સત્સમાગમે વારંવાર શ્રવણ અને
ધારણ કરીને અંતરમાં પ્રયોગ કરવો જોઈએ. અંતરના પ્રયોગ વગર સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ
થતો નથી, તેના વિના મુક્તિ કે શાંતિ થતી નથી, માટે હે જીવો! અંતરનું સુખ અંતરમાં છે તેનો વિશ્વાસ કરો.