Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૬ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
નંગ–અનંગ મુનિઓના ચરણકમળ છે. નીચે ૧૭ મંદિરો છે, ત્યાં પણ દર્શન અને ભક્તિ કર્યા. અહીં ધર્મશાળા
વગેરેની વ્યવસ્થા સરસ છે.
તા. ૮ ના રોજ ગ્વાલિયર (લશ્કર) પહોંચ્યા. પાંચ છ હજારની જનતાએ ભવ્ય સ્વાગત કર્યું.
ગ્વાલીયરના કિલ્લામાં તથા ડુંગરમાં (એક પત્થરની વાવડી કહેવાય છે ત્યાં) ઘણા મોટા મોટા જિનપ્રતિમાઓ
પર્વતમાં કોતરેલા છે, જે આજે ખંડિત અવસ્થામાં પણ દિ. જૈન ધર્મની ભવ્ય જાહોજલાલીના દર્શન કરાવી રહ્યાં
છે. અહીં ૨૭ જિનમંદિરો છે તે ઘણા ભવ્ય છે. અહીં પણ સંઘના ભોજનાદિની વ્યવસ્થા સ્થાનિક જૈન સમાજ
તરફથી ઘણા પ્રેમપૂર્વક કરવામાં આવી હતી ને અહીંના દિ. જૈન સમાજ તરફથી તેમજ વિદ્યાર્થીઓ તરફથી પૂ.
ગુરુદેવને ભાવભર્યું અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગ્વાલીયરથી ધોળપુર થઈને તા. ૧૦ના રોજ પૂ. ગુરુદેવ આગ્રા પધાર્યા; ત્યાં ભવ્ય સ્વાગત થયું. સંઘને
ઊતરવાની તેમજ જમવા વગેરેની વ્યવસ્થા અહીંના દિ. જૈન સમાજ તરફથી ઘણા પ્રેમપૂર્વક કરવામાં આવી
હતી. આગ્રામાં પૂ. ગુરુદેવ ત્રણ દિવસ રહ્યા હતા. અહીં અનેક જિનમંદિરો દર્શનીય છે. અહીં પણ જૈન સમાજ
તરફથી પૂ. ગુરુદેવને અભિનંદન પત્ર આપવામાં આવ્યું હતું. અને પૂ. ગુરુદેવના હસ્તે મંગલ સ્વસ્તિક કરાવીને
અહીં મહાવીર દિગંબર જૈન કોલેજના સરસ્વતીભવનનું શિલાન્યાસ થયું હતું.
તા. ૧૩ના રોજ આગ્રાથી શૌરીપુર આવ્યા. શૌરીપુર નેમિનાથ ભગવાનની જન્મભૂમિ છે; ધન્ય વગેરે
મુનિવરો ત્યાં અંતકૃત કેવળી થયા છે, ને સુપ્રતિષ્ઠિત મુનિની તે કેવળજ્ઞાન ભૂમિ છે. અહીં નાના પર્વત ઉપર
નેમિનાથ ભગવાનના ખડૂગાસન પ્રતિમા ઘણા ભવ્ય છે; ત્યાં પૂ. ગુરુદેવે ભક્તિ કરાવી હતી. જમુના નદીના
તીરે આ તીર્થ આવેલું છે.
તા. ૧૪ના રોજ શૌરીપુરથી મથુરા આવ્યા. અહીં અંતિમ સિદ્ધ શ્રી જંબૂસ્વામી ભગવાનનું નિર્વાણધામ
છે, તેમના ચરણકમળ છે; તથા સપ્તર્ષિ મુનિઓના સુંદર પ્રતિમાજી છે. ત્યાં ઘણા ભક્તિભાવપૂર્વક પૂજનભક્તિ
થયા હતા. જંબૂસ્વામીની સાથે વિદ્યુત્મુનિ (વિદ્યુતચોર) વગેરે પ૦૦ મુનિઓ પણ અહીંથી મોક્ષ પામ્યા છે. અહીં
મુનિવરોની વિશેષ ભક્તિ થઈ હતી. પૂ. ગુરુદેવે ભાવભર્યું પ્રવચન કર્યું હતું; ત્યારબાદ પં. બલભદ્રજીએ પૂ.
ગુરુદેવના સ્વાગત નિમિત્તે ભક્તિભર્યું પ્રવચન કર્યું હતું. અહીં સંઘને ભોજનાદિની વ્યવસ્થા મથુરાના શેઠ
ભગવતીપ્રસાદજી તથા રાજા ભગવાનદાસજી તરફથી કરવામાં આવી હતી.
તા. ૧૬ ના રોજ મથુરાથી ફિરોજાબાદ આવ્યા. અહીં શેઠ છદામીલાલજી તથા દિ. જૈન સમાજ તરફથી
ઉમળકાભેર સ્વાગત થયું. શેઠશ્રી છદામીલાલજીએ ઘણો ભક્તિભાવ બતાવ્યો હતો; તેઓ સોનગઢના
માનસ્તંભને અનુસરીને લગભગ એવો જ માનસ્તંભ અહીં બનાવી રહ્યા છે, તેમાં પૂ. ગુરુદેવની પ્રવચન સભાનું
દ્રશ્ય તથા તેમાં શેઠજી પોતે ગુરુદેવને નમસ્કાર કરે છે ને દ્રશ્ય કોતરાવેલું છે. એક ઘણું વિશાળ અને ભવ્ય
જિનમંદિર પણ બંધાય છે, ભોજનાદિની વ્યવસ્થા અહીંના સંઘ તરફથી ઘણા પ્રેમપૂર્વક કરવામાં આવી હતી.
અહીં શીતલનાથ ભગવાનનું જિનમંદિર દર્શનીય છે, તેમાં કુંદકુંદ ભગવાનનો સુંદર ફોટો પણ છે. એક મંદિરમાં
લગભગ સવાફૂટના સ્ફટિકના પ્રતિમાજી છે તે પણ દર્શનીય છે, બીજા પણ અનેક મંદિરો દર્શનીય છે. અહીં જૈન
કોલેજ તરફથી તેમજ જૈન સમાજ તરફથી પૂ. ગુરુદેવને અભિનંદન પત્ર આપવામાં આવ્યા હતા, પ્રવચનમાં
પાંચ હજાર લોકોએ લાભ લીધો હતો. પૂ. ગુરુદેવના હસ્તે સરસ્વતીભવન–પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું હતું. પં.
રાજેન્દ્રકુમારજી વગેરે અનેક વિદ્વાનોએ પૂ. ગુરુદેવ પ્રત્યે ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.
તા. ૧૭ના રોજ ફિરોજાબાદથી મૈનપુરી તરફ આવ્યા. વચ્ચે શિકોહાબાદ સ્ટેશને કેટલાક ભાઈઓએ
પ્રેમપૂર્વક સંઘને ચા પાણી માટે રોક્યો. મૈનપુરીમાં બપોરે પૂ. ગુરુદેવનું પ્રવચન થયું તેમજ ત્યાંના જૈન સમાજે
પૂ. ગુરુદેવનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું.
મૈનપુરીથી તા. ૧૮ ના રોજ પૂ. ગુરુદેવ કાનપુર પધાર્યા, ત્યાંના જૈન સમાજે પ્રેમપૂર્વક પૂ. ગુરુદેવનું
સ્વાગત કર્યું. તથા સંઘને ઉતરવા તથા જમવા વગેરેની સગવડ પણ કરી હતી. પ્રવચનમાં પણ લોકોએ
ઉલ્લાસપૂર્વક લાભ લીધો હતો.